Advertisement

SP યુનિવર્સિટી નર્સિંગ પરિણામ વિવાદ: 300 વિદ્યાર્થીઓના પુનઃમૂલ્યાંકન બાદ માત્ર 6ના માર્ક્સ સુધર્યા, યુનિવર્સિટીએ આપી ક્લીનચીટ

SP યુનિવર્સિટી નર્સિંગ પરિણામ વિવાદ: 300 વિદ્યાર્થીઓના પુનઃમૂલ્યાંકન બાદ માત્ર 6ના માર્ક્સ સુધર્યા, યુનિવર્સિટીએ આપી ક્લીનચીટ

વલ્લભ વિદ્યાનગર: સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન નર્સિંગ કોલેજોના B.Sc. (નર્સિંગ) સેમેસ્ટર-4 ના પરિણામોને લઈને ચાલી રહેલા વિવાદનો આખરે અંત આવ્યો છે. વિદ્યાર્થીઓની ઉગ્ર રજૂઆતો અને મૂલ્યાંકન પર ઉઠાવેલા સવાલો બાદ યુનિવર્સિટી વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં મોટો ખુલાસો થયો છે. બાહ્ય નિષ્ણાતો દ્વારા કરવામાં આવેલા પુનઃમૂલ્યાંકન બાદ જાણવા મળ્યું છે કે મોટાભાગના વિદ્યાર્થીઓના પરિણામોમાં કોઈ ફેરફાર થયો નથી.


વિદ્યાર્થીઓને રૂબરૂ આન્સર બુક બતાવાઈ, 100 જેટલી ક્વેરી નોંધાઈ

વિદ્યાર્થીઓના હિતને ધ્યાને રાખીને માનનીય કુલપતિશ્રીની સૂચના મુજબ આ મામલે અત્યંત પારદર્શક પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ગત 27 માર્ચ, 2026 ના રોજ વિદ્યાર્થીઓને યુનિવર્સિટી ખાતે રૂબરૂ બોલાવી તેઓની આન્સર બુક બતાવવામાં આવી હતી. આ પ્રક્રિયા દરમિયાન આશરે 100 જેટલી કવેરીઓ નોંધવામાં આવી હતી, જેના નિરાકરણ માટે યુનિવર્સિટીએ બાહ્ય એક્સપર્ટ્સ (External Experts) ની એક ખાસ કમિટીની રચના કરી હતી.


300 માંથી માત્ર 6 વિદ્યાર્થીઓના પરિણામમાં સુધારો

યુનિવર્સિટી દ્વારા મળેલી માહિતી અનુસાર, કુલપતિશ્રી દ્વારા નિમવામાં આવેલા બાહ્ય નિષ્ણાતોએ 300 વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓનું ઝીણવટભર્યું પુનઃમૂલ્યાંકન કર્યું હતું. આ તપાસના અંતે ચોંકાવનારી વિગત સામે આવી છે કે, 300 માંથી ફક્ત 6 વિદ્યાર્થીઓના માર્ક્સમાં ગ્રેસિંગ સાથે આંશિક સુધારો જોવા મળ્યો છે. બાકીના તમામ વિદ્યાર્થીઓનું અગાઉનું મૂલ્યાંકન અને ગુણ યોગ્ય હોવાનું નિષ્ણાતોએ ઠેરવ્યું છે.


યુનિવર્સિટીએ ગાઈડલાઈન્સના પાલન પર મૂક્યો ભાર

આ સમગ્ર મામલે યુનિવર્સિટીએ સ્પષ્ટતા કરી છે કે પરીક્ષા અને પરિણામો તૈયાર કરવામાં યુનિવર્સિટીની ગાઇડલાઇન્સનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું છે. અગાઉ વિષય તજજ્ઞોએ પણ પ્રારંભિક તપાસમાં મૂલ્યાંકન કાર્ય યોગ્ય હોવાનું જણાવ્યું હતું. આમ, વિદ્યાર્થીઓની રજૂઆત બાદ કરવામાં આવેલી તટસ્થ તપાસમાં યુનિવર્સિટીની પરીક્ષા પદ્ધતિની વિશ્વસનીયતા પર મહોર વાગી છે.

Advertisement