ઓઈલ-ગેસ સંકટ વચ્ચે CM-ડેપ્યુટી CMના ખર્ચા પર ઉઠ્યા સવાલો

ઓઈલ-ગેસ સંકટ વચ્ચે CM-ડેપ્યુટી CMના ખર્ચા પર ઉઠ્યા સવાલો

ખાડી દેશોમાં યુદ્ધની પરિસ્થિતિ વધુ વણસતા ગુજરાતમાં પણ ઈંધણ સંકટની ચિંતા વધી રહી છે. રાંધણગેસ પછી હવે પેટ્રોલ-ડીઝલની અછત થશે તેવી ભીતિ વચ્ચે લોકો પેટ્રોલપંપ પર દોડી રહ્યા છે. આવા સમયમાં સામાન્ય લોકો ભય અને અનિશ્ચિતતામાં જીવી રહ્યા છે, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના કાફલા અને હેલિકોપ્ટરના ખર્ચને લઈને લોકોમાં અસંતોષ વ્યક્ત થઈ રહ્યો છે. લોકોનું માનવું છે કે પ્રજાના પૈસે શાન-શૌકત માણવાને બદલે નેતાઓએ કરકસરનો દાખલો બેસાડવો જોઈએ.

મીડલ ઈસ્ટના યુદ્ધના પ્રભાવથી ઉદ્યોગો પર પણ ગંભીર અસર પડી છે. નાના ઉદ્યોગો અને કારખાનાઓ બંધ થવાની કગર પર છે, જેના કારણે હજારો કામદારો બેરોજગાર બન્યા છે અને અનેક પરપ્રાંતિય મજૂરો વતન તરફ પરત ફરી રહ્યા છે. રાંધણગેસની અછતને કારણે હોટલ-રેસ્ટોરન્ટ ઉદ્યોગ પણ અસરગ્રસ્ત બન્યો છે, હાઈવે પરની ઘણી હોટલો બંધ જેવી સ્થિતિમાં છે. બીજી તરફ સરકાર તરફથી ગેસની અછત નથી એવા દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ વાસ્તવિક સ્થિતિને લઈને લોકોમાં ગૂંચવણ અને ગભરાટ જોવા મળી રહ્યો છે.

આ પરિસ્થિતિમાં કાળાબજારિયાઓ સક્રિય બની ગયા છે અને રાંધણગેસ તથા ઈંધણના મુદ્દે પ્રજાનો શોષણ થઈ રહ્યો છે. લોકોમાં એવો પણ આક્ષેપ છે કે સરકારની નબળી કાર્યવાહીથી કાળાબજારિયાઓને પ્રોત્સાહન મળી રહ્યું છે. બીજી તરફ નેતાઓ અને મંત્રીઓ પર પ્રજાના ટેક્સના પૈસા ઉડાડવાના આરોપો લાગી રહ્યા છે. વિધાનસભા સત્ર દરમિયાન મંત્રી નિવાસસ્થાનોમાં ડિનર પાર્ટીઓ યોજાઈ રહી છે, જ્યારે સામાન્ય જનતા ઈંધણ માટે સંઘર્ષ કરી રહી છે, જેના કારણે લોકોમાં રોષ વધ્યો છે.

લોકોનું માનવું છે કે આવી મુશ્કેલ પરિસ્થિતિમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓએ સાદગી અપનાવી પ્રજાને સંદેશ આપવો જોઈએ. હેલિકોપ્ટર અને મોટા કાફલાનો ઉપયોગ ઘટાડીને પેટ્રોલ બચાવ અભિયાનની શરૂઆત ગાંધીનગરથી થવી જોઈએ. સાથે જ મંત્રી અને ધારાસભ્યોના નિવાસસ્થાનોમાં વિકલ્પરૂપે ઈલેક્ટ્રિક સાધનોનો ઉપયોગ કરીને ઉદાહરણ પૂરું પાડવું જોઈએ, જેથી પ્રજામાં પણ જવાબદારી અને પ્રેરણા ઉભી થાય.