મિડલ ઈસ્ટમાં ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે વધતા તણાવના કારણે મોરબીના સિરામિક અને પેપરમિલ ઉદ્યોગ પર ગંભીર અસર જોવા મળી રહી છે. વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સિરામિક હબ તરીકે ઓળખાતા મોરબીમાં દરિયાઈ માર્ગોમાં અવરોધ અને ગેસની અછતને કારણે ઉદ્યોગોમાં સંકટના વાદળો ઘેરાયા છે. મિડલ ઈસ્ટમાં વધેલા તણાવને કારણે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુસ’ માર્ગ પર અવરજવર મર્યાદિત થતાં ગેસ પુરવઠામાં મોટો ઘટાડો થયો છે, જેના કારણે સિરામિક ઉદ્યોગને ભારે ઝટકો લાગ્યો છે.
સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજ એરવાડિયાના જણાવ્યા અનુસાર, ગેસની અછત અને એક્સપોર્ટમાં ઉભી થયેલી અડચણોના કારણે અત્યાર સુધીમાં મોરબીના અંદાજે 100 જેટલા સિરામિક યુનિટો બંધ થઈ ચૂક્યા છે. આ યુનિટો બંધ થતાં આશરે 5,000 જેટલા શ્રમિકો બેરોજગાર બન્યા છે. હાલમાં ગુજરાત ગેસ તરફથી માત્ર 50 ટકા જ ગેસ સપ્લાય મળી રહ્યો છે. જો આગામી 10 દિવસમાં પરિસ્થિતિ સુધરે નહીં, તો મોરબીના તમામ 1,100 સિરામિક એકમો બંધ કરવાની નોબત આવી શકે છે. આવું બનશે તો ઉદ્યોગ સાથે સીધા અને પરોક્ષ રીતે જોડાયેલા અંદાજે 10 લાખ લોકોની રોજીરોટી પર ગંભીર અસર પડશે.
માત્ર સિરામિક ઉદ્યોગ જ નહીં, પરંતુ મોરબીનો પેપરમિલ ઉદ્યોગ પણ મુશ્કેલ સમયમાં ફસાઈ ગયો છે. પેપરમિલ એસોસિએશનના પ્રમુખ શૈલેષ પટેલના જણાવ્યા મુજબ, શિપિંગ રૂટ બંધ થવાને કારણે કાચા માલની આયાત અટકી ગઈ છે. સાથે જ એક્સપોર્ટ ચાર્જમાં 2,000 ડોલર જેટલો મોટો વધારો થયો છે, જ્યારે કોલસાના ભાવમાં પણ ટનદીઠ લગભગ 1,000 રૂપિયાનો વધારો નોંધાયો છે. મોરબીમાં આવેલી 52 પેપરમિલોનું કુલ વાર્ષિક ટર્નઓવર આશરે 5,000 કરોડ રૂપિયા છે, જે હાલની પરિસ્થિતિમાં જોખમમાં મુકાઈ ગયું છે.
ગલ્ફ દેશો અને યુરોપ તરફ થતી નિકાસ પણ મોટા પાયે અટકી ગઈ છે, જેના કારણે ઉદ્યોગપતિઓ હાલ ‘વેઈટ એન્ડ વોચ’ની સ્થિતિમાં છે. અનેક ઉદ્યોગોએ નવા ઓર્ડર લેવાનું બંધ કરી દીધું છે અને પહેલાથી મળેલા એક્સપોર્ટ ઓર્ડર પણ સ્થગિત કરવામાં આવ્યા છે. જો મિડલ ઈસ્ટમાં તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિ વધુ સમય સુધી ચાલુ રહેશે, તો મોરબીના સિરામિક અને પેપરમિલ બંને ઉદ્યોગોને ભારે નુકસાન ભોગવવું પડી શકે છે.