Advertisement

વિરમગામ-નળ સરોવર રોડ પર કાળમુખો અકસ્માત: અજાણ્યા વાહનની ટક્કરે બાઈક સવાર એક જ પરિવારના 3ના કમકમાટીભર્યા મોત

વિરમગામ-નળ સરોવર રોડ પર કાળમુખો અકસ્માત: અજાણ્યા વાહનની ટક્કરે બાઈક સવાર એક જ પરિવારના 3ના કમકમાટીભર્યા મોત

અમદાવાદ જિલ્લાના વિરમગામ-નળ સરોવર રોડ પર આજે એક અત્યંત ગમખ્વાર અને હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. પૂરઝડપે આવી રહેલા એક અજાણ્યા વાહને મોટરસાઈકલને જોરદાર ટક્કર મારતા, બાઈક પર સવાર એક જ પરિવારના ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ ભયાનક અકસ્માત સર્જીને અજાણ્યો વાહનચાલક ગાડી સાથે ફરાર થઈ ગયો હોવાની વિગતો મળી રહી છે.


 મળતી અહેવાલો મુજબ, આ કાળજું કંપાવી દેનારી ઘટના આજે ત્યારે બની જ્યારે એક જ પરિવારના ત્રણ સભ્યો બાઈક પર સવાર થઈને નળ સરોવર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન, સામેથી કાળ બનીને આવી રહેલા એક પૂરઝડપ અજાણ્યા વાહને તેમને અડફેટે લીધા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ટક્કર એટલી ભયાનક અને જોરદાર હતી કે બાઈકનો ભૂકો બોલી ગયો હતો. 


 આ જોરદાર અકસ્માતને પગલે આસપાસના લોકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈક પર સવાર ત્રણેય લોકોએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો. ઘટનાસ્થળે લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા અને મૃતદેહોની હાલત જોઈને લોકોના કાળજા કંપી ઉઠ્યા હતા.


અકસ્માતની જાણ થતા જ વિરમગામ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મામલાની ગંભીરતા નોંધીને ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી છે. આ સાથે જ, અકસ્માત સર્જીને નાસી છૂટેલા અજાણ્યા વાહનચાલકને ઝડપી પાડવા માટે પોલીસે ચારેતરફ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement