ગાંધીનગર: ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષો ઉમેદવારોની પસંદગીમાં વ્યસ્ત છે, ત્યારે સ્ટેટ ઈલેક્શન કમિશન (રાજ્ય ચૂંટણી પંચ) દ્વારા ઉમેદવારી ફોર્મની ચકાસણી અને લાયકાત અંગે મહત્વની એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જો ઉમેદવાર કોઈ સામાન્ય ભૂલ પણ કરશે, તો તેમનું ફોર્મ રદ થઈ શકે છે.
કોન્ટ્રાક્ટ કે નફાકારક હોદ્દો ધરાવતા લોકો માટે લાલબત્તી
ચૂંટણી પંચના નવા નિયમો મુજબ, જો કોઈ વ્યક્તિ મહાનગરપાલિકામાં સીધી કે આડકતરી રીતે કોન્ટ્રાક્ટ ધરાવતી હોય અથવા કોઈ પેઢીમાં ભાગીદાર તરીકે હિત ધરાવતી હોય, તો તેઓ ઉમેદવારી કરી શકશે નહીં. આ ઉપરાંત:
કોર્પોરેશન હેઠળ કોઈ પણ નફાકારક હોદ્દો ધરાવતા ઉમેદવાર ગેરલાયક ઠરશે.
કોર્પોરેશન દ્વારા માન્યતા પ્રાપ્ત સર્વેયર, આર્કિટેક્ટ, એન્જિનિયર કે સ્ટ્રક્ચરલ ડિઝાઈનર તરીકે કામ કરતા લોકો પણ ચૂંટણી લડી શકશે નહીં.
ઉંમર અને મતદારયાદીના નિયમો
21 વર્ષની મર્યાદા: ઉમેદવારી પત્ર સ્વીકારવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર 21 વર્ષ પૂર્ણ હોવી અનિવાર્ય છે અને તેના પુરાવા રજૂ કરવા પડશે.
મતદાર યાદીમાં નામ: ઉમેદવારનું નામ છેલ્લી પ્રસિદ્ધ થયેલી મતદારયાદીમાં હોવું ફરજિયાત છે.
ટેકો આપનાર: ઉમેદવાર ભલે ગમે તે વોર્ડમાંથી લડતા હોય, પરંતુ તેમને જે વ્યક્તિ ટેકો આપે કે દરખાસ્ત કરે, તેનું નામ તે જ વોર્ડની મતદાર યાદીમાં હોવું જરૂરી છે.
કયા સંજોગોમાં ઉમેદવારી રદ થઈ શકે?
ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949ની કલમ 10 હેઠળ નીચે મુજબના કારણોસર ફોર્મ રદ થઈ શકે છે:
બાકી લેણું: જો ઉમેદવારનું કોર્પોરેશનનું કોઈ બિલ કે ટેક્સ બાકી હોય અને નોટિસ મળ્યાના 3 મહિનામાં ભરપાઈ ન કર્યું હોય.
સજા પામેલ: નૈતિક અધઃપતનના ગુનામાં 6 માસથી વધુ જેલની સજા થઈ હોય અથવા સિવિલ રાઈટ્સ એક્ટ હેઠળ સજાને 5 વર્ષ પૂર્ણ ન થયા હોય.
નાદારી: જો ઉમેદવાર નાદાર જાહેર થયેલ હોય.
ન્યાયિક હોદ્દો: મહાનગરપાલિકાની હકુમતમાં કોઈ ન્યાયિક હોદ્દો ધરાવતા હોય.
ડિપોઝિટ અને અનામત બેઠક અંગે રાહત
ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે જો કોઈ ઉમેદવાર SC, ST કે પછાત વર્ગની બેઠક પર દાવો કરે અને તે સાબિત ન થઈ શકે, તો માત્ર તે કારણથી ફોર્મ રદ થશે નહીં. જો ઉમેદવાર સામાન્ય શ્રેણીમાં આવતા હોય તો તેમણે બાકીની તફાવતની રકમ (રૂ. 1500) તાત્કાલિક જમા કરાવવાની રહેશે, જે બાદ તેમનું ફોર્મ માન્ય ગણાશે.
ચૂંટણી અધિકારીઓ માટે જાહેર કરાયેલી આ કડક એડવાઈઝરીને કારણે હવે તમામ રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોની કુંડળી તપાસીને જ ટિકિટ આપવી પડશે.