Advertisement

પીઢ ગાયિકા આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન, સંગીત જગતમાં શોકની લાગણી

પીઢ ગાયિકા આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન, સંગીત જગતમાં શોકની લાગણી

ભારતીય સંગીત જગત માટે અતિ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત અને કરોડો ચાહકોના દિલમાં વસેલા અવાજની માલિક ગાયિકા આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન થયું છે. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હોવાનું પરિવારિક સૂત્રોએ જણાવ્યું છે. શનિવારે રાત્રે અચાનક કાર્ડિયાક અરેસ્ટ આવતાં તેમની તબિયત બગડતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર છતાં તેઓને બચાવી શકાયા નહોતા.


1943માં પોતાના સંગીત સફરની શરૂઆત કરનાર આશા ભોસલેએ દાયકાઓ સુધી ભારતીય સંગીત જગતમાં અવિસ્મરણીય યોગદાન આપ્યું હતું. તેમણે લગભગ 12 હજારથી વધુ ગીતો ગાઈને વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ બનાવી હતી. ભજનોથી લઈને ગઝલ, ફિલ્મી ગીતો અને આધુનિક પોપ સંગીત સુધી દરેક શૈલીમાં તેમના અવાજનો જાદુ સાંભળનારાઓને મંત્રમુગ્ધ કરી દેતો હતો. તેમની અનોખી ગાયકી અને અવાજની ખનકને કારણે અનેક પેઢીઓ સુધી તેઓ સંગીતપ્રેમીઓના દિલમાં રાજ કરતા રહ્યા.


તેમના નિધનના સમાચાર મળતાં જ સમગ્ર સંગીત જગત, બોલિવૂડ તેમજ રાજકીય વર્તુળોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. અનેક કલાકારો અને નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે અને ભારતીય સંગીત માટે તેમના અમૂલ્ય યોગદાનને યાદ કર્યું છે. આશા ભોસલેના અવસાનથી ભારતીય સંગીત જગતમાં એક મોટું ખાલીપો સર્જાયું છે, જે લાંબા સમય સુધી અનુભવાશે.


મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલના ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક દિવસોથી તેઓ અત્યંત થાક અને છાતીમાં ઇન્ફેક્શનની સમસ્યાથી પીડાઈ રહ્યા હતા. સારવાર દરમિયાન તેમની તબિયત વધુ બગડતાં મલ્ટિ-ઓર્ગન ફેલ્યોર થતા તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પુત્ર આનંદ ભોસલેએ આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરી છે. દેશભરના ચાહકો માટે આશા ભોસલેનું નિધન એક યુગના અંત સમાન માનવામાં આવી રહ્યું છે.

Advertisement