સાળંગપુર: શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે આજે બીજી એપ્રિલના રોજ હનુમાન જયંતીના પાવન પર્વ નિમિત્તે 'કૃતજ્ઞતા મહામહોત્સવ'ની અત્યંત દબદબાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી જ કષ્ટભંજન દેવના દર્શન કરવા માટે ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું છે. દાદાના જન્મોત્સવને યાદગાર બનાવવા માટે વહેલી સવારે 5:00 કલાકે મંગળા આરતી અને ત્યારબાદ 7:00 કલાકે શણગાર આરતી યોજાઈ હતી. આ વિશેષ પ્રસંગે દાદાને 8 કિલો શુદ્ધ સોનામાંથી તૈયાર કરવામાં આવેલા અત્યંત કલાત્મક 'નૂતન સુવર્ણ વાઘા' અર્પણ કરવામાં આવ્યા છે, જેમાં સજ્જ દાદાના દિવ્ય સ્વરૂપના દર્શન કરીને હજારો ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે.
જન્મોત્સવની ઉજવણીમાં ભક્તિ અને ઉત્સાહનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. મંદિર પરિસરમાં આકાશમાંથી 1 લાખથી વધુ રંગબેરંગી બલૂન વર્ષા કરીને દાદાના પ્રાગટ્યને વધાવવામાં આવ્યું હતું. આ સાથે જ હનુમાન જયંતી નિમિત્તે 151 કિલોની વિશાળ કેક કાપીને ભક્તોમાં પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર સાળંગપુર ધામ ડી.જે.ના તાલે અને હનુમાન ચાલીસાના ગુંજારવથી ભક્તિમય બની ગયું હતું. દિવસભરના અન્ય કાર્યક્રમોમાં સવારે 7:00 વાગ્યાથી વિશ્વ શાંતિ માટે 1000થી વધુ ભક્તોની હાજરીમાં સામૂહિક મારુતિ યજ્ઞનો પ્રારંભ થયો છે, જ્યારે સવારે 11:00 કલાકે દાદાને વિવિધ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવશે.
ભક્તોની ભારે ભીડને જોતા મંદિર પ્રશાસન દ્વારા ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રિકો માટે ભોજનશાળા, લાઇટ હાઉસ અને કષ્ટભંજન ભવન જેવા ગેસ્ટ હાઉસ તેમજ પાર્કિંગની વ્યાપક સુવિધાઓ ઊભી કરાઈ છે. લાખો શ્રદ્ધાળુઓ શાંતિપૂર્વક દર્શન કરી શકે તે માટે સ્વયંસેવકો અને પોલીસ કાફલો સતત ખડેપગે સેવા આપી રહ્યો છે. મહોત્સવના સમાપન રૂપે સાંજે 7:00 કલાકે નાસિક ઢોલ-તાસાના ગડગડાટ અને આતશબાજી વચ્ચે ભવ્ય 'મહા સંધ્યા આરતી' યોજાશે, જે આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ બની રહેશે.