સોનિયા ગાંધીના પુસ્તક પર શિવસેનાનો વિરોધ, સાવરકર અને મરાઠી અસ્મિતાના અપમાનનો આરોપ; પ્રતિબંધની માંગ

સોનિયા ગાંધીના પુસ્તક પર શિવસેનાનો વિરોધ, સાવરકર અને મરાઠી અસ્મિતાના અપમાનનો આરોપ; પ્રતિબંધની માંગ

કોંગ્રેસ સંસદીય પક્ષનાં અધ્યક્ષ સોનિયા ગાંધીના નવા પુસ્તક ‘બિલૉન્ગિંગ: અ જર્ની ઑફ લવ’ને લઈને રાજકીય વિવાદ ઊભો થયો છે. શિવસેનાએ બુધવારે મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને પુસ્તક પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. આ દરમિયાન વિરોધ પ્રદર્શન કરતાં પુસ્તકનાં પાનાં પણ ફાડવામાં આવ્યાં હતાં.

શિવસેનાનો આરોપ છે કે પુસ્તકમાં સ્વાતંત્ર્ય સેનાની વિનાયક દામોદર સાવરકર અને મરાઠી અસ્મિતાને લઈને અપમાનજનક રજૂઆત કરવામાં આવી છે. પક્ષના નેતાઓએ પુસ્તકમાં કરવામાં આવેલા ઉલ્લેખો સામે સખત વાંધો ઉઠાવ્યો છે.

પુસ્તકનાં કયા બે પાનાંને લઈને વિવાદ?

શિવસેનાએ ખાસ કરીને પુસ્તકનાં પેજ નંબર 201 અને 443માં કરવામાં આવેલા ઉલ્લેખો સામે વિરોધ નોંધાવ્યો છે.

પેજ નંબર 201: આ પેજ પર સાવરકર અને આરએસએસની વિચારધારાને લઈને ચર્ચા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. તેમાં સાવરકરની અંગ્રેજ શાસન દરમિયાન લખાયેલી દયાની અરજીઓ, આરએસએસની રાજકીય વિચારસરણી અને હિન્દુ રાષ્ટ્રના વિચાર અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે જ ઇન્દિરા ગાંધીની આરએસએસ અંગેની ચિંતાઓ અને ઇમરજન્સી પહેલાંની રાજકીય પરિસ્થિતિનું વર્ણન છે.

પેજ નંબર 443: આ પેજ પર સાવરકરને હિન્દુત્વની વિચારધારાના પ્રણેતા તરીકે રજૂ કરવામાં આવ્યા છે. પુસ્તકમાં હિન્દુ સુપ્રીમેસિસ્ટ વિચારસરણીનો ઉલ્લેખ કરીને સંઘ પરિવાર અને ભાજપની રાજકીય ભૂમિકાની ચર્ચા કરવામાં આવી છે. શિવસેનાનું કહેવું છે કે આ પ્રકારની રજૂઆત ઇતિહાસને ખોટી રીતે રજૂ કરવાનો પ્રયાસ છે.

YSRCP અને BRS પણ નારાજ

સોનિયા ગાંધીના પુસ્તકને લઈને માત્ર શિવસેના જ નહીં, પરંતુ કોંગ્રેસના અન્ય રાજકીય વિરોધીઓ અને સહયોગી પક્ષો તરફથી પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી છે.

YSRCPએ આક્ષેપ કર્યો છે કે પુસ્તકમાં આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વાય.એસ. રાજશેખર રેડ્ડી (YSR)ના યોગદાનને યોગ્ય સ્થાન આપવામાં આવ્યું નથી. પક્ષના તિરુપતિના સાંસદ મડિલા ગુરુમૂર્તિએ સવાલ ઉઠાવ્યો કે વાયએસઆરના યોગદાનને કેવી રીતે અવગણી શકાય?

તેમના જણાવ્યા અનુસાર, જ્યારે કોંગ્રેસ રાજકીય રીતે નબળી પડી રહી હતી, ત્યારે વાયએસઆરે પાર્ટીને ફરી મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

બીજી તરફ, BRSએ પણ પુસ્તક અંગે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું છે કે કોંગ્રેસના નેતૃત્વએ તેલંગાણા પ્રત્યે ક્યારેય સાચો પ્રેમ અને સન્માન દર્શાવ્યું નથી.

16 નવેમ્બરે દિલ્હીમાં પુસ્તકનું લોન્ચિંગ

સોનિયા ગાંધીના પુસ્તક ‘બિલૉન્ગિંગ: અ જર્ની ઑફ લવ’નું 16 નવેમ્બરે દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન વિમોચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત કોંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓ અને વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કુલ 544 પાનાંના આ પુસ્તકમાં સાત અધ્યાય છે. તેમાં સોનિયા ગાંધીના અંગત જીવનથી લઈને તેમના રાજકીય સફર અને ગાંધી પરિવાર સાથે જોડાયેલા અનેક અનુભવોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પુસ્તકમાં સોનિયા ગાંધીએ જીવનની કઈ વાતો જણાવી?

પુસ્તકમાં સોનિયા ગાંધીએ પોતાના જીવનની અનેક મહત્વપૂર્ણ ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે.

  1. રાજીવ ગાંધી સાથે મુલાકાત: 1965માં ઇંગ્લેન્ડના કેમ્બ્રિજમાં રાજીવ ગાંધી સાથે પ્રથમ મુલાકાત અને ત્યારબાદ પ્રેમ તથા 1968માં લગ્નની વાત જણાવી છે.

  2. ઇન્દિરા ગાંધી સાથેના સંબંધો: સાસુ ઇન્દિરા ગાંધી સાથેના પારિવારિક સંબંધો અને તેમની પાસેથી મળેલા જીવનના અનુભવો વિશે લખ્યું છે.

  3. ઇમરજન્સીનો સમયગાળો: 1975માં લાગુ થયેલી ઇમરજન્સીને ભૂલ ગણાવી છે. પુસ્તકમાં રાજીવ ગાંધી ઇમરજન્સીના પક્ષમાં નહોતા એવો ઉલ્લેખ છે.

  4. ઑપરેશન બ્લૂ સ્ટાર: જૂન 1984માં સ્વર્ણ મંદિરમાં થયેલી સૈન્ય કાર્યવાહી બાદ ગાંધી પરિવારની સુરક્ષાને લઈને ઊભી થયેલી ચિંતાઓ વર્ણવી છે.

  5. ગાંધી પરિવારની બે મોટી હત્યાઓ: ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની હત્યા બાદ પરિવાર પર આવેલી મુશ્કેલીઓ અને બાળકોની જવાબદારી અંગેના અનુભવો શેર કર્યા છે.

  6. રાજકારણમાં પ્રવેશ: રાજીવ ગાંધીની હત્યા બાદ લાંબા સમય સુધી રાજકારણથી દૂર રહ્યા બાદ 1998માં કોંગ્રેસનું નેતૃત્વ સંભાળવાની વાત જણાવી છે.

  7. વડાપ્રધાન પદનો ઇનકાર: 2004માં કોંગ્રેસની જીત બાદ વડાપ્રધાન બનવાની ચર્ચા વચ્ચે પદ સ્વીકારવાનો નિર્ણય કેમ ન લીધો અને મનમોહન સિંહને આગળ કરવાનો નિર્ણય કેવી રીતે લીધો તે અંગે લખ્યું છે.

  8. મોદી અને મહત્વપૂર્ણ રાજકીય ઘટનાઓ: નરેન્દ્ર મોદી સાથેના સંબંધો ઉપરાંત 2002નાં ગુજરાત રમખાણો, 1992માં બાબરી મસ્જિદ ધ્વંસ અને અન્ના હજારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન જેવી ઘટનાઓ પર પોતાનો દૃષ્ટિકોણ રજૂ કર્યો છે.

ઇટાલીથી ભારત સુધીની સોનિયા ગાંધીની સફર

સોનિયા ગાંધીનો જન્મ 9 ડિસેમ્બર 1946ના રોજ ઇટાલીના વિસેન્ઝા પ્રાંતના લુસિયાના ગામમાં થયો હતો. તેમનું મૂળ નામ સોનિયા માઈનો હતું. તેમના પિતા સ્ટેફાનો માઈનો અને માતા પાઓલા માઈનો હતાં.

રાજીવ ગાંધી સાથે લગ્ન કરવા માટે તેમણે ભારત આવવાનો નિર્ણય કર્યો હતો. 13 જાન્યુઆરી 1968ના રોજ તેઓ દિલ્હી પહોંચ્યાં હતાં. એરપોર્ટ પર રાજીવ ગાંધી ઉપરાંત સંજય ગાંધી અને અમિતાભ બચ્ચન પણ હાજર હતા. શરૂઆતના દિવસોમાં તેઓ અમિતાભ બચ્ચનના પરિવાર સાથે રહ્યાં હતાં.

પુસ્તક બન્યું રાજકીય ચર્ચાનું કેન્દ્ર

એક તરફ સોનિયા ગાંધીના પુસ્તકમાં તેમના અંગત જીવન અને રાજકીય સફરના અનેક અજાણ્યા પ્રસંગો સામે આવી રહ્યા છે, તો બીજી તરફ તેમાં કરવામાં આવેલા કેટલાક ઐતિહાસિક અને રાજકીય ઉલ્લેખોને લઈને વિવાદ પણ વધી રહ્યો છે.

હવે જોવાનું એ રહેશે કે શિવસેનાની પ્રતિબંધની માંગ અને અન્ય પક્ષોની નારાજગી વચ્ચે આ વિવાદ આગામી દિવસોમાં કેવો રાજકીય વળાંક લે છે.