સુરત: સુરતના ગોડાદરા વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. એક પાપી પતિએ પોતાની પત્નીની ઘાતકી હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે લાશને લાકડાની પેટીમાં ભરી દીધી હતી અને કોઈને ગંધ ન આવે તે માટે પેટી પર સિમેન્ટનું સ્તર લગાવી તેને પેક કરી દીધી હતી. આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે પત્ની ગુમ હોવાની ફરિયાદ નોંધાયા બાદ ખુદ આરોપી પતિએ જ પુત્રના મોબાઈલથી ચિઠ્ઠી મોકલાવીને પોતાના પાપની કબૂલાત કરી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ, છત્તીસગઢના જગદલપુરના રહેવાસી પ્રદીપભાઈ કોસ્ટાએ 21મી એપ્રિલે પોતાની 39 વર્ષીય પુત્રી શિલ્પાને ફોન કર્યો હતો, પરંતુ ફોન સ્વિચ ઓફ આવતા તેમણે જમાઈ વિશાલ સાલવીને પૂછપરછ કરી હતી. વિશાલે જૂઠું બોલતા કહ્યું કે શિલ્પા 20મી એપ્રિલે સહારા દરવાજા પાસે ઉતરી ગયા બાદ ઘરે પરત ફરી નથી. પિતાને શંકા જતાં તેઓ 24મી એપ્રિલે સુરત દોડી આવ્યા હતા અને ગોડાદરા પોલીસમાં પુત્રી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આ દરમિયાન જ શિલ્પાના પિતરાઈ ભાઈના વોટ્સએપ પર શિલ્પાના 13 વર્ષના પુત્રના મોબાઈલથી એક ચિઠ્ઠીનો ફોટો આવ્યો, જેમાં વિશાલે લખ્યું હતું કે રોજબરોજના ઝઘડાથી કંટાળીને મેં 20મી એપ્રિલે આ કૃત્ય કર્યું છે અને શિલ્પાનો મૃતદેહ સહારા દરવાજા પાસેના જૂના મકાનમાં છે.
પરિવાર અને પોલીસે જ્યારે ચિઠ્ઠીમાં દર્શાવેલા સ્થળે પહોંચીને તપાસ કરી તો ત્યાંથી એક લાકડાની પેટી મળી આવી હતી. આ પેટીમાં સિમેન્ટ ભરીને શિલ્પાની લાશને છુપાવવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક લાશનો કબજો મેળવી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ (FPM) માટે મોકલી આપી છે. શિલ્પા અને વિશાલના લગ્ન 2010માં થયા હતા અને તેમને બે સંતાનો પણ છે. છેલ્લા કેટલાક સમયથી બંને વચ્ચે અણબનાવ ચાલતો હતો, જેનો અંત આટલો ભયાનક આવશે તેવું કોઈએ વિચાર્યું ન હતું. હાલ ગોડાદરા પોલીસે હત્યાનો ગુનો નોંધી ફરાર આરોપી વિશાલ સાલવીની શોધખોળ તેજ કરી છે.