શહેરમાં વારંવાર વીજળી ગુલ થવાની અને ઓવરલોડની સમસ્યાથી પરેશાન વીજ ગ્રાહકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. આણંદ શહેરમાં વીજળીની વધતી માંગ અને ગ્રાહકોની સંખ્યાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા ગામડી વિસ્તારમાં નવા ભગતસિંહ સબ સ્ટેશનને મંજૂરી આપવામાં આવી છે. આ નવું સબ સ્ટેશન કાર્યરત થતાં 23 હજારથી વધુ વીજ કનેક્શન ધારકોને સીધો લાભ મળશે.
પ્રાપ્ત વિગતો મુજબ, આણંદ શહેરમાં હાલમાં એમજીવીસીએલના અંદાજે 1.20 લાખથી વધુ વીજ ગ્રાહકો છે. શહેરમાં શાસ્ત્રી, સરદાર અને ખોડિયાર સબ સ્ટેશન મારફતે વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે. એક સબ સ્ટેશન હેઠળ 40 હજારથી વધુ ગ્રાહકોનો સમાવેશ થતો હોવાથી વીજ તંત્ર પર કામનું ભારણ સતત વધી રહ્યું છે. ખાસ કરીને વીજળીની માંગ વધતી વખતે ઓવરલોડની સ્થિતિ સર્જાતાં વારંવાર વીજ પુરવઠો ખોરવાતો હોવાની ફરિયાદો ઊઠી રહી હતી.
શહેરના પૂર્વ વિસ્તારમાં છેલ્લા ચાર મહિનાથી વીજ ફોલ્ટની ઘટનાઓમાં વધારો થયો હતો. આ વિસ્તારમાં 40 હજારથી વધુ રહેણાંક અને કોમર્શિયલ વીજ ગ્રાહકો હોવા છતાં અલગ સબ સ્ટેશનની સુવિધા ઉપલબ્ધ નહોતી. પરિણામે શાસ્ત્રી ફિડરમાંથી વીજ પુરવઠો આપવામાં આવતો હતો. વધતા વીજ લોડને કારણે અઠવાડિયામાં ચારથી પાંચ વખત વીજળી ગુલ થવાની સમસ્યા સર્જાતી હતી.
ખાસ કરીને અંડરગ્રાઉન્ડ કેબલમાં શોર્ટ સર્કિટ કે અન્ય ટેકનિકલ ખામી સર્જાય ત્યારે ફોલ્ટ શોધવામાં લાંબો સમય લાગતો હતો. જેના કારણે રાત્રિના સમયે પણ ત્રણથી ચાર કલાક સુધી વીજ પુરવઠો બંધ રહેતો હતો. આ સમસ્યાને લઈને સ્થાનિક રહીશો દ્વારા એમજીવીસીએલ કચેરી ખાતે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી. સ્થાનિક કોર્પોરેટરો દ્વારા પણ આ મુદ્દે અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.
વીજ ગ્રાહકોની સતત ફરિયાદો અને સ્થાનિક સ્તરે થયેલી રજૂઆતોને પગલે એમજીવીસીએલ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ નવા સબ સ્ટેશનની માંગણી કરવામાં આવી હતી. આખરે સરકારની મંજૂરી મળતાં વીજ તંત્ર દ્વારા ગામડી વિસ્તારમાં નવા ભગતસિંહ સબ સ્ટેશન માટે જમીનની શોધખોળ સહિતની પ્રાથમિક કામગીરી શરૂ કરવામાં આવી છે.
23 હજારથી વધુ ગ્રાહકોને સીધો લાભ મળશે
નવું ભગતસિંહ સબ સ્ટેશન કાર્યરત થયા બાદ 23 હજારથી વધુ વીજ ગ્રાહકોને તેમાં આવરી લેવામાં આવશે. જેના કારણે હાલ શાસ્ત્રી ફિડર પર રહેલો વીજ લોડ ઘટશે. પરિણામે પૂર્વ વિસ્તાર સહિત આસપાસના વિસ્તારોમાં વારંવાર વીજળી ગુલ થવાની સમસ્યામાં ઘટાડો થવાની આશા છે.
વીજ ફોલ્ટ અને બિલિંગની ફરિયાદોનો ઝડપી નિકાલ થશે
નવું સબ ડિવિઝન શરૂ થતાં સરદાર સબ ડિવિઝન પરનું કામનું ભારણ પણ ઓછું થશે. વીજળીમાં ફોલ્ટ સર્જાય ત્યારે ટેકનિકલ ટીમો સંબંધિત વિસ્તારમાં ઝડપથી પહોંચી શકશે. આ ઉપરાંત નવા વીજ કનેક્શન મેળવવાની પ્રક્રિયા, મીટર સંબંધિત ફરિયાદો અને બિલિંગની સમસ્યાઓનો પણ ઝડપથી નિકાલ થઈ શકશે.
હાલ તો ગામડી વિસ્તારમાં નવા ભગતસિંહ સબ સ્ટેશન માટે જમીનની શોધખોળ ચાલી રહી છે. યોગ્ય જગ્યા ઉપલબ્ધ થયા બાદ બાંધકામની કામગીરી હાથ ધરવામાં આવશે. નવું સબ સ્ટેશન શરૂ થતાં આણંદ શહેરના પૂર્વ વિસ્તારમાં લાંબા સમયથી ચાલી આવતી વીજ પુરવઠાની સમસ્યામાં નોંધપાત્ર રાહત મળવાની અપેક્ષા છે.