આણંદ: અર્બન હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ સેન્ટર નાયબ બાગાયત નિયામકની કચેરી,આણંદ હેઠળના પેટલાદ તાલુકાના ઈસરામા સ્થિત સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર બનાના એન્ડ વેજીટેબલ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે પેટલાદ તાલુકાની બહેનો માટે અર્બન હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ વિષયક તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમ દરમિયાન બહેનોને આદર્શ કિચન ગાર્ડન, શાકભાજી ધરુ ઉછેર, ટેરેસ ગાર્ડન અને હાઈડ્રોપોનિક્સ ખેતી જેવા વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત પ્રાકૃતિક કૃષિના આયામો અંતર્ગત જીવામૃત, ઘનજીવામૃત, નીમાસ્ત્ર અને બ્રમાસ્ત્ર બનાવવાની પદ્ધતિ અંગે પણ માહિતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે બાગાયત અધિકારીશ્રી કે.આર. ઠાકોરએ જણાવ્યું હતું કે દરેક વ્યક્તિને સ્વસ્થ અને નિરોગી જીવન માટે મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની ભલામણ મુજબ દરરોજ ૧૭૫ ગ્રામ ફળ અને ૩૦૦ ગ્રામ શાકભાજી આહારમાં લેવાં જરૂરી છે. તેથી વધુમાં વધુ પ્રાકૃતિક રીતે ઉગાડેલા શાકભાજી અને ફળોના સેવન માટે બહેનોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ તાલીમમાં હાજર રહેલ લાભાર્થીઓને રોપા તથા શાકભાજીના ધરુનું વિતરણ કરવામાં આવ્યું હતું. તાલીમમાં બાગાયત અધિકારીશ્રી કે.આર.ઠાકોર, બાગાયત નિરિક્ષક ડી.સી.સુવાગીયા, બાગાયત મદદનીશ આઈ.એમ.ઠાકોર તથા અન્ય સ્ટાફ સહિત ખેડૂત મહિલાઓ હાજર રહ્યા હતા.