Advertisement

વાતાવરણમાં પલટો: કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં માવઠાની આગાહી, જાણો કયા જિલ્લામાં પડશે વરસાદ.

વાતાવરણમાં પલટો: કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં માવઠાની આગાહી, જાણો કયા જિલ્લામાં પડશે વરસાદ.

અમદાવાદ: ગુજરાતમાં અત્યારે કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યના વાતાવરણમાં મોટા ફેરફારની આગાહી કરી છે. આગામી બે દિવસ દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું પડવાની શક્યતા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે, જે ઉનાળાની ગરમી વચ્ચે લોકોને આશ્ચર્યમાં મૂકી દેશે.


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મુખ્યત્વે સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, પંચમહાલ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં માવઠું પડવાની સંભાવના છે. આ સિવાયના અન્ય જિલ્લાઓમાં હવામાન સૂકું રહેશે. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં પણ પાકને થનારા નુકસાનને લઈને ચિંતા જોવા મળી રહી છે.


વાતાવરણમાં આવેલા આ અચાનક પલટા પાછળ 'અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન' જવાબદાર છે. દક્ષિણ-પૂર્વ પાકિસ્તાન અને તેની આસપાસના રાજસ્થાન પર આ સિસ્ટમ સર્જાઈ છે. આ સિસ્ટમને કારણે ભેજવાળા પવનો ફૂંકાશે અને પ્રી-મોન્સૂન જેવી ગતિવિધિઓ જોવા મળશે, જે વરસાદી વાતાવરણ ઉભું કરશે.


વરસાદી આગાહી છતાં, 18 એપ્રિલ સુધી રાજ્યમાં કાળઝાળ ગરમી અને અસહ્ય બફારો ચાલુ રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીનું જોર વધુ જોવા મળશે. ગત 24 કલાકમાં રાજકોટમાં 42.4 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઊંચું તાપમાન નોંધાયું હતું, જ્યારે અમદાવાદમાં પણ પારો 40 ડિગ્રીની આસપાસ રહ્યો છે. વરસાદ પડ્યા બાદ તાપમાનમાં સામાન્ય ઘટાડો થઈ શકે છે.

Advertisement