પેટલાદ બ્રેકિંગ | નહેરનું પાણી ન મળતાં ખેડૂતોની મુશ્કેલી
પેટલાદ તાલુકાના પાળજ પંથકમાં સિંચાઈના પાણીની સમસ્યાને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.
પાળજ સીમ સહિત આસપાસના ગામોના ખેતરોમાં સુણાવ માયનોરની બે કાંસડી મારફતે સિંચાઈનું પાણી પહોંચાડવામાં આવે છે. જોકે, ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા કેટલાક સમયથી સિંચાઈ વિભાગ દ્વારા નહેર અને કાંસડીઓનું યોગ્ય ચેકિંગ કરવામાં આવતું નથી.
આનો લાભ લઈને આગળના ગામોના કેટલાક ખેડૂતો દ્વારા કાંસડીઓમાં આડબંધ બનાવી પાણી રોકી લેવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે પાળજ સુધી પૂરતું સિંચાઈનું પાણી પહોંચતું નથી.
પાણીના અભાવે પાળજ સીમ વિસ્તારમાં ડાંગર સહિતના પાક સુકાવાની સ્થિતિમાં આવી ગયા છે, જેથી ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ છે.
ખેડૂતોનું કહેવું છે કે અગાઉ સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા નહેર અને કાંસડીઓનું નિયમિત ચેકિંગ કરવામાં આવતું હતું, પરંતુ હવે ચેકિંગ ન થતું હોવાના કારણે પાણી રોકવાની પ્રવૃત્તિ વધી છે.
આ મામલે પાળજ ગામના ખેડૂતોએ પેટલાદના ધારાસભ્યને રૂબરૂ રજૂઆત કરી પાક બચાવવા સિંચાઈનું પાણી આપવા માંગ કરી હોવા છતાં, હજુ સુધી યોગ્ય કાર્યવાહી ન થઈ હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે.
હવે ખેડૂતોની માંગ છે કે સિંચાઈ વિભાગના જવાબદાર અધિકારીઓ તાત્કાલિક નહેરની બંને કાંસડીઓનું સ્થળ નિરીક્ષણ કરે, આડબંધ દૂર કરાવે અને પાળજના ખેડૂતો સુધી પૂરતું સિંચાઈનું પાણી પહોંચાડે.
કારણ કે સમયસર પાણી નહીં મળે તો મહામહેનતે ઉગાડેલો પાક ખેડૂતોની આંખો સામે સુકાઈ જવાની ભીતિ છે.