આણંદ જિલ્લામાં ભાજપમાં આંતરિક અસંતોષ સપાટી પર, સ્નેહ સંમેલનોમાં કાર્યકરોની પાંખી હાજરીથી સંગઠનની ચિંતા વધી

આણંદ જિલ્લામાં ભાજપમાં આંતરિક અસંતોષ સપાટી પર, સ્નેહ સંમેલનોમાં કાર્યકરોની પાંખી હાજરીથી સંગઠનની ચિંતા વધી

ગુજરાતમાં વર્ષ 2027માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપમાં આંતરિક અસંતોષના સૂર ધીમે ધીમે તેજ બની રહ્યા છે. આણંદ જિલ્લામાં યોજાયેલા વિધાનસભા કક્ષાના સ્નેહ સંમેલનોમાં કાર્યકરોની અપેક્ષા કરતાં ઓછી હાજરી જોવા મળતાં રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. ખાસ કરીને આણંદ, બોરસદ અને ઉમરેઠ વિધાનસભા વિસ્તારોમાં સ્થાનિક નેતાગીરી સામે કાર્યકરો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની નારાજગી હોવાની ચર્ચા સામે આવી છે.

આણંદ વિધાનસભા વિસ્તારમાં યોજાયેલા સ્નેહ સંમેલનમાં અંદાજે 400થી 500 જેટલા કાર્યકરોની હાજરી નોંધાઈ હતી. કાર્યક્રમ માટે અગાઉથી મર્યાદિત ભોજન વ્યવસ્થા કરવામાં આવી હોવા છતાં તેનો પણ સંપૂર્ણ ઉપયોગ થયો ન હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ, સાંસદ સહિત અનેક કોર્પોરેટરોની ગેરહાજરીએ સંગઠનની આંતરિક ખેંચતાણ અંગે સવાલો ઊભા કર્યા છે.

સ્થાનિક સ્તરે ચર્ચા છે કે આણંદ મહાનગરપાલિકામાં કોર્પોરેટરો વચ્ચે જૂથવાદની સ્થિતિ ઊભી થઈ છે. ધારાસભ્યની પાલિકાની કામગીરીમાં વધતી દખલગીરી, વિકાસનાં કામોની ગ્રાન્ટની ફાળવણીમાં પસંદગીના લોકોને પ્રાધાન્ય અને યુવા કાર્યકરોની અવગણના જેવા મુદ્દાઓને લઈને કેટલાક કોર્પોરેટરો તથા કાર્યકરોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.

બીજી તરફ, બોરસદ વિધાનસભા વિસ્તારમાં કેબિનેટ મંત્રીના સ્નેહ સંમેલનમાં પણ શહેરના સ્થાનિક કાર્યકરો અને નગરપાલિકાના કેટલાક કાઉન્સિલરોની ગેરહાજરી ચર્ચાનો વિષય બની હતી. કાર્યક્રમમાં અંદાજે 5 હજાર લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યારે આશરે 3 હજાર લોકોએ ભોજન લીધું હોવાનું જાણવા મળ્યું છે. શરૂઆતમાં ખુરશીઓ ખાલી રહેતાં આસપાસનાં ગામોમાંથી કાર્યકરોને બોલાવીને કાર્યક્રમમાં હાજરી વધારવામાં આવી હોવાની ચર્ચા પણ સામે આવી છે.

આવી જ સ્થિતિ ઉમરેઠ વિધાનસભા વિસ્તારમાં હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. સ્થાનિક સ્તરે નેતાઓ અને કાર્યકરો વચ્ચે વધતું અંતર ભાજપના સંગઠન માટે ચિંતાનો વિષય બની શકે છે.

બંને પાલિકામાં નેતાગીરીની દખલગીરી સામે નારાજગીની ચર્ચા

આણંદ અને બોરસદ બંને વિસ્તારોમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની કામગીરીમાં ધારાસભ્યોની કથિત દખલગીરી સામે નારાજગી હોવાની ચર્ચા છે. વિકાસનાં કામો, ગ્રાન્ટની ફાળવણી અને સ્થાનિક પ્રશ્નોના નિરાકરણમાં પસંદગીના લોકોને જ મહત્વ મળતું હોવાના આક્ષેપો વચ્ચે કેટલાક ચૂંટાયેલા પ્રતિનિધિઓ સ્થાનિક નેતાગીરીથી અંતર જાળવી રહ્યા હોવાનું કહેવાય છે.

સંગઠન માટે વધુ એક પડકાર એ છે કે સરકારી કાર્યક્રમોમાં સરકારી તંત્ર દ્વારા જ લોકોની હાજરી સુનિશ્ચિત કરવામાં આવતી હોવાના કારણે સ્થાનિક નેતાઓ અને કાર્યકરોની વાસ્તવિક સંગઠનાત્મક તાકાતનો અંદાજ લગાવવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે.

હવે સવાલ એ છે કે 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપનું જિલ્લા સંગઠન આ આંતરિક અસંતોષને કેટલું ગંભીરતાથી લે છે અને નારાજ કાર્યકરો તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓને ફરી એક મંચ પર લાવવા માટે કેવા પ્રયાસો કરે છે. સમયસર ડેમેજ કંટ્રોલ નહીં થાય તો આગામી ચૂંટણીમાં આ આંતરિક ખેંચતાણ પક્ષ માટે પડકારરૂપ બની શકે છે.