રવિ સિઝનમાં તમાકુ અને ઘઉંના વાવેતર વચ્ચે યુરિયા ખાતરની માંગ વધી રહી છે, ત્યારે રાજ્યમાં ખાતર વિતરણ માટે નવી ડિજિટલ વ્યવસ્થા અમલી બનાવવામાં આવી છે. હવે ખેડૂતોને યુરિયા ખાતર મેળવવા માટે ફાર્મવર્ક ફર્ટિલાઈઝર સેલ (FFS) સિસ્ટમ હેઠળ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડશે. ખેડૂતોને તેમની ખેતીની જમીન અને વાવેતર કરેલા પાકના આધારે જ ખાતરનો જથ્થો ફાળવવામાં આવશે.
નવી વ્યવસ્થા મુજબ સમગ્ર રવિ સિઝન માટે ખાતરની મર્યાદા નક્કી કરવામાં આવશે. એટલે કે, નિર્ધારિત જથ્થા કરતાં વધુ યુરિયા ખાતર ખરીદી શકાશે નહીં. સરકારનો દાવો છે કે આ વ્યવસ્થાથી રાસાયણિક ખાતરનો બેફામ ઉપાડ અને ગેરઉપયોગ અટકાવી શકાશે. જોકે, બીજી તરફ આ પ્રક્રિયા ખેડૂતો માટે નવી મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.
ખાતર મેળવવા માટે ખેડૂતે મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરી નોંધણી કરાવવી, OTP મેળવવો અને ત્યારબાદ ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ અનેક ખેડૂતો કીપેડ મોબાઈલનો ઉપયોગ કરે છે. જ્યારે ઘણા ખેડૂતો સ્માર્ટફોન અને ડિજિટલ પ્રક્રિયાથી અજાણ હોવાથી તેમના માટે આ વ્યવસ્થા મુશ્કેલીરૂપ બની શકે છે.
આ ઉપરાંત સર્વર ડાઉન થવું, OTP સમયસર ન મળવો અને પોર્ટલમાં ટેક્નિકલ ખામીઓ જેવી સમસ્યાઓને કારણે ખેડૂતોને સહકારી મંડળીઓ અને ખાતર વિતરણ કેન્દ્રોના ધક્કા ખાવાની નોબત આવી રહી છે.
બીજાની જમીન ખેડતા ખેડૂતોની મુશ્કેલી વધશે?
ચરોતર વિસ્તારમાં અનેક ખેડૂતો પોતાની માલિકીની જમીન ઉપરાંત અન્ય ખેડૂતોની જમીન સાંઠ કે ગીરો રાખીને ખેતી કરે છે. આવી સ્થિતિમાં જમીનના રેકોર્ડ અને ખેડૂત રજીસ્ટ્રેશનના આધારે ખાતરનો જથ્થો ફાળવવામાં આવે તો વાસ્તવિક ખેતી કરનાર ખેડૂતોને મુશ્કેલી પડી શકે છે.
ખાસ કરીને વિદેશમાં વસવાટ કરતા NRI જમીનમાલિકોની જમીન ખેડતા ખેડૂતો સામે પણ ખાતર મેળવવાનો પ્રશ્ન ઊભો થઈ શકે છે. જમીન માલિકના નામે નોંધાયેલા રેકોર્ડ અને વાસ્તવિક ખેડૂત વચ્ચેના તફાવતને કારણે ખાતરની ફાળવણીમાં અડચણો આવવાની ભીતિ સેવાઈ રહી છે.
એક તરફ ખાતરના ભાવ અને ખેતી ખર્ચનો બોજ ખેડૂતોને પરેશાન કરી રહ્યો છે, ત્યારે બીજી તરફ ઓનલાઈન નોંધણી અને મર્યાદિત જથ્થાની નવી વ્યવસ્થાથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થવાની શક્યતા છે. હવે સરકાર આ ડિજિટલ વ્યવસ્થામાં ટેક્નોલોજીથી અજાણ ખેડૂતો અને અન્યની જમીન ખેડતા ખેડૂતો માટે શું સરળ વિકલ્પ આપે છે તેના પર સૌની નજર રહેશે.