વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આણંદમાં પ્લાસ્ટિક મુક્તિ માટે વિશેષ અભિયાન
આણંદ જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસ-2025 નિમિત્તે ‘એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન’ થીમ પર વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ અભિયાન 22 મે થી 5 જૂન સુધી ચાલશે.
જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતીએ તાલુકા વિકાસ અધિકારીઓને આ અભિયાન અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવા સૂચના આપી છે. આણંદ જિલ્લાને સંપૂર્ણપણે પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ છે.અભિયાન અંતર્ગત લોકોને પ્લાસ્ટિકની કોથળીઓને બદલે કાપડ અને કાગળની થેલીઓનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ઘરેથી જ કાપડની થેલી લઈને જવા માટે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. જિલ્લાના ગામોમાં વિવિધ સ્થળોએ સ્વચ્છતા અને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્તિ અંગેના સંદેશાઓ અને ભીંતચિત્રો દ્વારા લોકજાગૃતિ કેળવવામાં આવી રહી છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે.