Advertisement

પંચમહાલ કલેક્ટરના નિર્ણય બાદ 265 મંદિરો અને 2511 ગામનો વિવાદ ફરી હાઈકોર્ટમાં

પંચમહાલ કલેક્ટરના નિર્ણય બાદ 265 મંદિરો અને 2511 ગામનો વિવાદ ફરી હાઈકોર્ટમાં

ગુજરાતના ઐતિહાસિક અને ધાર્મિક દૃષ્ટિએ મહત્વ ધરાવતા અનેક મંદિરો અને હજારો ગામોની માલિકી અંગેનો વિવાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. ચાંપાનેર-માંચીના રાજવી પરિવારના વંશજ ઠાકોર રાજેન્દ્રસિંહ માનસિંહે દાવો કર્યો છે કે પાવાગઢનું મહાકાળી મંદિર, ડાકોરનું રણછોડરાયજી મંદિર, નડિયાદ અને વડતાલના સ્વામિનારાયણ મંદિરો સહિત કુલ 265 મંદિરો તેમજ 2511 ગામોની માલિકી તેમના પરિવારની છે. આ હક્ક માટે તેઓ વર્ષ 1984થી સતત કાનૂની લડત લડી રહ્યા છે, પરંતુ અત્યાર સુધી વહીવટી સ્તરે કોઈ સ્પષ્ટ અમલ થયો નથી.


આ મામલાનો ઐતિહાસિક આધાર બ્રિટિશકાળ સુધી પહોંચે છે. વર્ષ 1872ના સરકારના ઠરાવ અને ત્યારબાદ 1884ના સેક્રેટરી ઓફ સ્ટેટ કાઉન્સિલના નિર્ણય અનુસાર આ વિસ્તારો અને મંદિરોની માલિકી ચાંપાનેરના રાજવી પરિવારને આપવામાં આવી હતી. બાદમાં 1942 અને 1949ના બોમ્બે ગવર્મેન્ટ ગેઝેટમાં પણ આ તમામ સંપત્તિને પ્રાઇવેટ પ્રોપર્ટી તરીકે માન્યતા આપવામાં આવી હતી. જેના આધારે ઠાકોર માનસિંહે 1952માં આ સંપત્તિના વારસ તરીકે પોતાના પુત્ર રાજેન્દ્રસિંહના નામે હક્ક સોંપ્યો હતો.


રાજેન્દ્રસિંહે 1984થી પોતાની પિતૃ સંપત્તિ મેળવવા માટે કોર્ટમાં દાવા કર્યા હતા. હાલોલ કોર્ટમાં 1989માં કેસ દાખલ કર્યા બાદ તેમણે વિવિધ સરકારી કચેરીઓમાં પણ રજૂઆતો કરી હતી, પરંતુ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી ન થતાં વિવાદ યથાવત રહ્યો છે. 2017 અને 2018માં હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા હુકમનો અમલ કરાવવા માટે તેઓ છેલ્લા ઘણા વર્ષોથી પ્રયાસ કરી રહ્યા છે, છતાં તાજેતરમાં પંચમહાલ જિલ્લા કલેક્ટરે અગાઉના હુકમોને યથાવત રાખતા હવે તેઓ ફરી કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ માટે હાઇકોર્ટનો દરવાજો ખખડાવશે.


આ વિવાદમાં એક રસપ્રદ માનવીય પાસું પણ સામે આવ્યું છે. રાજવી પરિવારના વડા માનસિંહ ઠાકોરે પોતાના પુત્ર રાજેન્દ્રસિંહની સલામતી માટે તેમને આદિવાસી પરિવારને સોંપી દીધા હતા, જેથી સંપત્તિના વિવાદમાં કોઈ તેમને નુકસાન ન પહોંચાડે. વર્ષો સુધી અજાણ રહેલા રાજેન્દ્રસિંહને 1984માં આ સત્યની જાણ થતાં તેમણે પોતાના હક્ક માટે લડત શરૂ કરી હતી.


બોમ્બે ગવર્મેન્ટ ગેઝેટ મુજબ પંચમહાલ સહિતના વિવિધ તાલુકાઓમાં આવેલા કુલ 2511 ગામો અને 295 મંદિરોની માલિકી માનસિંહ ઠાકોરના નામે દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત હજારો એકર જમીન, રસ્તાઓ, તળાવો અને અન્ય સરકારી જેવી ગણાતી મિલકતો પણ આ દાવામાં સામેલ છે. રાજેન્દ્રસિંહે તાજેતરમાં જાહેર નોટિસ આપી તમામ પાવર ઓફ એટર્ની રદ કરી દીધી છે અને સ્પષ્ટ કર્યું છે કે આ મિલકતો તેમની માલિકીની છે, તેમજ કોઈપણ વ્યક્તિએ તેમની મંજૂરી વગર કોર્ટમાં દાવો ન કરવો જોઈએ.


આ સમગ્ર મામલો હવે ફરી એકવાર કાનૂની અને વહીવટી સ્તરે ગરમાયો છે. શું રાજવી પરિવારને તેમની દાવો કરેલી મિલકતોનો હક મળશે કે નહીં, તે આવનારા સમયમાં કોર્ટના નિર્ણય પર નિર્ભર રહેશે.

Advertisement