ભારતના ચીફ જસ્ટિસ સૂર્યકાંતે વિદ્યાર્થીઓ પર થયેલા કથિત લાઠીચાર્જ મામલે મીડિયા રિપોર્ટિંગ અંગે કડક નારાજગી વ્યક્ત કરી છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં કોઈ ઔપચારિક અરજી દાખલ કરવામાં આવી નહોતી, માત્ર એક રજૂઆત કરવામાં આવી હતી. તેથી તાત્કાલિક સુનાવણી ન કરવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી.
CJIએ જણાવ્યું કે કેટલાક મીડિયા અહેવાલોમાં ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું કે તેમણે કેસની સુનાવણી કરવાની ના પાડી હતી. કોર્ટની રજિસ્ટ્રીમાં તપાસ કર્યા બાદ તેમણે જણાવ્યું કે આ મામલે કોઈ અરજી કે દસ્તાવેજ દાખલ થયો જ નહોતો, માત્ર મૌખિક રજૂઆત કરવામાં આવી હતી.
આ મામલો 22 જુલાઈના રોજ શરૂ થયો હતો, જ્યારે એક વકીલે જંતર-મંતર ખાતે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસ દમનનો મુદ્દો ઉઠાવ્યો હતો. સાથે જ NEET પરીક્ષા અને NTAને લઈને પણ વિવિધ માગણીઓ રજૂ કરવામાં આવી હતી. જોકે, CJIએ મીડિયા રિપોર્ટિંગમાં થયેલી ગેરસમજ દૂર કરતાં સ્પષ્ટતા કરી કે અદાલતે કોઈ દાખલ થયેલી અરજી પર સુનાવણી નકારી નહોતી.