અમદાવાદ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત સાથે જ અમદાવાદ કોંગ્રેસમાં આંતરિક મતભેદો ખુલ્લેઆમ સામે આવવા લાગ્યા છે. ઉમેદવારોની પસંદગીમાં પક્ષપાત અને અન્યાયના આક્ષેપો વચ્ચે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ઉપપ્રમુખ મોહમ્મદ નાસિર શેખે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ મુદ્દો હવે માત્ર સ્થાનિક સ્તરે સીમિત રહ્યો નથી, પરંતુ ઓલ ઇન્ડિયા માઇનોરિટી કમિટી સુધી પહોંચતા રાજકીય ચર્ચાનો વિષય બન્યો છે.
23 વર્ષની સેવા છતાં અવગણનાનો આક્ષેપ
મોહમ્મદ નાસિર શેખે ઓલ ઇન્ડિયા માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેનને લખેલા પત્રમાં જણાવ્યું છે કે તેઓ છેલ્લા 23 વર્ષથી કોંગ્રેસમાં સક્રિય રીતે કામ કરી રહ્યા છે. ઉચ્ચ અભ્યાસ અને મજબૂત જનસંપર્ક હોવા છતાં ટિકિટ ફાળવણીમાં તેમની અવગણના કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું છે. તેમનો આક્ષેપ છે કે કેટલાક પૂર્વ ધારાસભ્યો પક્ષના હિત કરતાં પોતાની પસંદગી મુજબ ઉમેદવારોને ટિકિટ આપી રહ્યા છે અને પક્ષના કાર્યકરો સાથે કોઈ ચર્ચા કરવામાં આવતી નથી.
દરિયાપુર અને બહેરામપુરામાં કાર્યકરોમાં રોષ
કોંગ્રેસના પરંપરાગત ગઢ ગણાતા વિસ્તારોમાં પણ આ નિર્ણય સામે અસંતોષ જોવા મળી રહ્યો છે. દરિયાપુર વોર્ડમાં યુથ કોંગ્રેસના શિક્ષિત યુવા નેતાઓને અવગણીને ઓછા અનુભવ ધરાવતા લોકોને પ્રાથમિકતા અપાતા વિવાદ વધુ ઘેરો બન્યો છે.બહેરામપુરા અને દરિયાપુર વિસ્તારના સામાજિક આગેવાનો અને કાર્યકરોમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે. રોષે ભરાયેલા કાર્યકરો રજૂઆત કરવા માટે સ્થાનિક ધારાસભ્યોના નિવાસસ્થાન સુધી પહોંચી ગયા હતા.
ઉમેદવારો જાહેર કરવામાં બંને પક્ષે વિલંબ
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ ભાજપ હજી સુધી પોતાના તમામ ઉમેદવારોના નામ જાહેર કરી શક્યું નથી, જ્યારે કોંગ્રેસે કેટલાક ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જોકે, ઉમેદવારોની જાહેરાત બાદ કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ વધતા બાકીના ઉમેદવારોના નામ નક્કી કરવું પક્ષ માટે પડકારરૂપ બન્યું છે.