દર્દીઓના આરોગ્ય સાથે સીધો સંબંધ ધરાવતી પેથોલોજી લેબોરેટરીઓની કામગીરીને લઈને આણંદ જિલ્લામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. રાજ્યમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની જોગવાઈઓ હેઠળ લેબોરેટરીઓના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પ્રક્રિયા દરમિયાન આણંદ જિલ્લાની કુલ 38 લેબોરેટરીઓની તપાસમાં નિયમોના ઉલ્લંઘન અને જરૂરી લાયકાત ધરાવતા સ્ટાફના અભાવ સહિતની ખામીઓ સામે આવી છે.
આરોગ્ય વિભાગ સમક્ષ રજિસ્ટ્રેશન માટે રજૂ કરવામાં આવેલા દસ્તાવેજોની તપાસ બાદ 4 પેથોલોજી લેબોરેટરીઓનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું છે. જ્યારે 5 લેબોરેટરીઓમાં ડિગ્રી, જરૂરી સાધનો અને અન્ય નિયમો સંબંધિત ખામીઓ જણાતાં તેમને ક્વેરી કેટેગરીમાં મૂકવામાં આવી છે. આ લેબોરેટરીઓને જરૂરી પુરાવા અને ખુલાસા રજૂ કરવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત 3 લેબોરેટરીઓના રિપોર્ટ વધુ તપાસ માટે આગળ મોકલવામાં આવ્યા છે, જ્યારે ખંભાતની એક લેબોરેટરીને ગંભીર ખામીઓના કારણે પેન્ડિંગ રાખવામાં આવી છે.
જિલ્લામાં ક્યાં કેટલી લેબોરેટરીઓ આવેલી છે?
આણંદ જિલ્લામાં લેબોરેટરીઓનું સ્થળવાર વિતરણ જોઈએ તો આણંદ શહેરમાં 15, આણંદ ગ્રામ્ય વિસ્તારમાં 6, બોરસદમાં 5, ઉમરેઠમાં 6, ખંભાતમાં 5, જ્યારે પેટલાદ અને તારાપુરમાં એક-એક લેબોરેટરી આવેલી છે.
તપાસ દરમિયાન આણંદ ગ્રામ્ય વિસ્તારની 2 અને ઉમરેઠની 2 લેબોરેટરીઓને ક્વેરીમાં મૂકવામાં આવી છે. આણંદ ગ્રામ્ય વિસ્તારની 3 સહિત કુલ 4 લેબોરેટરીઓનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું છે. બીજી તરફ ખંભાતની એક લેબોરેટરીને પેન્ડિંગ કેટેગરીમાં રાખવામાં આવી છે.
નાના રૂમમાં લેબોરેટરી, જરૂરી સાધનો અને નિષ્ણાત સ્ટાફનો અભાવ
આરોગ્ય વિભાગની સ્થળ તપાસ દરમિયાન કેટલીક લેબોરેટરીઓમાં ગંભીર પ્રકારની બેદરકારી જોવા મળી હોવાનું સામે આવ્યું છે. આણંદ ગ્રામ્યની 2, ઉમરેઠની 2 અને ખંભાતની એક સહિત કુલ 5 લેબોરેટરીઓમાં ખૂબ જ મર્યાદિત સુવિધાઓ જોવા મળી હતી. નાના રૂમમાં માત્ર 2થી 3 મશીનો, ખુરશી અને ટેબલ સાથે લેબોરેટરીઓ કાર્યરત હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.
કેટલીક જગ્યાએ લાયકાત ધરાવતા નિષ્ણાત સ્ટાફના બદલે બિનઅનુભવી કર્મચારીઓ કામ કરતા હોવાની વિગતો પણ સામે આવી છે. થાઇરોઇડ જેવા સામાન્ય ટેસ્ટ અંગે પૂછવામાં આવતાં પણ કેટલાક કર્મચારીઓ યોગ્ય જવાબ આપી શકતા નહોતા અને અન્ય જગ્યાએ ફોન કરીને માહિતી મેળવતા હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું.
આ ઉપરાંત કેટલીક લેબોરેટરીઓમાં માત્ર નમૂના એકત્રિત કરીને વાસ્તવિક તપાસ અન્ય સ્થળે કરાવવામાં આવતી હોવાની વિગતો પણ સામે આવી છે. તેમ છતાં દર્દીઓને થોડા કલાકોમાં જ રિપોર્ટ આપી દેવામાં આવતા હતા. રિપોર્ટ પર નિષ્ણાત ડોક્ટરની સહીના બદલે સિક્કા દ્વારા કરવામાં આવેલી સહી હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે.
ઘરે બ્લડ સેમ્પલ લેવા જતા કર્મચારીઓની લાયકાત સામે સવાલ
જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કેટલીક લેબોરેટરીઓ દ્વારા ઘરે જઈને લોહીના નમૂના એકત્રિત કરવાની સેવા આપવામાં આવે છે. જોકે, આ કામગીરી માટે લાયકાત ધરાવતા કર્મચારીઓ મોકલવામાં આવે છે કે નહીં તે અંગે સવાલો ઊભા થયા છે. કેટલાક કર્મચારીઓને દર્દીઓના હાથમાંથી લોહીના નમૂના લેવામાં પણ પૂરતી કુશળતા ન હોવાની ફરિયાદો સામે આવી છે.
આવી સ્થિતિમાં નમૂના એકત્રિત કરવાની પ્રક્રિયા, તેની તપાસ અને રિપોર્ટની વિશ્વસનીયતા સામે સવાલો ઊભા થયા છે. દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે લેબોરેટરીઓમાં લાયકાત ધરાવતા કર્મચારીઓ અને નિષ્ણાત પેથોલોજિસ્ટની હાજરી અનિવાર્ય હોવાનું તબીબી નિયમોમાં જણાવાયું છે.
રિપોર્ટ પર સહી કરવાનો અધિકાર કોને?
નિયમો અનુસાર કોઈપણ વ્યક્તિ કે સંસ્થા લેબોરેટરીની માલિકી ધરાવી શકે છે, પરંતુ લેબોરેટરીનું સંચાલન અને રિપોર્ટની પ્રમાણિકતા માટે નક્કી કરાયેલા માપદંડોનું પાલન કરવું જરૂરી છે. માત્ર બેચલર કે ડિપ્લોમા ઇન મેડિકલ લેબોરેટરી ટેક્નોલોજીનો અભ્યાસ કરનારા ટેક્નિશિયન પોતાની રીતે પેથોલોજી રિપોર્ટ પર સહી કરી શકતા નથી.
લેબોરેટરીના મુખ્ય પેથોલોજિસ્ટ પાસે જરૂરી ઉચ્ચ તબીબી લાયકાત હોવી અને ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં નોંધણી હોવી અનિવાર્ય છે. ખાસ કરીને એમડી અથવા ડીએનબી પેથોલોજિસ્ટની નિમણૂક અને તેમની વ્યાવસાયિક જવાબદારીને લઈને નિયમોનું પાલન કરવું જરૂરી છે.
6 મહિના અગાઉ 17 લેબને નોટિસ છતાં સુધારો નહીં
આ સમગ્ર મામલે વધુ ચોંકાવનારી બાબત એ છે કે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ નિયમોનું પાલન ન કરતી જિલ્લાની 17 પેથોલોજી લેબોરેટરીઓને આરોગ્ય વિભાગ દ્વારા આશરે 6 મહિના અગાઉ નોટિસ આપવામાં આવી હતી.
આ 17 લેબોરેટરીઓમાં ખંભાતની 6, આણંદની 3, ઉમરેઠની 3, જ્યારે કરમસદ, ઓડ, વાસદ, બોરસદ અને આંકલાવની એક-એક લેબોરેટરીનો સમાવેશ થતો હતો.
નોટિસ બાદ પણ કેટલીક લેબોરેટરીઓમાં જરૂરી સાધનોની વ્યવસ્થા કરવામાં આવી નથી તેમજ એમડી પેથોલોજિસ્ટની નિમણૂક કરવામાં આવી ન હોવાની વિગતો સામે આવી છે.
હવે 4 લેબોરેટરીઓનું રજિસ્ટ્રેશન રદ થવું, 5ને ક્વેરીમાં મૂકવી અને અન્ય લેબોરેટરીઓના રિપોર્ટ વધુ તપાસ માટે મોકલાવા એ સમગ્ર આરોગ્ય વ્યવસ્થાની દેખરેખ સામે ગંભીર સવાલો ઊભા કરે છે. દર્દીઓના આરોગ્ય સાથે જોડાયેલા આ મામલે આરોગ્ય વિભાગ આગામી દિવસોમાં કેટલી કડક કાર્યવાહી કરે છે અને નિયમોનું ઉલ્લંઘન કરતી લેબોરેટરીઓ સામે શું પગલાં લેવાય છે તેના પર સૌની નજર રહેશે.