Advertisement

શિક્ષકો માટે એપ્રિલ મહિનો 'કસોટીકાળ': બોર્ડની કામગીરી પૂર્ણ થતા જ હવે વસતી ગણતરી અને ચૂંટણીની જવાબદારી સોંપાશે

શિક્ષકો માટે એપ્રિલ મહિનો 'કસોટીકાળ': બોર્ડની કામગીરી પૂર્ણ થતા જ હવે વસતી ગણતરી અને ચૂંટણીની જવાબદારી સોંપાશે

રાજકોટ: ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓની ઉત્તરવહી ચકાસણીનું કામ પૂર્ણ થતા જ શિક્ષકો માટે હવે નવી રાષ્ટ્રીય જવાબદારીઓનો દોર શરૂ થવા જઈ રહ્યો છે. રાજકોટ સહિત રાજ્યભરના શિક્ષકોને આગામી 20 એપ્રિલથી શરૂ થનારી વસતી ગણતરીની કામગીરીના ઓર્ડર ઇસ્યૂ કરવામાં આવશે. આ સાથે જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ હોવાથી શિક્ષકોએ મતદાન અને મતગણતરીની પ્રક્રિયામાં પણ સક્રિય ભૂમિકા ભજવવી પડશે.


બોર્ડની ઉત્તરવહી ચકાસણી પૂર્ણ, હવે માર્કશીટ તૈયાર થશે

છેલ્લા એક પખવાડિયાથી ચાલી રહેલી ધોરણ 10 અને 12ની ઉત્તરવહી ચકાસણીની કામગીરી બે દિવસ પહેલા જ સંપન્ન થઈ છે. તમામ ઉત્તરવહીઓ બોર્ડના ડેટા સેન્ટરો ખાતે મોકલી આપવામાં આવી છે, જ્યાં હવે વિદ્યાર્થીઓના પરિણામ અને માર્કશીટ તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. શિક્ષકો આ કામગીરીમાંથી મુક્ત થતા જ હવે તેમને વહીવટી તંત્ર દ્વારા અન્ય મહત્વપૂર્ણ કામો સોંપવાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે.


વસતી ગણતરી અને ચૂંટણી ડ્યુટી: શિક્ષકોના ઓર્ડર ટૂંક સમયમાં

શિક્ષક સંઘના આગેવાનોના જણાવ્યા અનુસાર, આગામી 20 એપ્રિલથી વસતી ગણતરીની કામગીરી શરૂ થઈ રહી છે, જે અંતર્ગત શિક્ષકોને તાલીમ અને ફિલ્ડ વર્ક સોંપવામાં આવશે. બીજી તરફ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત 26 એપ્રિલે મતદાન અને 28 એપ્રિલે મતગણતરી યોજાનાર છે. આ બંને પ્રક્રિયાઓમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકોને સામેલ કરવામાં આવશે. આગામી સપ્તાહથી જ શિક્ષકોને આ અંગેના સત્તાવાર ઓર્ડર મળવાનું શરૂ થઈ જશે.


વેકેશન પહેલા શિક્ષણ સાથે રાષ્ટ્રીય સેવાનો સમન્વય

ઉનાળુ વેકેશન શરૂ થાય તે પહેલા શિક્ષકો માટે એપ્રિલ મહિનો અત્યંત વ્યસ્ત રહેવાનો છે. શાળાકીય શિક્ષણ અને પરિણામની કામગીરીની સાથે વસતી ગણતરી અને ચૂંટણી જેવી લોકશાહીની મહત્વપૂર્ણ જવાબદારીઓ પણ શિક્ષકોએ નિભાવવી પડશે. શિક્ષક સંઘે આ અંગે લાગણી વ્યક્ત કરી છે કે, રાષ્ટ્રીય કામગીરીમાં શિક્ષકો હંમેશા અગ્રેસર રહે છે અને આ વખતે પણ તેઓ પૂરી નિષ્ઠાથી આ જવાબદારી સંભાળશે.

Advertisement