અમદાવાદના મોટેરા જૂના ગામમાં આસારામ આશ્રમ નજીક આવેલા ગેરકાયદે બાંધકામો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આજે સવારે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. AMCના પશ્ચિમ ઝોનની ટીમે ચાંદખેડા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે 17 મકાનોના ગેરકાયદે ભાગને તોડી પાડ્યા હતા. તંત્રના જણાવ્યા મુજબ, અસરગ્રસ્ત પરિવારોને અગાઉથી નોટિસ આપવામાં આવી હતી તેમજ ભાડું અને વૈકલ્પિક વ્યવસ્થાની ખાતરી પણ અપાઈ હતી, તેમ છતાં મકાનો ખાલી ન કરાતા આ કાર્યવાહી કરવામાં આવી હતી.
કાર્યવાહી શરૂ થતાં જ સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અનેક લોકો પોતાના મકાનના દસ્તાવેજો લઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા અને અધિકારીઓને કાર્યવાહી રોકવા રજૂઆતો કરી હતી. સ્થિતિ તંગ બનતા AMCના અધિકારીઓએ માઇક દ્વારા જાહેરાત કરીને રહેવાસીઓને સામાન હટાવવા અને મકાન ખાલી કરવા માટે 30 મિનિટનો સમય આપ્યો હતો.
નક્કી કરાયેલ સમય પૂર્ણ થતાં જ JCB મશીનો દ્વારા તોડફોડ શરૂ કરવામાં આવી હતી. મકાનો તૂટતાં જોઈને પરિવારોમાં શોક અને નિરાશાનું વાતાવરણ સર્જાયું હતું. આ દરમિયાન એક સ્થાનિક યુવકે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા પોલીસે તાત્કાલિક તેની અટકાયત કરી હતી.
ડિમોલિશનની આ કાર્યવાહી દરમિયાન અનેક પરિવારો બેઘર બન્યા હોવાનું સામે આવ્યું છે. એક માતાએ મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે તેમની દીકરી કોન્સ્ટેબલ ભરતીની પરીક્ષા આપવા જઈ રહી હતી, ત્યારે જ તંત્રે તેમનું મકાન તોડી પાડવામાં આવ્યું. સ્થાનિકોના ભારે વિરોધ અને ભાવુક દૃશ્યો વચ્ચે પણ AMCએ પોતાની કાર્યવાહી પૂર્ણ કરી હતી. ઘટનાને પગલે સમગ્ર મોટેરા વિસ્તારમાં તંગદિલીભર્યો માહોલ જોવા મળી રહ્યો છે.