ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો: સુરત સ્ટેશનના CCTVમાં દેખાયા ત્રણ શકમંદ, કોટાથી ઝડપાયા

ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો: સુરત સ્ટેશનના CCTVમાં દેખાયા ત્રણ શકમંદ, કોટાથી ઝડપાયા

મુંબઈમાં અભિનેતા ટાઈગર શ્રોફની કાર પર થયેલા ફાયરિંગના કેસમાં તપાસ દરમિયાન સુરત રેલવે સ્ટેશનની કડી સામે આવી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સુરત સ્ટેશનના CCTV ફૂટેજ તપાસતાં ત્રણ શંકાસ્પદ શખ્સોની હિલચાલ કેમેરામાં કેદ થયેલી જોવા મળી હતી. ત્યારબાદ ત્રણેય આરોપીઓને રાજસ્થાનના કોટા રેલવે સ્ટેશન પરથી ઝડપી લેવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે.

મળતી માહિતી મુજબ, મુંબઈમાં ફાયરિંગની ઘટના બાદ આરોપીઓની શોધખોળ તેજ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન શકમંદોની કડી સુરત સુધી પહોંચતાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ મોડી રાત્રે સુરત રેલવે સ્ટેશન પહોંચી હતી. અહીં ટીમે સ્થાનિક રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ને શરૂઆતમાં કોઈ વિગત આપ્યા વગર CCTV ફૂટેજની તપાસ હાથ ધરી હતી.

સુરત સ્ટેશનના CCTVમાં કેદ થઈ શંકાસ્પદોની હિલચાલ

સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 પરના CCTV ફૂટેજમાં ત્રણ શંકાસ્પદ શખ્સો ઉતાવળમાં દોડતા જોવા મળ્યા હતા. ફૂટેજ અનુસાર, ત્રણેય સ્ટેશન પરિસરમાં પ્રવેશ્યા બાદ ટ્રેન પકડવા માટે ઝડપથી પ્લેટફોર્મ તરફ આગળ વધ્યા હતા. આ દરમિયાન બે શખ્સો આગળ દોડતા જોવા મળ્યા હતા, જ્યારે કાળા રંગનું ટી-શર્ટ પહેરેલો ત્રીજો શખ્સ પણ તેમની પાછળ દોડીને ટ્રેનમાં ચડતો દેખાયો હતો.

તપાસ દરમિયાન પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચ તરફ જતા મુસાફરોના CCTV ફૂટેજ પણ તપાસવામાં આવ્યા હતા. જોકે, ત્રણેય આરોપીઓ સુરતથી જ ટ્રેનમાં સવાર થયા હતા કે નહીં તેની સ્થાનિક પોલીસ તરફથી ચોક્કસ પુષ્ટિ કરવામાં આવી નહોતી.

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ગુપ્ત રીતે તપાસ હાથ ધરી

શંકાસ્પદો સુરત રેલવે સ્ટેશન તરફ ગયા હોવાની માહિતી મળતાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના DCP ટીમ સાથે સુરત પહોંચ્યા હતા. તેમણે સુરત ક્રાઈમ બ્રાન્ચ સાથે સંકલન સાધીને તપાસ આગળ ધપાવી હતી. શરૂઆતમાં તપાસની ગોપનીયતા જાળવવામાં આવી હતી અને સ્થાનિક RPFના અધિકારીઓને પણ કેસની વિગતો આપવામાં આવી નહોતી.

CCTV ફૂટેજમાં શંકાસ્પદોની હિલચાલ સામે આવ્યા બાદ સ્થાનિક પોલીસ અને RPFને એલર્ટ કરવામાં આવ્યા હતા. જોકે, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ સુરત પહોંચી ત્યારે સંબંધિત ટ્રેન આગળ નીકળી ગઈ હતી અને રતલામ પહોંચી ચૂકી હતી.

15 કલાકમાં કોટા રેલવે સ્ટેશન પરથી ત્રણેય આરોપીઓ ઝડપાયા

આ કેસમાં વધુ એક મહત્ત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. મુંબઈમાં ફાયરિંગની ઘટના બાદ આશરે 15 કલાકમાં રાજસ્થાનના કોટા રેલવે સ્ટેશન પરથી ત્રણેય આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર, મુંબઈ પોલીસ પાસેથી માહિતી મળ્યા બાદ કોટા પોલીસે ઝડપથી કાર્યવાહી કરી હતી.

કોટાના પોલીસ અધિક્ષક તેજસ્વિની ગૌતમના જણાવ્યા મુજબ, ત્રણેય શંકાસ્પદ પુણે-જયપુર એક્સપ્રેસના જનરલ કોચમાં મુસાફરી કરીને જયપુર તરફ જઈ રહ્યા હતા. પોલીસે તેમને ટ્રેનમાંથી કસ્ટડીમાં લીધા હતા. ધરપકડ દરમિયાન તેમની પાસેથી કોઈ હથિયાર મળી આવ્યું નહોતું.

હવે તપાસમાં શું સામે આવશે?

ટાઈગર શ્રોફની કાર પર થયેલા ફાયરિંગની ઘટના બાદ મુંબઈ પોલીસ વિવિધ સ્થળોના CCTV ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે તપાસ કરી રહી છે. સુરત રેલવે સ્ટેશનના ફૂટેજ અને કોટામાં થયેલી ધરપકડ આ તપાસમાં મહત્ત્વપૂર્ણ કડી બની શકે છે. જોકે, ફાયરિંગ પાછળનો હેતુ, આરોપીઓની ભૂમિકા અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથેના કથિત સંબંધોની સત્તાવાર પુષ્ટિ તપાસના પરિણામો બાદ જ સ્પષ્ટ થશે.