Advertisement

તા.૧૩ ફેબ્રુઆરી "વિશ્વ રેડિયો" દિવસ

તા.૧૩ ફેબ્રુઆરી "વિશ્વ રેડિયો" દિવસ

સુમધુર ધ્વનિ દ્વારા લોકોના દિલ સુધી પહોંચવાની શક્તિ એટલે રેડિયો


આજે તા.૧૩ ફેબ્રુઆરી “વિશ્વ રેડિયો” દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. તેવામાં આજના ડીજીટલ અને મલ્ટીમીડિયાના સમયમાં માહિતી, શિક્ષણ અને મનોરંજન માટે રેડિયોનો એક મોટો ચાહક વર્ગ આજે પણ અડીખમ છે. સવારના પ્રભાતિયા હોય, ગામનો ચોરો હોય, રેલવે કે બસની મુસાફરી હોય કે પછી રસોડામાં ગૃહિણીઓ કામ કરતી હોય રેડિયોની લોકપ્રિયતા આજે પણ યથાવત છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પણ રેડિયોના માધ્યમથી “મન કી બાત” કાર્યક્રમ દ્વારા જનજન સુધી સંદેશો પહોચાડે છે. 

 

રેડિયોનો ઉદ્દભવ ૧૯મી સદીના અંતમાં થયો હતો, જેમાં મુખ્ય ફાળો ઈટાલિયન એન્જિનિયર શ્રી ગિગ્લીલ્મો માર્કોનીનો હતો, વર્ષ ૧૮૯૫થી ૧૮૯૭માં પ્રથમ વાયરલેસ સિગ્નલ ટ્રાન્સમિશનની ટેક્નોલોજી માત્ર નૌસેના માટે ઉપયોગી હતી. તા. ૨૪ ડિસેમ્બર ૧૯૦૬ના રોજ રેગિનાલ્ડ ફેસેન્ડને વાયોલિન વગાડીને પ્રથમ રેડિયો પ્રસારણ (ઓડિયો) કર્યું હતું, જે રેડિયોના વ્યવહારિક યુગની શરૂઆત હતી. 


ભારતમાં રેડિયોની શરૂઆત વર્ષ ૧૯૨૭માં ખાનગી પ્રસારણ સાથે થઈ, જેનું વર્ષ ૧૯૩૦માં રાષ્ટ્રીયકરણ (Indian State Broadcasting Service) કરી અને ત્યાર બાદ વર્ષ ૧૯૩૬માં 'ઓલ ઇન્ડિયા રેડિયો' (AIR) તરીકે ઓળખાયું હતું. 


ગુજરાતમાં રેડિયોનો પાયો વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે વર્ષ ૧૯૩૯માં નાખ્યો હતો, જેને ૧૯૪૮માં AIR સાથે મર્જ કરી દેવામાં આવ્યો હતો. વર્ષ ૧૯૫૬થી AIR 'આકાશવાણી' તરીકે જાણીતું થયું હતું. તથા રાજકોટમાં આકાશવાણી(રેડિયો)નો પ્રારંભ વર્ષ ૧૯૫૫ના રોજ બાલભવનના પટાંગણમાં થયો હતો. 


જો રેડિયોની વાત હોય અને ‘વિવિધ ભારતી’નો ઉલ્લેખ ન થાય તો એ અધૂરું ગણાય. ૧૯૫૭માં જ્યારે સિલોન રેડિયો (શ્રીલંકા) સામે સ્પર્ધા કરવા ભારત સરકારે વિવિધ ભારતી શરૂ કર્યું, ત્યારે જાણે સંગીતની ગંગા વહેવા લાગી. અમીન સયાનીનો એ અવાજ – “જી હા ભાઈઓ ઔર બહેનો...” આજે પણ કાનોમાં ગુંજે છે. ક્રિકેટની કોમેન્ટ્રી સાંભળવા માટે રેડિયોને કાન પાસે વળગાડીને બેસતી પેઢી આજે પણ એ રોમાંચ ભૂલી શકી નથી.


રેડિયોના શ્રાવ્ય તરંગો શ્રોતાઓને પોતાની દુનિયામાં લઇ જાય છે. જે રેડિયોનું સબળ પાંસુ છે. જે દ્રશ્ય અને શ્રાવ્ય માધ્યમ એટલે કે ટેલીવીઝન ઉપરાંત, પ્રિન્ટ મીડિયા કરતાં ખુબ જ ઓછા ખર્ચે સંદેશો પહોંચાડવા ઉપયોગી બને છે. ભૌગોલિક રીતે દૂરના સમુદાયોના લોકો સુધી પહોંચવા માટે મદદરૂપ સાબિત થાય છે. રેડિયો વિશાળ શ્રોતાઓ સુધી પહોંચવાની આ અનોખી ક્ષમતાના કારણે જ આજના સમયમાં એટલો જ ઉપયોગી છે. અને અનેકવિધ સમાજને સમાન સંદેશો આપવા સક્રિય ભૂમિકા ભજવે છે. 


માત્ર મનોરંજન નહિ કે માત્ર જ્ઞાન નહિ પરંતુ ઇન્ફોટેનમેન્ટની વિચારધારા સાથે રેડિયો આજે સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ, આપદા સમયે માહિતી અને મિત્ર બની યુવાનોને દિશાનિર્દેશ કરે છે. જેમાં મુખ્યત્વે આકાશવાણી (All India Radio - AIR)ના પ્રસાર ભારતી હેઠળ “બેટી બચાવો, બેટી પઢાઓ”, “સ્વચ્છ ભારત”, “આયુષ્યમાન ભારત”, “મેદસ્વિતા મુક્ત ભારત”, “સુપોષિત ભારત”, “જળ સંચય” સહિતની યોજનાઓની માહિતી સંગીત કાર્યક્રમો, રેડિયો નાટકો, વાર્તાલાપ-ચર્ચા અને વિશેષ કાર્યક્રમોના માધ્યમથી લોકો સુધી પહોંચાડવામાં આવે છે. કટોકટી સંદેશાવ્યવહાર, પુર, આપદા તથા કોરોના જેવી મહામારીમાં પણ રેડિયો સામાજિક સંદેશો આપવા ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. આજના આ ગ્લોબલાઇઝેશનના સમયમાં સ્માર્ટ ફોનની દુનિયામાં આકાશવાણી દેશના ૯૨% વિસ્તારના નાગરિકોને આવરી લઇ માહિતી પહોંચાડવામાં ઉપયોગી સાબિત થાય છે.


આ વર્ષે વિશ્વ રેડિયો દિવસની થીમ “Radio and Artificial Intelligence” છે. ટેકનોલોજી બદલાઈ રહી છે. આજે રેડિયો માત્ર ટ્રાન્ઝિસ્ટરમાં કેદ નથી, તે તમારા સ્માર્ટફોન, સ્માર્ટ સ્પીકર અને પોડકાસ્ટના સ્વરૂપમાં જીવંત છે. AI દ્વારા હવે અવાજ વધુ સ્પષ્ટ થઈ રહ્યો છે, કન્ટેન્ટનું પર્સનલાઈઝેશન થઈ રહ્યું છે, પણ રેડિયોનો આત્મા તો તેનો ‘હ્યુમન ટચ’ જ રહ્યો છે.


આજનો રેડિયો પછી એ પ્રસાર ભારતી હોય કે પ્રાઈવેટ એફ.એમ. સ્ટેશન પોતાની લોકપ્રિયતા જાળવી રાખી છે. જ્યાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) રેડિયોને મજબૂત બનાવવામાં ઉપયોગી સાબિત થઇ શકે છે. તથા માહિતી આપવા, શિક્ષિત કરવા અને મનોરંજન પીરસીને આજની યુવા પેઢીને સાંકળી રાખી છે.

 

અત્રે ઉલ્લેખનીય છે કે, યુનેસ્કો દ્વારા વર્ષ ૨૦૧૧-૧૨થી દર વર્ષે ૧૩ ફેબ્રુઆરીના રોજ વિશ્વ રેડિયો દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેમાં આ વર્ષે AIને સાંકળીને આવનારા સમયમાં રેડિયોને વધુ પ્રસ્તુત બનાવવાની તક છે. કોમ્યુનિકેશનના આજના યુગમાં રેડિયો સાથે સંકળાયેલા રહીએ અને પ્રત્યાયનના પાયાના માધ્યમને ટકાવી તેની સાથે જોડાયેલા રહીએ. 

Advertisement