રણબીર કપૂરે ટેસ્લાની ફ્લાઈંગ કારને પુષ્પક વિમાન સાથે સરખાવી! ‘રામાયણ’નું એડવાન્સ બુકિંગ ₹22 કરોડને પાર, વિદેશમાં પણ ધૂમ

રણબીર કપૂરે ટેસ્લાની ફ્લાઈંગ કારને પુષ્પક વિમાન સાથે સરખાવી! ‘રામાયણ’નું એડવાન્સ બુકિંગ ₹22 કરોડને પાર, વિદેશમાં પણ ધૂમ

બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘રામાયણ’ને લઈને ચર્ચામાં છે. ફિલ્મની રિલીઝ પહેલાં જ તેના એડવાન્સ બુકિંગને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. આ દરમિયાન રણબીરે અમેરિકાના અબજોપતિ ઉદ્યોગપતિ ઈલોન મસ્કની ટેસ્લા કારની સરખામણી રામાયણમાં વર્ણવાયેલા પુષ્પક વિમાન સાથે કરીને એક રસપ્રદ નિવેદન આપ્યું છે.

રણબીરે એક વાતચીત દરમિયાન કહ્યું હતું કે ઈલોન મસ્કે તાજેતરમાં ફ્લાઈંગ કાર રજૂ કરી છે, પરંતુ ભારતે તો હજારો વર્ષ પહેલાં જ ઉડતી ગાડી બનાવી દીધી હતી. તેણે રામાયણના પુષ્પક વિમાનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ભારતની આ પ્રાચીન કથાઓમાં આવી કલ્પનાનો ઉલ્લેખ જોવા મળે છે.

જણાવી દઈએ કે ટેસ્લાએ 15 ઑક્ટોબરે પોતાની નવી રોડસ્ટર કારનું ડેમો રજૂ કર્યું હતું. તેમાં રોકેટ જેવા થ્રસ્ટર દર્શાવવામાં આવ્યા હતા. કંપનીએ આ કારનું પ્રોડક્શન 2028માં શરૂ કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

‘રામાયણ’ની અત્યાર સુધીમાં 4.98 લાખ ટિકિટોનું વેચાણ

ફિલ્મની ચર્ચા વચ્ચે તેના એડવાન્સ બુકિંગના આંકડા પણ સામે આવ્યા છે. સૅકનિલ્કના અહેવાલ મુજબ, ફિલ્મના પહેલા દિવસ માટે અત્યાર સુધીમાં 4.98 લાખ ટિકિટો વેચાઈ છે. જોકે, બ્લૉક કરવામાં આવેલી બેઠકોને બાદ કરતાં વાસ્તવિક વેચાણનો આંકડો 4.09 લાખ ટિકિટો છે.

આ ટિકિટો માટે કુલ 12,631 શો ઉપલબ્ધ છે. અહેવાલ મુજબ, ફિલ્મની ઓક્યુપન્સી 18 ટકા નોંધાઈ છે, જ્યારે બ્લૉક કરેલી બેઠકોને બાદ કરતાં આ આંકડો આશરે 14 ટકા રહે છે.

દિલ્હી-NCR એડવાન્સ બુકિંગમાં સૌથી આગળ

શહેર પ્રમાણે એડવાન્સ બુકિંગની વાત કરીએ તો દિલ્હી-NCR સૌથી આગળ છે. અહીંથી બ્લૉક કરેલી બેઠકો સહિત આશરે ₹3.45 કરોડની એડવાન્સ કમાણી થઈ છે. બ્લૉક કરેલી બેઠકોને બાદ કરતાં આ આંકડો ₹2.83 કરોડ થાય છે. દિલ્હી-NCRમાં 1,425 શો માટે 47,486 ટિકિટો વેચાઈ છે.

બેંગલુરુ બીજા ક્રમે છે. અહીં બ્લૉક કરેલી બેઠકો સહિત ₹3.27 કરોડની કમાણી થઈ છે, જ્યારે વાસ્તવિક એડવાન્સ બુકિંગની કમાણી ₹2.93 કરોડ છે. શહેરમાં 55,893 ટિકિટો વેચાઈ છે અને ઓક્યુપન્સી 31 ટકા નોંધાઈ છે.

મુંબઈ ત્રીજા ક્રમે છે. અહીંથી બ્લૉક કરેલી બેઠકો સહિત ₹2.72 કરોડની કમાણી થઈ છે. બેઠકોને બાદ કરતાં આ આંકડો ₹2.13 કરોડ છે. મુંબઈમાં 1,149 શો માટે 40,407 ટિકિટો વેચાઈ છે.

આ ઉપરાંત હૈદરાબાદમાંથી ₹1.40 કરોડ અને પુણેથી ₹1.02 કરોડની એડવાન્સ કમાણી થઈ છે. કોલકાતા, અમદાવાદ, જયપુર, ચેન્નાઈ અને સુરત જેવા શહેરોમાં પણ ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

હિન્દી વર્ઝનનું બુકિંગ સૌથી વધુ

‘રામાયણ’ના અલગ-અલગ ભાષાના વર્ઝનના એડવાન્સ બુકિંગમાં હિન્દી સૌથી આગળ છે. હિન્દી વર્ઝનમાંથી બ્લૉક કરેલી બેઠકો સહિત ₹18.20 કરોડની કમાણી થઈ છે. આ ફિલ્મની કુલ એડવાન્સ બુકિંગ કમાણી ₹22.11 કરોડના આશરે 82 ટકા જેટલી છે.

બ્લૉક કરેલી બેઠકોને બાદ કરતાં હિન્દી વર્ઝનની કમાણી ₹14.86 કરોડ થાય છે. આ વર્ઝન માટે આશરે 11,600 શો રાખવામાં આવ્યા છે.

કન્નડ વર્ઝન બીજા ક્રમે છે. તેમાંથી બ્લૉક કરેલી બેઠકો સહિત ₹2.67 કરોડની કમાણી થઈ છે. બેઠકોને બાદ કરતાં આ આંકડો ₹2.40 કરોડ છે. કન્નડ વર્ઝન માટે 549 શો ઉપલબ્ધ છે.

બીજી તરફ, તેલુગુ વર્ઝનમાંથી ₹1.06 કરોડની એડવાન્સ કમાણી થઈ છે. જ્યારે તમિલ વર્ઝનમાંથી અત્યાર સુધીમાં ₹17.32 લાખ મળ્યા છે.

વિદેશમાં પણ ‘રામાયણ’નો જબરદસ્ત ક્રેઝ

માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ ‘રામાયણ: પાર્ટ વન’ને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ટ્રેડ ટ્રેકર ફિલ્મ્સ ડિસ્કોર્સના અહેવાલ મુજબ, 31 ઑક્ટોબર સુધીમાં ફિલ્મે આંતરરાષ્ટ્રીય એડવાન્સ બુકિંગથી આશરે 3.86 મિલિયન ડૉલર એટલે કે ભારતીય ચલણમાં લગભગ ₹32.5 કરોડની કમાણી કરી છે.

વિદેશમાં અત્યાર સુધીમાં 2.08 લાખથી વધુ ટિકિટો વેચાઈ હોવાનું પણ જણાવાયું છે.

અમેરિકા અને કેનેડા આ મામલે સૌથી આગળ છે. બંને દેશોમાંથી આશરે 2.86 મિલિયન ડૉલરની કમાણી થઈ છે, જે વિદેશની કુલ એડવાન્સ બુકિંગનો લગભગ 74 ટકા હિસ્સો છે.

બ્રિટન અને આયર્લેન્ડમાંથી 4,16,500 ડૉલરની કમાણી થઈ છે, જ્યારે ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાંથી 3,46,900 ડૉલરનું એડવાન્સ બુકિંગ નોંધાયું છે.

5 નવેમ્બરે સિનેમાઘરોમાં આવશે ફિલ્મ

રણબીર કપૂર અને યશ અભિનીત ‘રામાયણ: પાર્ટ વન’ 5 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મના એડવાન્સ બુકિંગની પ્રક્રિયા હજુ ચાલુ હોવાથી રિલીઝ પહેલાં કમાણીના આંકડામાં વધુ વધારો થવાની શક્યતા છે.

હવે જોવાનું એ રહેશે કે ભારતીય મહાકાવ્ય રામાયણ પર આધારિત આ ફિલ્મ રિલીઝ બાદ બોક્સ ઓફિસ પર કેવો રેકોર્ડ બનાવે છે અને દર્શકોનો પ્રતિસાદ કેટલો મળે છે.