છોટાઉદેપુર: ગુજરાતનો ખેડૂત આજે ફરી એકવાર કુદરત અને બજારના બેવડા માર વચ્ચે પીસાઈ રહ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં ટામેટા પકવતા ખેડૂતો હાલ અત્યંત ગંભીર મુસીબતમાં મુકાયા છે. એક તરફ તાજેતરમાં આવેલા વાવાઝોડાએ તૈયાર પાકને જમીનદોસ્ત કરી દીધો છે, તો બીજી તરફ બજારમાં ટામેટાના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં બજારમાં ટામેટાનો ભાવ કિલો દીઠ માત્ર 6 થી 7 રૂપિયા બોલાઈ રહ્યો છે, જે ખેડૂતોના ઉત્પાદન ખર્ચ કરતા પણ ઘણો ઓછો છે.
ખર્ચ પણ ન નીકળતા ખેડૂતો લાચાર
ખેડૂતોએ લાખો રૂપિયાનું દેવું કરીને અને દિવસ-રાત મહેનત કરીને ટામેટાનો પાક તૈયાર કર્યો હતો. વાવાઝોડાને કારણે છોડ નમી પડતા પાકની ગુણવત્તા પર અસર પડી છે. સ્થિતિ એટલી હદે વણસી છે કે ખેડૂતોને ટામેટા ઉતારવાની મજૂરી (તોડામણ) પણ વળતર પેટે મળતી નથી. પરિણામે, હતાશ થયેલા કેટલાક ખેડૂતો હવે પોતાના તૈયાર પાક પર ટ્રેક્ટર ફેરવી દેવા અથવા છોડ ઉખેડી નાખવા મજબૂર બન્યા છે. જગતનો તાત દેવાદાર બનવાની અણી પર છે, છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.
તંત્રની ઉદાસીનતા અને કોલ્ડ સ્ટોરેજની ઉણપ
જિલ્લા ખેતીવાડી વિભાગ સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે બાગાયતી ખેતીમાં થયેલા આટલા મોટા નુકસાન છતાં અધિકારીઓ સર્વે કરવા માટે ખેતરો સુધી પહોંચવાની તસ્દી લેતા નથી. આ ઉપરાંત, છોટાઉદેપુર જિલ્લામાં વર્ષો જૂની કોલ્ડ સ્ટોરેજની માંગ હજુ પણ અધૂરી છે. સુવિધાના અભાવે ખેડૂતોએ પોતાનો માલ લાંબો સમય સાચવી શકતા નથી અને વેપારીઓ જે નજીવો ભાવ આપે તે લેવા મજબૂર બને છે. જો સરકાર સત્વરે સર્વે કરાવીને વળતર જાહેર નહીં કરે, તો આ વિસ્તારના ખેડૂતો માટે ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની જશે.