થોડાં વર્ષો પહેલાં સુધી માચા ભારતના મોટાભાગના લોકો માટે અજાણ્યું નામ હતું. લીલા રંગના બારીક પાવડર તરીકે ઓળખાતી આ ચા આજે કૅફેના મેન્યૂથી લઈને સોશિયલ મીડિયા રીલ્સ અને ફિટનેસ ઇન્ફ્લુએન્સર્સ સુધી ચર્ચાનો વિષય બની ગઈ છે. ભારતમાં તેની લોકપ્રિયતા કેટલી ઝડપથી વધી રહી છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે છેલ્લા એક વર્ષમાં ગૂગલ ટ્રેન્ડ્સ પર ‘હાઉ ટુ મેક માચા’ સર્ચમાં લગભગ 1300 ટકાનો વધારો નોંધાયો છે.
માચાને ઘણીવાર ‘જાપાની સુપરફૂડ’ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ તેનો ઇતિહાસ જાપાન કરતાં પણ જૂનો છે. માચાની શરૂઆત ચીનમાં થઈ હતી. તાંગ અને સોંગ રાજવંશના સમયગાળા દરમિયાન ચાની પાંદડીઓને પીસીને પાવડર બનાવવામાં આવતો હતો અને તેને ગરમ પાણીમાં ફેંટીને પીવાની પરંપરા હતી.
આ પરંપરા આશરે ઈ.સ. 1191માં જાપાની ઝેન ભિક્ષુ ઈસાઈ ચીનથી જાપાન લઈ ગયા હતા. ધીમે-ધીમે માચા જાપાનની ઝેન સંસ્કૃતિ અને પરંપરાગત ચા સમારોહનો મહત્વપૂર્ણ ભાગ બની ગઈ. સમય જતાં ચીનમાં આ પરંપરા લગભગ લુપ્ત થઈ ગઈ, પરંતુ જાપાને તેને પોતાની સાંસ્કૃતિક ઓળખના ભાગરૂપે સાચવી રાખી.
આજે માચાની લોકપ્રિયતા પાછળ તેનો અનોખો સ્વાદ, બનાવવાની રીત અને તેમાં રહેલા પોષક તત્ત્વો પણ મહત્વનું કારણ છે.
માચા સામાન્ય ગ્રીન ટી કરતાં કેવી રીતે અલગ છે?
માચા એક પ્રકારની પાવડરવાળી ગ્રીન ટી છે, જે ‘કેમેલિયા સિનેન્સિસ’ નામના છોડનાં પાંદડાંમાંથી બનાવવામાં આવે છે. સામાન્ય ગ્રીન ટીની જેમ તેને ગરમ પાણીમાં પલાળીને ગાળવામાં આવતી નથી, પરંતુ ચાની પાંદડીઓને બારીક પીસીને તૈયાર કરેલો આખો પાવડર જ પાણીમાં ભેળવીને પીવામાં આવે છે.
માચા તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવાતા ચાના છોડને કાપણીના લગભગ 3થી 4 અઠવાડિયા પહેલાં ખાસ જાળ અથવા કપડાથી ઢાંકી દેવામાં આવે છે. આ પ્રક્રિયાને ‘શેડિંગ’ કહેવામાં આવે છે. ઓછો સૂર્યપ્રકાશ મળવાથી પાંદડાંમાં ક્લોરોફિલ અને કેટલાક અન્ય કુદરતી સંયોજનોનું પ્રમાણ વધે છે. આ જ કારણ છે કે માચાનો રંગ સામાન્ય ગ્રીન ટી કરતાં વધુ ઘેરો લીલો હોય છે.
સામાન્ય ગ્રીન ટીમાં માત્ર પાંદડાંનો અર્ક પીવામાં આવે છે, જ્યારે માચામાં આખી પાંદડીનો પાવડર શરીરમાં જાય છે. આથી બંને વચ્ચે સ્વાદ, રંગ અને પોષક તત્ત્વોની માત્રામાં તફાવત જોવા મળે છે.
માચામાં કેફીનનું પ્રમાણ પણ હોય છે
માચામાં કુદરતી રીતે કેફીન હોય છે. કારણ કે તે આખી ગ્રીન ટીની પાંદડીઓના પાવડરમાંથી બને છે, તેથી તેમાં સામાન્ય ગ્રીન ટી કરતાં વધુ કેફીન હોઈ શકે છે. જોકે, તેની સરખામણીમાં કૉફીમાં સામાન્ય રીતે કેફીનનું પ્રમાણ વધારે હોય છે.
‘હાર્વર્ડ હેલ્થ’ અનુસાર, આશરે 240 મિલી માચામાં 38થી 89 મિલિગ્રામ કેફીન હોઈ શકે છે. જ્યારે આટલી જ માત્રાની સામાન્ય ગ્રીન ટીમાં આશરે 23થી 49 મિલિગ્રામ કેફીન હોય છે. આ પ્રમાણ માચાની ગુણવત્તા અને ઉપયોગમાં લેવાતા પાવડરની માત્રા પ્રમાણે બદલાઈ શકે છે.
માચા પીધા પછી શરીરમાં શું ફેરફાર થાય છે?
માચામાં કેફીન, એલ-થિયાનીન અને એન્ટિઑક્સિડન્ટ્સ જેવા સક્રિય ઘટકો હોય છે. માચા પીધા પછી આ ઘટકો શરીરમાં શોષાવા લાગે છે અને મગજ તથા શરીરની કેટલીક પ્રક્રિયાઓને અસર કરી શકે છે.
તેમાં રહેલું કેફીન મગજને સતર્ક રાખવામાં મદદ કરે છે. તેના કારણે થોડા સમય માટે થાક ઓછો અનુભવાઈ શકે છે અને એકાગ્રતા વધે છે. માચામાં રહેલું એલ-થિયાનીન મગજની કેટલીક પ્રક્રિયાઓને અસર કરી શકે છે. કેફીન અને એલ-થિયાનીનનું સંયોજન કેટલાક લોકોને સતર્કતા જાળવવામાં મદદરૂપ થઈ શકે છે.
આ ઉપરાંત માચામાં રહેલા એન્ટિઑક્સિડન્ટ્સ શરીરમાં ફ્રી રેડિકલ્સથી થતા નુકસાન સામે રક્ષણ આપવામાં મદદ કરી શકે છે. તેમાં રહેલા કેટેચિન્સ મેટાબોલિઝમ અને ચરબીના ઓક્સિડેશન પર પણ અસર કરી શકે છે.
માચાના સંભવિત સ્વાસ્થ્ય લાભ
માચામાં કેટેચિન્સ, ખાસ કરીને EGCG એટલે કે એપિગૅલોકૅટેચિન-3-ગૅલેટ નામનું એન્ટિઑક્સિડન્ટ જોવા મળે છે. આ સંયોજનને કારણે માચા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પીણું માનવામાં આવે છે.
‘નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિન’માં પ્રકાશિત અભ્યાસોમાં EGCG જેવા એન્ટિઑક્સિડન્ટ્સના સંભવિત સ્વાસ્થ્ય લાભોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સંયોજનો શરીરમાં ઑક્સિડેટિવ સ્ટ્રેસ ઘટાડવામાં મદદ કરી શકે છે. કેટલાક અભ્યાસોમાં ગ્રીન ટી સાથે બ્લડ પ્રેશર અને વજન નિયંત્રણ સંબંધિત સંભવિત લાભો પણ જોવા મળ્યા છે.
માચામાં રહેલું કેફીન અને કેટેચિન્સ મેટાબોલિઝમ તથા ફેટ ઑક્સિડેશનને થોડા પ્રમાણમાં પ્રોત્સાહન આપી શકે છે. જોકે, માત્ર માચા પીવાથી વજન ઘટતું નથી. વજન નિયંત્રણ માટે સંતુલિત આહાર, નિયમિત કસરત અને પૂરતી ઊંઘ પણ એટલી જ જરૂરી છે.
માચાને શરીર ડિટોક્સ કરતું પીણું માનવું યોગ્ય નથી. શરીરમાંથી બિનજરૂરી પદાર્થો બહાર કાઢવાનું કામ મુખ્યત્વે લીવર અને કિડની કરે છે. માચા પીવાથી શરીરમાં રહેલા તમામ ટૉક્સિન્સ બહાર નીકળી જાય છે એવો કોઈ મજબૂત વૈજ્ઞાનિક પુરાવો નથી.
માચા પીવાનો યોગ્ય સમય
માચામાં કેફીન હોવાથી તેને સવારના સમયે પીવું ઘણા લોકો માટે અનુકૂળ રહે છે. તે ઊર્જા અને સતર્કતા વધારવામાં મદદ કરી શકે છે. જોકે, કેફીનની અસર દરેક વ્યક્તિ પર અલગ હોય છે. કેટલાક લોકોને માચા પીધા પછી લાંબા સમય સુધી સતર્કતા અનુભવાય છે.
મોડી સાંજે અથવા રાત્રે માચા પીવાથી સંવેદનશીલ લોકોની ઊંઘ પર અસર થઈ શકે છે. તેથી ઊંઘની સમસ્યા ધરાવતા લોકોએ સૂવાના સમયની નજીક માચા પીવાનું ટાળવું જોઈએ.
વધારે માચા પીવાથી થઈ શકે છે આડઅસર
માચા સામાન્ય રીતે સ્વસ્થ પુખ્ત વયના લોકો માટે મર્યાદિત માત્રામાં સુરક્ષિત માનવામાં આવે છે. જોકે, તેમાં કેફીન હોવાથી વધુ પડતું સેવન કેટલાક લોકો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.
વધારે માચા પીવાથી ગભરામણ, બેચેની, માથાનો દુખાવો, પેટમાં બળતરા, એસિડિટી, ઊબકા, ઊંઘમાં તકલીફ અને હૃદયના ધબકારા ઝડપી થવા જેવી સમસ્યાઓ થઈ શકે છે.
કેફીન પ્રત્યે સંવેદનશીલ લોકો, ઊંઘની સમસ્યા ધરાવતા લોકો અને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે દવાઓ લેતા લોકોએ માચાનું સેવન કરતાં પહેલાં સાવચેતી રાખવી જોઈએ. બાળકોને માચા આપતાં પહેલાં ડૉક્ટરની સલાહ લેવી યોગ્ય છે. ડાયાબિટીસના દર્દીઓ પણ નિયમિત સેવન શરૂ કરતાં પહેલાં ડૉક્ટર અથવા ડાયટિશિયનની સલાહ લઈ શકે છે.
દિવસમાં કેટલા પ્રમાણમાં માચા પીવી?
સ્વસ્થ પુખ્ત વયના લોકો માટે દિવસમાં એક કપ માચા ટી પૂરતી હોઈ શકે છે. એક કપ માચા તૈયાર કરવા માટે સામાન્ય રીતે 1થી 2 ગ્રામ પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે, વ્યક્તિની કેફીન પ્રત્યેની સંવેદનશીલતા અને દિવસ દરમિયાન લેવાતા અન્ય કેફીનયુક્ત પીણાંને ધ્યાનમાં રાખીને માત્રા નક્કી કરવી જોઈએ.
માચામાં ખાંડ ઉમેર્યા વગર પીવું વધુ સારું છે. સ્વાદ માટે કેટલાક લોકો મધ અથવા અન્ય સ્વીટનર ઉમેરે છે, પરંતુ વધુ પડતી ખાંડ ઉમેરવાથી પીણાની કેલરી વધી શકે છે.
ઘરે સરળતાથી બનાવી શકાય છે માચા ટી
માચા બનાવવા માટે સૌથી પહેલાં એક કપમાં 1થી 2 ગ્રામ માચા પાવડર નાખવો. પાવડરમાં ગાંઠો ન રહે તે માટે તેને ચાળી શકાય છે. ત્યારબાદ તેમાં થોડું ગરમ પાણી ઉમેરીને વિસ્ક, ફ્રોધર અથવા ચમચીની મદદથી સારી રીતે ફેંટવું. જ્યારે તેમાં ફીણ બનવા લાગે ત્યારે બાકીનું પાણી ઉમેરીને પીણું તૈયાર કરી શકાય છે.
જે લોકોને દૂધવાળી ચા પસંદ હોય તેઓ માચામાં દૂધ ઉમેરીને માચા લાટે પણ બનાવી શકે છે. માચા તૈયાર થયા પછી તેને તરત પીવું વધુ સારું રહે છે.
માચા બનાવતી વખતે પાણીનું તાપમાન આશરે 70થી 80 ડિગ્રી સેલ્સિયસ રાખવું જોઈએ. ખૂબ ઉકળતું પાણી ઉમેરવાથી તેનો સ્વાદ વધુ કડવો થઈ શકે છે.
માચાનો સ્વાદ અને પીવાની રીત
માચાનો સ્વાદ સામાન્ય ચા કરતાં અલગ હોય છે. તેમાં હળવી કડવાશ, માટી જેવી સુગંધ અને થોડી કુદરતી મીઠાશ અનુભવાય છે. કેટલાક લોકો તેના સ્વાદને ‘ગ્રાસી’ અથવા ‘અર્થિ’ તરીકે ઓળખાવે છે.
માચા સામાન્ય માત્રામાં પીવાથી ડિહાઇડ્રેશન થતું નથી. જોકે, તેમાં કેફીન હોવાથી દિવસ દરમિયાન પૂરતું પાણી પીવું જરૂરી છે. માચામાં ખાંડ ઉમેરવી ફરજિયાત નથી અને તેનો મૂળ સ્વાદ માણવા માટે તેને સાદી રીતે પી શકાય છે.
આમ, માચા માત્ર સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરતું પીણું નથી, પરંતુ સદીઓ જૂનો ઇતિહાસ ધરાવતી જાપાની ચા પરંપરાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તેમાં રહેલા એન્ટિઑક્સિડન્ટ્સ અને અન્ય ઘટકોને કારણે તે આહારનો ભાગ બની શકે છે. જોકે, તેને કોઈ ચમત્કારિક હેલ્થ ડ્રિંક માનવાને બદલે સંતુલિત જીવનશૈલીના એક વિકલ્પ તરીકે જોવું વધુ યોગ્ય છે.