ભાવનગર લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત થઈ ચૂક્યા છે અને હજુ 3 લોકો સારવાર હેઠળ છે.
ત્યારે આ ઘટનાની વચ્ચે વડોદરામાં સ્ટેટ મોનિટરિંગ સેલે એવો મોટો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે કે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.
વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નીલકંઠ વિલા ફ્લેટમાં ઈંગ્લિશ દારૂના કટિંગની બાતમી મળતાં SMCની ટીમે દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન અલગ-અલગ બ્રાન્ડની 16,394 દારૂની બોટલો મળી આવી હતી. આ ઉપરાંત બોલેરો પિકઅપ, સુપર કેરી, સ્વિફ્ટ ડિઝાયર અને મોપેડ સહિત અંદાજે 1 કરોડ રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે.
આ કેસમાં લિસ્ટેડ બુટલેગર નિલેશ ઉર્ફે નિલુ નથાણીનું નામ મુખ્ય સૂત્રધાર તરીકે સામે આવ્યું છે. જોકે SMCની ટીમ પહોંચે તે પહેલાં જ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
પોલીસે નિલુ નથાણી ઉપરાંત ચાર વાહનોના માલિક, દારૂ મોકલનાર અને અન્ય અજાણ્યા શખસોને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરી છે.
તો બીજી તરફ ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ બે લોકોના મોત થયા છે. મૂળ મહીસાગરના મુકેશ ડામોરનું સર ટી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. જ્યારે કાળિયાબીડના સાગવાડીમાં રહેતા અને ખાનગી બેંકમાં નોકરી કરતા ભાર્ગવભાઈ ઉપાધ્યાયનું પણ સારવાર દરમિયાન મોત થયું છે.
એટલે હવે સૌથી મોટો સવાલ એ છે કે—એક તરફ લઠ્ઠાકાંડમાં લોકોના જીવ જઈ રહ્યા છે, તો બીજી તરફ આટલો મોટો દારૂનો જથ્થો ગેરકાયદેસર રીતે ક્યાંથી આવી રહ્યો છે? અને સ્થાનિક પોલીસની નજરથી આ બધું કેવી રીતે બચી રહ્યું છે?