સોઈલ હેલ્થ કાર્ડ બન્યું ખેડૂતો માટે વરદાન, ખાતરનો ખર્ચ ઘટ્યો અને ઉત્પાદન વધ્યું

સોઈલ હેલ્થ કાર્ડ બન્યું ખેડૂતો માટે વરદાન, ખાતરનો ખર્ચ ઘટ્યો અને ઉત્પાદન વધ્યું

ગાંધીનગર, 6 જૂન : ગુજરાતમાં ખેડૂતોને વૈજ્ઞાનિક ખેતી તરફ દોરી જતી સોઈલ હેલ્થ કાર્ડ યોજના સફળ સાબિત થઈ રહી છે. છેલ્લા બે દાયકામાં રાજ્યના 2.23 કરોડથી વધુ ખેડૂતોને વિનામૂલ્યે સોઈલ હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા છે. ચાલુ વર્ષે રાજ્યમાં 2.18 લાખ સોઈલ હેલ્થ કાર્ડ તૈયાર કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.


ભાવનગર જિલ્લાના ગારિયાધાર ગામના ખેડૂત હિરેનભાઈ નાકરાણીએ સોઈલ હેલ્થ કાર્ડના આધારે ખાતરનો ઉપયોગ ઘટાડીને ખેતીમાં નોંધપાત્ર સફળતા મેળવી છે. અગાઉ તેઓ કપાસના પાકમાં 400 કિલો યુરિયા અને 290 કિલો ડીએપીનો ઉપયોગ કરતા હતા, પરંતુ જમીન પરીક્ષણ બાદ મળેલી ભલામણો મુજબ ખાતરનો ઉપયોગ ઘટાડતાં 220 કિલો યુરિયા અને 150 કિલો ડીએપીની બચત થઈ હતી. પરિણામે ખેતી ખર્ચમાં ઘટાડો થયો અને ઉત્પાદન 200 મણથી વધીને 281 મણ સુધી પહોંચ્યું.


આ જ રીતે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ખેડૂત અરુણભાઈ મેણિયાએ પણ સોઈલ હેલ્થ કાર્ડની ભલામણો અનુસાર સેન્દ્રીય ખાતરનો ઉપયોગ વધારતાં જમીનની ફળદ્રુપતા અને ભેજસંગ્રહ ક્ષમતામાં વધારો અનુભવ્યો છે.


કૃષિ વિભાગના જણાવ્યા મુજબ સોઈલ હેલ્થ કાર્ડ હેઠળ જમીનના 12 મહત્વપૂર્ણ તત્વોનું પરીક્ષણ કરવામાં આવે છે. તેના આધારે ખેડૂતોને ખાતરના યોગ્ય અને વૈજ્ઞાનિક ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવે છે. ગુજરાતમાં હાલમાં 22 પ્રયોગશાળાઓ મારફતે જમીન પરીક્ષણની કામગીરી ચાલી રહી છે.


ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વર્ષ 2003-04 દરમિયાન સોઈલ હેલ્થ કાર્ડ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ આ યોજનાને દેશભરમાં અમલમાં મૂકવામાં આવી હતી. આજે સોઈલ હેલ્થ કાર્ડ ખેડૂતો માટે જમીનના ‘એક્સ-રે’ સમાન બનીને ખેતી ખર્ચ ઘટાડવા, ઉત્પાદન વધારવા અને જમીનની તંદુરસ્તી જાળવવામાં મહત્વપૂર્ણ સાધન સાબિત થઈ રહ્યું છે.