દેશમાં મોંઘવારીનો 12 મહિનાનો રેકોર્ડ તૂટ્યો, ઓક્ટોબરમાં દર 6.09% પર પહોંચ્યો; RBIની 6%ની મર્યાદા પણ પાર

દેશમાં મોંઘવારીનો 12 મહિનાનો રેકોર્ડ તૂટ્યો, ઓક્ટોબરમાં દર 6.09% પર પહોંચ્યો; RBIની 6%ની મર્યાદા પણ પાર

દેશમાં મોંઘવારીને લઈને સામાન્ય નાગરિકોની મુશ્કેલી વધી શકે છે. છૂટક મોંઘવારી દરમાં સતત 12મા મહિને વધારો નોંધાયો છે. સપ્ટેમ્બર 2026માં 5.54% રહેલો મોંઘવારી દર ઓક્ટોબરમાં વધીને 6.09% પર પહોંચી ગયો છે. ખાસ વાત એ છે કે મોંઘવારીનો આંકડો ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBI દ્વારા નક્કી કરવામાં આવેલી 6%ની ઉપલી મર્યાદાને પણ વટાવી ગયો છે.

મોંઘવારી વધવા પાછળનું મુખ્ય કારણ ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં થયેલો વધારો માનવામાં આવે છે. ડેરી પ્રોડક્ટ્સ ઉપરાંત ડુંગળી, લસણ અને આદુ જેવી રોજિંદા વપરાશની વસ્તુઓ મોંઘી થતાં સામાન્ય પરિવારોના ઘરખર્ચ પર સીધી અસર પડી છે. આ ઉપરાંત મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવને કારણે કાચા તેલના ભાવમાં પણ વધારો થયો છે.

ખાદ્ય મોંઘવારી 8.94% પર પહોંચી

ઓક્ટોબરમાં ખાદ્ય મોંઘવારીનો દર સપ્ટેમ્બરના 7.74%થી વધીને 8.94% થયો છે. દેશના કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે CPIમાં ખાદ્ય ચીજવસ્તુઓનો હિસ્સો આશરે 40% હોવાથી તેના ભાવમાં થતો ફેરફાર સમગ્ર મોંઘવારીના આંકડાને અસર કરે છે.

બીજી તરફ શહેરી વિસ્તારોમાં મોંઘવારી 4.88%થી વધીને 5.41% થઈ છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં આ દર 6.08%થી વધીને 6.63% પર પહોંચ્યો છે. એટલે કે શહેરોની સરખામણીએ ગામડાંમાં મોંઘવારીનો બોજ વધુ જોવા મળી રહ્યો છે.