Advertisement

સાવધાન! 1 એપ્રિલ 2026થી બદલાઈ જશે તમારા જીવન સાથે જોડાયેલા આ 6 મોટા નિયમો, સીધી થશે ખિસ્સા પર અસર

સાવધાન! 1 એપ્રિલ 2026થી બદલાઈ જશે તમારા જીવન સાથે જોડાયેલા આ 6 મોટા નિયમો, સીધી થશે ખિસ્સા પર અસર

અમદાવાદ: નવા નાણાકીય વર્ષની શરૂઆત એટલે કે 1 એપ્રિલ, 2026થી સામાન્ય જનતાના જીવન અને આર્થિક વ્યવહારોમાં 6 મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. ગેસના ભાવથી લઈને બેન્કિંગ અને ટેક્સના નિયમો સુધીના આ ફેરફારોની તમારા બજેટ પર સીધી અસર પડશે. જાણો કયા ક્ષેત્રમાં શું બદલાવ આવશે:


1. LPG, CNG અને PNGના ભાવમાં ફેરફાર

દર મહિનાની પહેલી તારીખની જેમ 1 એપ્રિલે ઓઇલ કંપનીઓ રાંધણ ગેસ (LPG), CNG અને PNGના નવા ભાવ જાહેર કરશે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે સર્જાયેલી ઊર્જા કટોકટી વચ્ચે ભાવમાં વધારો થવાની શક્યતા સેવાઈ રહી છે. આ ઉપરાંત, વિમાન ઈંધણ (ATF)ના ભાવમાં પણ ફેરફાર જોવા મળી શકે છે.


2. નવો ઇન્કમટેક્સ કાયદો: 'ફોર્મ 16' થશે બંધ

1 એપ્રિલથી દેશમાં 1961ના જૂના આવકવેરા કાયદાને સ્થાને નવો 'આવકવેરા કાયદો 2025' અમલમાં આવશે. આ નવા કાયદા મુજબ, નોકરિયાત વર્ગ માટે અત્યંત મહત્ત્વનું ગણાતું 'ફોર્મ 16' હવે ભૂતકાળ બની જશે અને તેની જગ્યાએ ITR માટે નવું ફોર્મ જાહેર કરાશે. બિન-પગારદાર આવક માટેના 'ફોર્મ 16A'નું નામ બદલીને હવે 'ફોર્મ 131' કરવામાં આવ્યું છે, જેમાં દર ત્રણ મહિને વિગતો આપવી અનિવાર્ય રહેશે.


3. બેન્કિંગ નિયમોમાં ફેરફાર (HDFC, PNB અને બંધન બેન્ક)

HDFC બેન્ક: ફ્રી ATM ટ્રાન્ઝેક્શનમાં હવે UPI વિડ્રોઅલને પણ ગણવામાં આવશે. મર્યાદા પૂરી થયા બાદ દરેક ટ્રાન્ઝેક્શન પર 23 રૂપિયા ચાર્જ લાગશે.


PNB: દૈનિક ઉપાડની મર્યાદા ઘટાડીને 50,000 થી 75,000 રૂપિયા કરવામાં આવી છે.


બંધન બેન્ક: મેટ્રો શહેરોમાં માત્ર 3 ફ્રી ટ્રાન્ઝેક્શન મળશે. જો ખાતામાં બેલેન્સ ઓછું હોવાને કારણે ટ્રાન્ઝેક્શન ફેલ થશે, તો 25 રૂપિયાની પેનલ્ટી વસૂલવામાં આવશે.


4. HRA ક્લેમ અને PAN કાર્ડ માટે કડક નિયમો

જો તમે વાર્ષિક 1 લાખ રૂપિયાથી વધુ ભાડું ચૂકવો છો, તો મકાનમાલિકનો PAN નંબર આપવો હવે ફરજિયાત છે. નવા 'ફોર્મ 124' મુજબ મકાનમાલિક સાથેના સંબંધની સ્પષ્ટતા પણ કરવી પડશે. આ ઉપરાંત, હવે નવું PAN કાર્ડ કઢાવવા માટે માત્ર આધાર કાર્ડ પૂરતું નથી; વધારાના સુરક્ષા દસ્તાવેજો આપવા અનિવાર્ય બનશે.


5. ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પર IT વિભાગની નજર

જો તમે વર્ષ દરમિયાન ડિજિટલ માધ્યમથી 10 લાખથી વધુ અથવા રોકડમાં 1 લાખથી વધુનું ક્રેડિટ કાર્ડ બિલ ચૂકવો છો, તો તેની જાણકારી સીધી આવકવેરા વિભાગને પહોંચશે. કંપની તરફથી મળેલા ક્રેડિટ કાર્ડનો વ્યક્તિગત ઉપયોગ કરવા પર હવે ટેક્સ લાગી શકે છે, જોકે ઓફિશિયલ ખર્ચ ટેક્સ મુક્ત રહેશે.


6. પેટ્રોલમાં 20% ઇથેનોલનું મિશ્રણ

પર્યાવરણની જાળવણી માટે 1 એપ્રિલથી દેશભરમાં વેચાતા પેટ્રોલમાં 20% ઇથેનોલ ભેળવવાનું ફરજિયાત બનશે. આ નવા ઈંધણ માટે ગુણવત્તાના નવા ધોરણો લાગુ થશે, જેનાથી પ્રદૂષણમાં ઘટાડો થવાની અને ભારત ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનવાની અપેક્ષા છે.

Advertisement