બોલિવૂડના બાદશાહ શાહરુખ ખાન ભલે આજે કરોડોની સંપત્તિના માલિક હોય, પરંતુ એક સમય એવો પણ હતો જ્યારે મુંબઈમાં પોતાનું ઘર ખરીદવું તેમના માટે એક મોટું સપનું હતું. તાજેતરમાં દુબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં પત્ની ગૌરી ખાન સાથે પહોંચેલા શાહરુખે પોતાના સંઘર્ષના દિવસો યાદ કર્યા હતા. આ દરમિયાન તેમણે ખુલાસો કર્યો કે મુંબઈનું તેમનું જાણીતું ઘર 'મન્નત' ખરીદવું પણ એક સમયે તેમની આર્થિક પહોંચની બહાર હતું.
માતા-પિતાના નિધન બાદ પોતાનું ઘર બનાવવાનું હતું સપનું
કાર્યક્રમ દરમિયાન શાહરુખે જણાવ્યું કે નાની ઉંમરમાં માતા-પિતાને ગુમાવ્યા બાદ તેમની પાસે પોતાનું કોઈ ઘર નહોતું. ગૌરી ખાન સાથે લગ્ન થયા ત્યાં સુધી તેઓ પોતાના ઘર વિના રહ્યા હતા. આ અનુભવને કારણે જીવનમાં એક કાયમી ઘર બનાવવાની ઇચ્છા તેમના મનમાં વધુ મજબૂત બની હતી.
શાહરુખે મજાકિયા અંદાજમાં એ પણ જણાવ્યું કે આજે પણ જ્યારે તેઓ કોઈ નવા શહેરમાં જાય છે અને ત્યાંની કોઈ જગ્યા પસંદ આવે છે, ત્યારે બાળકોને ત્યાં ઘર ખરીદવાની વાત કરે છે. જોકે, બાળકો તેમને ટકોર કરે છે કે દરેક શહેરમાં ઘર ખરીદી શકાય નહીં.