નવી દિલ્હી: અમેરિકા અને ઈરાન વચ્ચે 28 ફેબ્રુઆરી 2026થી શરૂ થયેલા ભીષણ યુદ્ધ દરમિયાન પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ છે. પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે બંને નેતાઓએ વૈશ્વિક સુરક્ષા અને વેપારના માર્ગોને સુરક્ષિત રાખવા અંગે ગંભીર ચર્ચા કરી હતી. ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગૌર દ્વારા આ માહિતી શેર કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (Strait of Hormuz) ને ખુલ્લું રાખવાના મહત્વ પર બંને દેશોએ સહમતી વ્યક્ત કરી છે.
શાંતિ અને સુરક્ષિત વેપાર માટે ભારતની પહેલ
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર આ વાતચીતની વિગતો આપતા જણાવ્યું કે, ભારત પશ્ચિમ એશિયામાં તણાવ ઘટાડવા અને વહેલી તકે શાંતિ સ્થપાય તે માટે કટિબદ્ધ છે. વાતચીત દરમિયાન બંને નેતાઓ એ વાત પર સહમત થયા હતા કે વૈશ્વિક અર્થતંત્ર માટે 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'નું સુરક્ષિત હોવું અનિવાર્ય છે. વડાપ્રધાને સ્પષ્ટ કર્યું કે ભારત આ મુદ્દે ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા જેવા તમામ પક્ષો સાથે સતત સંપર્કમાં છે અને ડિપ્લોમેસી (રાજદ્વારી) માધ્યમથી જહાજોની અવરજવર ચાલુ રાખવા પ્રયાસ કરી રહ્યું છે.
રાજ્યસભામાં PM મોદીનું નિવેદન: ઊર્જા સંકટ અને ભારતીયોની સુરક્ષા પર ચિંતા
આજે 24 માર્ચના રોજ રાજ્યસભામાં સંબોધન કરતા પીએમ મોદીએ જણાવ્યું કે છેલ્લા ત્રણ સપ્તાહથી ચાલી રહેલા આ યુદ્ધને કારણે વિશ્વમાં ગંભીર ઊર્જા સંકટ ઊભું થયું છે, જેની અસર ભારત પર પણ પડી રહી છે. ગલ્ફ દેશોમાં વસતા એક કરોડથી વધુ ભારતીયોની સુરક્ષા ભારત માટે સૌથી મોટી પ્રાથમિકતા છે. પીએમે દુઃખ વ્યક્ત કર્યું કે આ સંઘર્ષમાં કેટલાક ભારતીયોએ જીવ ગુમાવ્યા છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે કોમર્શિયલ જહાજો પર હુમલા અને નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડવું અસ્વીકાર્ય છે અને ભારત સતત તમામ દેશોના વડાઓ સાથે સંપર્ક જાળવીને સ્થિતિ થાળે પાડવા પ્રયત્નશીલ છે.