વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 જૂને દક્ષિણ ગુજરાતને ₹1063 કરોડથી વધુના GIDC પ્રોજેક્ટ્સની આપશે ભેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 જૂને દક્ષિણ ગુજરાતને ₹1063 કરોડથી વધુના GIDC પ્રોજેક્ટ્સની આપશે ભેટ

ગાંધીનગર: વડાપ્રધાન  નરેન્દ્ર મોદી 5 જૂન, 2026ના રોજ ગુજરાતની મુલાકાત દરમિયાન દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક વિકાસને નવી દિશા આપતા ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) હેઠળ ₹1063.43 કરોડના 8 મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. સુરતથી યોજાનારા કાર્યક્રમમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના કુલ ₹18,777 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રોજેક્ટ્સમાં ભરૂચ જિલ્લાના ₹894 કરોડથી વધુના 6 અને વલસાડ જિલ્લાના ₹169.3 કરોડના 2 પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.


ભરૂચ જિલ્લાના દહેજ PCPIR વિસ્તારમાં ₹474.61 કરોડના ખર્ચે 90 MLD ક્ષમતાની એફ્લુઅન્ટ નિકાલ પાઇપલાઇનનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનાથી દહેજ અને સાયખા ઔદ્યોગિક વિસ્તારમાં પ્રદૂષિત પાણીના નિકાલ અને વ્યવસ્થાપનને વધુ મજબૂતી મળશે. ઉપરાંત જંબુસર બલ્ક ડ્રગ પાર્કમાં ₹274.96 કરોડના ખર્ચે રોડ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ નેટવર્ક અને સેન્ટ્રલ ડ્રેન જેવી આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવી છે, જે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગોના વિકાસને વેગ આપશે.


આ ઉપરાંત દહેજ-2 ઔદ્યોગિક વસાહતમાં 30 MLD ક્ષમતાનું ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન, પાનોલી વિસ્તરણ ઔદ્યોગિક વસાહતમાં વિવિધ માળખાકીય સુવિધાઓનો વિકાસ, અંકલેશ્વર ખાતે એફ્લુઅન્ટ ટ્રાન્સમિશન પાઇપલાઇન માટે ઇન્ટરમીડિયેટ બૂસ્ટર પમ્પિંગ સ્ટેશન તેમજ દહેજ-1 ઔદ્યોગિક વસાહતમાં નેચરલ ડ્રેઇન-2ના અપગ્રેડેશન જેવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું પણ લોકાર્પણ કરવામાં આવશે.


વલસાડ જિલ્લાના સરીગામ ખાતે કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (CETP)ની ક્ષમતા 15 MLDથી વધારીને 25 MLD કરવામાં આવી છે, જેનાથી પ્રદૂષિત પાણીના શુદ્ધિકરણની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. ઉપરાંત સરીગામ ઔદ્યોગિક વસાહતમાં સમ્પ અને પમ્પિંગ સ્ટેશન સાથે HDPE ઑનશોર અને ઑફશોર આઉટફૉલ પાઇપલાઇનનું નિર્માણ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે, જેનાથી ઔદ્યોગિક વિસ્તારોમાં પર્યાવરણલક્ષી માળખાકીય સુવિધાઓ વધુ મજબૂત બનશે.


આ તમામ પ્રોજેક્ટ્સ દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક વિકાસ, પર્યાવરણ સંરક્ષણ અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નવી ગતિ આપશે તેમજ પ્રદેશમાં રોકાણ અને રોજગારીની નવી તકોનું સર્જન કરશે.