Advertisement

સાયલા ખાતે AAPમાં આંતરિક વિખવાદ: જિલ્લા પ્રમુખ સહિત 5 સામે મારામારી અને ધમકીની ફરિયાદ

સાયલા ખાતે AAPમાં આંતરિક વિખવાદ: જિલ્લા પ્રમુખ સહિત 5 સામે મારામારી અને ધમકીની ફરિયાદ

સુરેન્દ્રનગર:સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે આમ આદમી પાર્ટી (AAP)માં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં ‘આપ’ના યુવા પ્રમુખ ભરતભાઈ પર પક્ષના જ જિલ્લા પ્રમુખ અને અન્ય હોદ્દેદારો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપો સામે આવતા રાજકીય વર્તુળોમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે સાયલા પોલીસ મથકે જિલ્લા પ્રમુખ સહિત પાંચ લોકો સામે મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે.


ફરિયાદ અનુસાર, સાયલા તાલુકા ‘આપ’ના યુવા પ્રમુખ ભરતભાઈએ જિલ્લા પંચાયતની ટિકિટ માટે પક્ષ સમક્ષ માંગણી કરી હતી. પરંતુ જિલ્લા પ્રમુખ મયુર સાકરિયાએ તેમને ટિકિટ આપવાની ના પાડી દીધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ટિકિટ ન મળતા ભરતભાઈએ સોશિયલ મીડિયા પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે જિલ્લા પ્રમુખ મયુર સાકરિયા દ્વારા રૂપિયા લઈને ટિકિટોની વહેંચણી કરવામાં આવી રહી છે. તેમણે આ આક્ષેપોને લઈને પોતાના પાસે પુરાવા હોવાનો દાવો કરી જાહેર ડિબેટ કરવાની તૈયારી પણ દર્શાવી હતી.


આ સોશિયલ મીડિયા પોસ્ટ બાદ આરોપીઓએ ભરતભાઈને પોસ્ટ ડિલીટ કરવા માટે દબાણ કર્યું હોવાનો પણ આક્ષેપ છે. જોકે ભરતભાઈએ પોસ્ટ દૂર કરવા ઈનકાર કરતા આરોપીઓએ તેમના પર હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.


સાયલા પોલીસે ભરતભાઈની ફરિયાદના આધારે ‘આપ’ના જિલ્લા પ્રમુખ મયુર સાકરિયા, જિલ્લા પંચાયતના ઉમેદવાર હરેશ વાટુકિયા, મનસુખ સરવૈયા, રાજેશ લળતુકા સહિત કુલ પાંચ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.


ચૂંટણીના ટાણે જ પક્ષમાં ટિકિટ વેચાણના આક્ષેપો અને આંતરિક વિખવાદ સામે આવતા આમ આદમી પાર્ટીની છબી પર પણ અસર થવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. એક તરફ પક્ષ ‘ઈમાનદાર રાજનીતિ’નો દાવો કરી રહ્યો છે, ત્યારે બીજી તરફ જિલ્લા સ્તરે આવા ગંભીર આક્ષેપો સામે આવતા રાજકીય ગરમાવો વધી ગયો છે. પોલીસે હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement