Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એલર્ટ – મિડલ ઈસ્ટ યુદ્ધ લાંબું ચાલશે તો ભારે નુકસાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એલર્ટ – મિડલ ઈસ્ટ યુદ્ધ લાંબું ચાલશે તો ભારે નુકસાન

રાજ્યસભામાં સંબોધન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે જો આ યુદ્ધ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો વિશ્વભરમાં તેના ગંભીર દુષ્પરિણામ જોવા મળશે. આ સંકટે સમગ્ર દુનિયાને હચમચાવી દીધી છે અને સ્થિતિ સામાન્ય થવામાં પણ લાંબો સમય લાગી શકે છે. સરકાર પળેપળ બદલાતી પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને દરેક દેશ સાથે સતત સંપર્કમાં છે.


PM મોદીએ વધુમાં કહ્યું કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને ત્રણ સપ્તાહ થઈ ગયા છે, જેના કારણે વિશ્વમાં ઊર્જા સંકટ ઊભું થયું છે. આ અસર ભારત પર પણ પડી રહી છે, ખાસ કરીને વેપારના દરિયાઈ માર્ગો પર. ગલ્ફ દેશોમાં એક કરોડથી વધુ ભારતીયો રહે છે, જેથી તેમની સુરક્ષા ભારત માટે મહત્વપૂર્ણ મુદ્દો બની ગઈ છે. તેમણે જણાવ્યું કે વિવિધ દેશોના નેતાઓ સાથે બે વખત વાતચીત થઈ છે અને તમામ દેશોએ ભારતીયોની સુરક્ષાનું આશ્વાસન આપ્યું છે, છતાં કેટલીક દુઃખદ ઘટનાઓમાં ભારતીયોના મોત થયા છે.


ભારત મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ અને ગેસની આયાત Strait of Hormuz મારફતે કરે છે, પરંતુ યુદ્ધ બાદથી આ માર્ગ પર જહાજોની અવરજવર મુશ્કેલ બની ગઈ છે. PM મોદીએ કહ્યું કે હોર્મુઝ સ્ટ્રેટમાં કોઈપણ પ્રકારની અડચણ અસ્વીકાર્ય છે અને ભારત આ મામલે ડિપ્લોમેસી દ્વારા સતત પ્રયત્ન કરી રહ્યું છે. સાથે જ દેશમાં LPG ઉત્પાદન વધારવા અને પેટ્રોલ-ડીઝલની સપ્લાય જાળવી રાખવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. હાલ ભારત પાસે આશરે 53 લાખ મેટ્રિક ટન પેટ્રોલિયમ રિઝર્વ ઉપલબ્ધ છે.


વડાપ્રધાને આત્મનિર્ભર ભારત પર ભાર મૂકતા જણાવ્યું કે હવે ભારત દરેક ક્ષેત્રમાં અન્ય દેશો પર નિર્ભરતા ઘટાડવા માટે કામ કરી રહ્યું છે. શિપ બિલ્ડિંગથી લઈને રેર અર્થ મિનરલ્સ સુધી દેશમાં જ ઉત્પાદન વધારવાના પ્રયાસો થઈ રહ્યા છે. “મેડ ઈન ઈન્ડિયા” જહાજો બનાવવા માટે 70 હજાર કરોડ રૂપિયાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને દેશના મોટા ભાગના હથિયારો પણ હવે દેશમાં જ બનાવવામાં આવી રહ્યા છે.


આ સંકટને ધ્યાનમાં રાખીને PM મોદીએ રાજ્ય સરકારોને પણ અપીલ કરી કે કેન્દ્ર અને રાજ્યોએ “ટીમ ઇન્ડિયા” બનીને કામ કરવું પડશે. સંકટના સમયમાં ગરીબ અને શ્રમિકોને મુશ્કેલી ન પડે તે માટે જરૂરી ચીજવસ્તુઓની સપ્લાય જાળવવી અને સંગ્રહખોરી સામે કડક કાર્યવાહી કરવી જરૂરી છે. તેમણે જણાવ્યું કે કોરોનાકાળમાં જેમ કેન્દ્ર અને રાજ્યોએ સાથે મળીને કામ કર્યું હતું, તેમ જ આ સંકટમાં પણ એકતા જરૂરી છે.


અંતમાં વડાપ્રધાને દેશવાસીઓને સંદેશ આપ્યો કે આ સંકટ અલગ પ્રકારનું છે અને દરેકને તૈયાર રહેવું પડશે. યુદ્ધની પરિસ્થિતિ પળેપળ બદલાઈ રહી છે, તેથી ધૈર્ય અને એકતા સાથે દરેક પડકારનો સામનો કરવો જરૂરી છે.


Advertisement