મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી યુદ્ધ જેવી પ્રતિકૂળ વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે પણ ગુજરાત એનર્જી લિમિટેડ (GEL)ની સફળ વ્યૂહરચનાના પરિણામે મોરબીના સિરામિક ઉદ્યોગોને ફરી ગતિ મળી છે. ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલએ જણાવ્યું હતું કે, માત્ર દોઢ મહિનામાં કાર્યરત સિરામિક એકમોની સંખ્યા ૮૩થી વધીને ૬૭૦થી વધુ થઈ છે, જેના કારણે સમગ્ર ઉદ્યોગ ક્ષેત્રમાં નવી આશા જાગી છે.
અગાઉ ગુજરાત ગેસ લિમિટેડ તરીકે ઓળખાતી ગુજરાત એનર્જી લિમિટેડે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ મોરબીમાં PNGના અધિકૃત સપ્લાયર તરીકે અવિરત ગેસ પુરવઠો અને ભાવ સ્થિરતા જાળવી રાખી છે. કંપનીએ મોરબી સિરામિક ક્લસ્ટરની જરૂરિયાતોને પહોંચી વળવા માટે વર્ષોથી વ્યાપક ગેસ વિતરણ નેટવર્ક વિકસાવ્યું છે. હાલમાં આશરે ૮૬૫ ઔદ્યોગિક એકમો GELની PNG પાઇપલાઇન સાથે જોડાયેલા છે.
ઊર્જા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ભૂ-રાજકીય કટોકટી દરમિયાન કંપનીએ ભારત સરકારના માર્ગદર્શનો અનુસાર મધ્ય પૂર્વ સિવાયના બજારોમાંથી કુદરતી ગેસની ખરીદી કરીને અવિરત પુરવઠો જાળવ્યો હતો. કાચા માલના વધતા ખર્ચ, ઔદ્યોગિક પ્રોપેનના ઉપયોગ પરના નિયંત્રણો અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં વધારાના કારણે માર્ચ ૨૦૨૬ના બીજા પખવાડિયાથી ઘણા સિરામિક એકમોએ સ્વૈચ્છિક રીતે ઉત્પાદન બંધ કર્યું હતું. જોકે GELએ મોરબી સિરામિક એસોસિએશન સહિતના તમામ હિસ્સેદારો સાથે ચર્ચા કરીને મે-૨૦૨૬ માટે ભાવની નિશ્ચિતતા સાથે ગેસ પુરવઠાની ખાતરી આપી હતી.
આ પ્રયાસોના પરિણામે મોરબીના સિરામિક ઉદ્યોગમાં ફરીથી તેજી જોવા મળી રહી છે. તા. ૩૧ માર્ચ, ૨૦૨૬ના રોજ માત્ર ૮૩ એકમો કાર્યરત હતા, જ્યારે તા. ૧૭ મે, ૨૦૨૬ સુધીમાં ૬૭૦થી વધુ એકમો ફરી શરૂ થઈ ચૂક્યા છે. જેના કારણે ઉત્પાદકોમાં વિશ્વાસ વધ્યો છે અને સમગ્ર ક્લસ્ટરમાં ઉત્પાદનના પુનરુત્થાનને વેગ મળ્યો છે.
GEL માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર પૂરતું મર્યાદિત નથી રહ્યું પરંતુ ઘરેલુ અને કોમર્શિયલ PNG કનેક્શન વધારવા માટે પણ વિશેષ પ્રયાસો કરી રહ્યું છે. તા. ૧ માર્ચથી ૧૭ મે, ૨૦૨૬ દરમિયાન કંપનીએ આશરે ૪૦ હજાર D-PNG કનેક્શન, ૧૩ હજાર પુનઃજોડાણ અને ૫૦૦ કોમર્શિયલ જોડાણ પૂરા પાડ્યા છે. ઉપરાંત ગુજરાતની તમામ CGD કંપનીઓએ મળીને આશરે ૮૫ હજાર ઘરેલુ અને ૧,૧૦૦ કોમર્શિયલ કનેક્શન આપ્યા છે.
કંપનીએ હોસ્પિટલ, હોસ્ટેલ, કોમ્યુનિટી કિચન, ઔદ્યોગિક કેન્ટીન, શાળા અને કોલેજ જેવા આવશ્યક સેવાઓના ગ્રાહકોને પણ પ્રાથમિકતા આપી છે. આ સમયગાળા દરમિયાન આશરે ૧૧૦ આવશ્યક શ્રેણીના ગ્રાહકોને કનેક્શન આપવામાં આવ્યા હતા, જ્યારે સમગ્ર ગુજરાતમાં CGD કંપનીઓ દ્વારા કુલ ૨૨૫ કનેક્શન આપવામાં આવ્યા છે.
અંતે ઊર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વૈશ્વિક કટોકટીના કપરા સમયમાં GELએ પોતાની ઝડપી કાર્યક્ષમતા અને મજબૂત વ્યૂહરચના દ્વારા ગુજરાતની ઊર્જા વ્યવસ્થાને સુરક્ષિત રાખી છે. ગુજરાતનું ગેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વૈશ્વિક પડકારો સામે મજબૂત અને સક્ષમ સાબિત થયું છે અને ભવિષ્યમાં પણ કંપની અવિરત ઊર્જા, ભાવ સ્થિરતા અને શ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા રાજ્યના ઔદ્યોગિક વિકાસને ગતિ આપતી રહેશે.