બ્લડ પ્રેશર એટલે કે હાઈ બીપી આજના સમયમાં ઝડપથી વધી રહેલી સ્વાસ્થ્ય સમસ્યાઓમાંની એક છે. ખાસ વાત એ છે કે ઘણીવાર વ્યક્તિને પોતાનું બ્લડ પ્રેશર વધી રહ્યું હોવાની જાણ પણ થતી નથી. તણાવ, ગુસ્સો, ઊંઘનો અભાવ, વધુ પડતું મીઠું, કેફીન અને નિકોટિનનું સેવન જેવી બાબતોને કારણે બીપીમાં અચાનક વધારો થઈ શકે છે.
સામાન્ય રીતે આવી સ્થિતિમાં બ્લડ પ્રેશર થોડા સમય પછી ફરી સામાન્ય થઈ શકે છે. જોકે, વારંવાર અથવા લાંબા સમય સુધી બીપી ઊંચું રહે તો હૃદય, મગજ, કિડની અને આંખો પર ગંભીર અસર થઈ શકે છે. આ જ કારણસર હાઈ બ્લડ પ્રેશરને 'સાઇલેન્ટ કિલર' તરીકે ઓળખવામાં આવે છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના વર્ષ 2025ના અહેવાલ મુજબ, ભારતમાં 30થી 79 વર્ષની વયજૂથના આશરે 21 કરોડથી વધુ લોકો હાઈ બ્લડ પ્રેશરથી પીડિત છે. એટલે કે આ વયજૂથના દર ત્રણમાંથી લગભગ એક વ્યક્તિ હાઇપરટેન્શનનો શિકાર છે. ચિંતાજનક બાબત એ છે કે આમાંથી માત્ર 39 ટકા લોકોને જ પોતાની બીમારી વિશે જાણ છે.
સામાન્ય વ્યક્તિનું બ્લડ પ્રેશર કેટલું હોવું જોઈએ?
એક સ્વસ્થ પુખ્ત વ્યક્તિનું સામાન્ય બ્લડ પ્રેશર સામાન્ય રીતે 120/80 mmHg કરતાં ઓછું હોવું જોઈએ.
120 mmHg – સિસ્ટોલિક પ્રેશર: જ્યારે હૃદય સંકોચાઈને લોહી પંપ કરે છે ત્યારે ધમનીઓમાં સર્જાતું દબાણ.
80 mmHg – ડાયસ્ટોલિક પ્રેશર: જ્યારે હૃદયના ધબકારા વચ્ચે હૃદય આરામની સ્થિતિમાં હોય ત્યારે ધમનીઓમાં રહેતું દબાણ.
બ્લડ પ્રેશરના આંકડા ઉંમર, સ્વાસ્થ્યની સ્થિતિ અને અન્ય પરિબળો પ્રમાણે અલગ હોઈ શકે છે. તેથી યોગ્ય મૂલ્યાંકન માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.
તણાવથી લઈને મીઠા સુધી, આ કારણોથી અચાનક વધી શકે છે બીપી
જ્યારે હૃદય વધુ દબાણ સાથે લોહી પંપ કરે છે અથવા ધમનીઓ સંકોચાઈ જાય છે ત્યારે બ્લડ પ્રેશર વધી શકે છે. કેટલીક પરિસ્થિતિઓમાં બીપીમાં અચાનક વધારો જોવા મળે છે.
અચાનક તણાવ, ડર અથવા ગુસ્સો આવવો.
તીવ્ર દુખાવો અથવા ઈજા થવી.
વધુ પડતી ચા-કોફી અને કેફીનનું સેવન.
ધૂમ્રપાન અથવા નિકોટિનનું સેવન.
વધુ મીઠું ખાવું.
પૂરતી ઊંઘ ન લેવી.
બીપીની દવા સમયસર ન લેવી અથવા ડોઝ ચૂકી જવો.
અચાનક ભારે શારીરિક પ્રવૃત્તિ કરવી.
આ પરિબળો કેટલાક લોકોમાં બ્લડ પ્રેશરમાં થોડા સમય માટે વધારો કરી શકે છે. જોકે, વારંવાર આવું થતું હોય તો તેની તપાસ કરાવવી જરૂરી છે.
180/120થી વધુ બીપી હોય તો સાવધાન, આ લક્ષણો અવગણશો નહીં
દરેક વખતે બીપી અચાનક વધે ત્યારે તેને મેડિકલ ઇમરજન્સી માનવી જરૂરી નથી. પરંતુ જો બ્લડ પ્રેશર 180/120 mmHg અથવા તેનાથી વધુ નોંધાય તો તેને ગંભીરતાથી લેવું જોઈએ.
આવી સ્થિતિમાં ઓછામાં ઓછા એક મિનિટ બાદ ફરીથી બીપી માપવું જોઈએ. જો રીડિંગ હજુ પણ આટલું ઊંચું હોય તો તાત્કાલિક તબીબી સલાહ લેવી જરૂરી છે.
જો બીપી ખૂબ ઊંચું હોવાની સાથે નીચેના લક્ષણો જોવા મળે તો તાત્કાલિક ઇમરજન્સી સારવાર લેવી જોઈએ:
છાતીમાં દુખાવો અથવા દબાણ અનુભવવું.
શ્વાસ લેવામાં તકલીફ થવી.
અચાનક તીવ્ર માથાનો દુખાવો.
આંખો સામે ધૂંધળું દેખાવું અથવા દ્રષ્ટિ ગુમાવવી.
શરીરના કોઈ ભાગમાં અચાનક નબળાઈ અથવા સુન્નતા આવવી.
બોલવામાં તકલીફ થવી અથવા ગૂંચવણ અનુભવવી.
આ લક્ષણો સ્ટ્રોક અથવા હૃદય સંબંધિત ગંભીર સમસ્યાના સંકેત હોઈ શકે છે. બીપીના આંકડા ગમે તે હોય, આવા લક્ષણોમાં તાત્કાલિક સારવાર જરૂરી છે.
બીપી વધે ત્યારે તરત વધારાની દવા લેવાની ભૂલ ન કરો
બ્લડ પ્રેશર વધે ત્યારે ગભરાઈને પોતાની રીતે દવાની વધારાની ગોળી લેવી જોખમી બની શકે છે. દવાના કારણે બીપી અચાનક ખૂબ ઓછું થઈ શકે છે.
જો બીપી ઊંચું જણાય તો શાંતિથી બેસીને 5થી 10 મિનિટ આરામ કરો અને યોગ્ય પદ્ધતિથી ફરીથી માપો. ડૉક્ટરે અગાઉથી આપેલી સૂચનાઓનું પાલન કરો. પોતાની રીતે દવાની માત્રામાં ફેરફાર ન કરો.
જો ઘરે બીપી માપવાનું મશીન ન હોય તો નજીકની ક્લિનિક, ફાર્મસી અથવા હેલ્થ સેન્ટર પર જઈને તપાસ કરાવી શકાય છે. ગંભીર લક્ષણો જણાય તો બીપી માપવા માટે સમય બગાડ્યા વગર ઇમરજન્સી સારવાર લેવી જોઈએ.
આ લોકોમાં હાઈ બીપીનું જોખમ વધુ રહે છે
કેટલાક લોકોમાં હાઇપરટેન્શન થવાની શક્યતા અન્ય લોકો કરતાં વધારે હોય છે. ખાસ કરીને નીચેની સ્વાસ્થ્ય સ્થિતિ ધરાવતા લોકોએ નિયમિત તપાસ કરાવવી જોઈએ.
પહેલેથી હાઈ બીપી ધરાવતા લોકો.
ડાયાબિટીસના દર્દીઓ.
કિડનીની બીમારી ધરાવતા લોકો.
મેદસ્વિતાથી પીડાતા લોકો.
ધૂમ્રપાન અને તમાકુનું સેવન કરતા લોકો.
સતત માનસિક તણાવમાં રહેતા લોકો.
વધુ પડતું મીઠું ખાતા લોકો.
વધતી ઉંમરના લોકો.
હાઈ બીપીથી હાર્ટ એટેક, સ્ટ્રોક અને કિડનીની બીમારીનું જોખમ
લાંબા સમય સુધી બ્લડ પ્રેશર નિયંત્રણમાં ન રહે તો શરીરના મહત્ત્વપૂર્ણ અંગોને નુકસાન થઈ શકે છે. હાઈ બીપીના કારણે હૃદય પર સતત દબાણ રહે છે, જેના પરિણામે હૃદયની બીમારીઓ અને હાર્ટ એટેકનું જોખમ વધી શકે છે.
આ ઉપરાંત મગજની રક્તવાહિનીઓને નુકસાન થવાથી સ્ટ્રોક, કિડનીની કાર્યક્ષમતા ઘટવાથી કિડની ડિસીઝ અને આંખોની રક્તવાહિનીઓને નુકસાન થવાથી દ્રષ્ટિ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.
આ જોખમ ઘટાડવા માટે નિયમિત બ્લડ પ્રેશર મોનિટરિંગની સાથે બ્લડ શુગર, કિડની ફંક્શન ટેસ્ટ અને લિપિડ પ્રોફાઇલ કરાવવી જરૂરી છે. ડૉક્ટરની સલાહ પ્રમાણે ECG અને આંખોની તપાસ પણ કરાવી શકાય છે.
બીપીના દર્દીઓએ નિયમિત ક્યારે તપાસ કરાવવી જોઈએ?
હાઈ બીપીનું નિદાન થયા બાદ ડૉક્ટરની સલાહ મુજબ નિયમિત ફોલોઅપ કરાવવું જોઈએ. શરૂઆતમાં અથવા દવાની માત્રામાં ફેરફાર થયા બાદ વારંવાર તપાસની જરૂર પડી શકે છે.
બીપી નિયંત્રણમાં આવ્યા બાદ સામાન્ય રીતે 3થી 6 મહિનાના અંતરે ફોલોઅપ રાખવામાં આવી શકે છે. જોકે, દરેક દર્દીની સ્થિતિ પ્રમાણે આ સમયગાળો અલગ હોઈ શકે છે.
ઘરે બીપી માપતા લોકો માટે સવારે અને સાંજે નિશ્ચિત સમયે રીડિંગ લેવી ઉપયોગી છે. સામાન્ય રીતે દિવસમાં એકથી બે વાર માપવું પૂરતું હોઈ શકે છે. વારંવાર દર થોડી મિનિટે બીપી ચેક કરવાને બદલે ડૉક્ટરે જણાવેલી પદ્ધતિ પ્રમાણે રેકોર્ડ રાખવો જોઈએ.
હાઈ બીપીને નિયંત્રણમાં રાખવા જીવનશૈલીમાં કરો આ ફેરફાર
હાઈ બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખવા માટે માત્ર દવાઓ જ નહીં, પરંતુ જીવનશૈલીમાં સુધારો કરવો પણ એટલો જ જરૂરી છે.
દરરોજ નિયમિત કસરત અને ચાલવાની ટેવ પાડો.
શરીરનું વજન નિયંત્રણમાં રાખો.
તણાવ ઘટાડવા માટે યોગ અને ધ્યાન કરો.
દરરોજ પૂરતી ઊંઘ લો.
ધૂમ્રપાન અને તમાકુથી સંપૂર્ણપણે દૂર રહો.
દારૂનું સેવન ટાળો.
ડૉક્ટરની સલાહ મુજબ નિયમિત બીપી ચેક કરાવો.
નિર્ધારિત દવાઓ સમયસર લો.
હાઈ બીપીના દર્દીઓએ ખાવા-પીવામાં રાખવી ખાસ કાળજી
બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખવા માટે આહારમાં પણ જરૂરી ફેરફારો કરવા જોઈએ.
ભોજનમાં મીઠાનું પ્રમાણ ઓછું રાખો.
તાજાં ફળો અને લીલા શાકભાજીનો સમાવેશ કરો.
આખા અનાજ અને ફાઇબરયુક્ત ખોરાક ખાઓ.
પ્રોસેસ્ડ અને પેકેજ્ડ ફૂડનું સેવન ઘટાડો.
તળેલા અને વધુ ચરબીવાળા ખોરાકથી દૂર રહો.
પૂરતા પ્રમાણમાં પાણી પીઓ.
વધુ પડતી ચા-કોફી અને ખાંડવાળાં પીણાં ટાળો.
હાઈ બ્લડ પ્રેશર એવી સમસ્યા છે જેને યોગ્ય સારવાર, નિયમિત તપાસ અને જીવનશૈલીમાં સુધારા દ્વારા નિયંત્રણમાં રાખી શકાય છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે બીપીના કોઈ લક્ષણો ન દેખાતાં હોય તો પણ સમયાંતરે તેની તપાસ કરાવતા રહેવું જોઈએ. ડૉક્ટરની સલાહ વિના દવા બંધ કરવી કે તેની માત્રામાં ફેરફાર કરવો નહીં.