Advertisement

નવસારીમાં કલિયુગ: હવસખોર સાવકા પિતાએ બે સગીર દીકરીઓને બનાવી ગર્ભવતી, રક્ષક જ બન્યો ભક્ષક!

નવસારીમાં કલિયુગ: હવસખોર સાવકા પિતાએ બે સગીર દીકરીઓને બનાવી ગર્ભવતી, રક્ષક જ બન્યો ભક્ષક!

નવસારી: જિલ્લાના ચીખલી તાલુકામાંથી માનવતાને શરમાવતી એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. લોહીના સંબંધોને કલંકિત કરતા એક પાખંડી સાવકા પિતાએ પોતાની જ બે સગીર દીકરીઓ પર વારંવાર દુષ્કર્મ ગુજારી તેમને ગર્ભવતી બનાવી હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે. આ નરાધમ પિતાની કરતૂતો સામે આવતા સમગ્ર પંથકમાં ભારે રોષ અને ફિટકારની લાગણી જોવા મળી રહી છે.


પેટના દુખાવાએ ખોલ્યો પાપનો ઘડો

આ હૃદયદ્રાવક ઘટનાનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે નાની દીકરીને અચાનક પેટમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો. પરિવાર દ્વારા તેને તાત્કાલિક સારવાર માટે કુકેરી પી.એચ.સી. સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી. ત્યાં ફરજ પરના તબીબોને શંકા જતાં સગીરાની સોનોગ્રાફી કરાવવામાં આવી હતી. રિપોર્ટમાં જ્યારે એવું સામે આવ્યું કે સગીરા 5 માસની ગર્ભવતી છે, ત્યારે પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. માતા માટે આ સમાચાર કોઈ મોટા આઘાતથી ઓછા નહોતા.


બંને સગીર બહેનો બની હવસનો શિકાર

ઘટનાની ગંભીરતા જોઈને જ્યારે માતાએ નાની દીકરીની આકરી પૂછપરછ કરી, ત્યારે તેણે રડતા રડતા તેના સાવકા પિતા અનિલ અમૃતભાઈ રાઠોડની કાળી કરતૂતો વર્ણવી હતી. આટલું ઓછું હોય તેમ, શંકાના આધારે મોટી દીકરીની પણ તપાસ કરાવતા તે પણ 2 માસની ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું. આરોપી પિતા બંને દીકરીઓને જંગલમાં લાકડા લેવા જવાના બહાને અથવા રાત્રે પરિવારના સભ્યો ઊંઘી ગયા બાદ પોતાની હવસનો શિકાર બનાવતો હતો.


"વાત કરશો તો ભૂખ્યા રાખીશ" કહી આપતો ધમકી

માસૂમ દીકરીઓ લાંબા સમયથી આ નરક જેવી પીડા મુંગા મોઢે સહન કરી રહી હતી, કારણ કે આરોપી પિતા તેમને સતત ડરાવી-ધમકાવી રહ્યો હતો. નરાધમ પિતા દીકરીઓને ધમકી આપતો હતો કે, "જો તમે આ વાત કોઈને કહેશો, તો હું તમને અને તમારી મમ્મીને જમવાનું આપીશ નહીં અને ભૂખ્યા રાખીશ." જમવાનું નહીં મળે અને ઘરની બહાર નીકળવું પડશે તેવા ડરથી દીકરીઓ આ અત્યાચાર મૂંગા મોઢે સહન કરતી રહી હતી.


પોલીસે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલ્યો

સગીરાઓની માતાની ફરિયાદના આધારે ચીખલી પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી આરોપી અનિલ રાઠોડ વિરુદ્ધ POCSO એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે જેથી આ નરાધમ પિતાને કડકમાં કડક સજા અપાવી શકાય અને પીડિત દીકરીઓને ન્યાય મળે.

Advertisement