રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ માટે વર્ષ 2026નું ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના પરિપત્ર મુજબ, રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓમાં એકસમાન તારીખોએ વેકેશનનો અમલ કરવામાં આવશે.
પરિપત્ર અનુસાર, ઉનાળુ વેકેશન 4 મે 2026થી શરૂ થઈ 7 જૂન 2026 સુધી ચાલુ રહેશે. આ દરમ્યાન વિદ્યાર્થીઓને કુલ 35 દિવસનો વિરામ મળશે. ત્યારબાદ 8 જૂન 2026થી શાળાઓ ફરીથી નિયમિત રીતે શરૂ થશે.
પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીએ તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ (DEO) અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ (DPEO)ને આ તારીખો અંગે સંકલન સાથે અમલ કરવાની સૂચના આપી છે. આ આદેશ રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ તેમજ સ્વનિર્ભર શાળાઓ અને બાલ અધ્યાપન મંદિરો માટે લાગુ પડશે.