Advertisement

મહેસાણામાં રાજકીય અથડામણ હિંસક બની: ભાજપ ઉમેદવારના ભાણાની હત્યા

મહેસાણામાં રાજકીય અથડામણ હિંસક બની: ભાજપ ઉમેદવારના ભાણાની હત્યા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના ઉગ્ર માહોલ વચ્ચે મહેસાણા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચિંતાજનક બની છે. વોર્ડ નંબર 4 વિસ્તારમાં રાજકીય વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કરતાં ભાજપના ઉમેદવારના ભાણા મિતેન ચૌધરીની નિર્દયી હત્યા કરવામાં આવી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું છે અને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.


મળતી માહિતી મુજબ, તાવડિયા રોડ વિસ્તારમાં ભાજપ અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે જૂથ અથડામણ થઈ હતી. મિતેન ચૌધરી પોતાના મિત્રો સાથે કારમાં જઈ રહ્યા હતા ત્યારે ચારથી પાંચ અજાણ્યા શખસોએ તેમની ગાડી રોકી હતી અને તીક્ષ્ણ હથિયારો, લાકડીઓ તેમજ પાઈપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા મિતેનને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. આ હુમલામાં ધીમંત ચૌધરી નામનો અન્ય યુવક પણ ઈજાગ્રસ્ત થયો છે અને હાલ સારવાર હેઠળ છે, જ્યારે સામે પક્ષના એક વ્યક્તિને પણ ઈજાઓ પહોંચી હોવાની માહિતી સામે આવી રહી છે.


આ મામલે પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. DySP મિલાપ પટેલના જણાવ્યા અનુસાર, ઘટના મોડી રાત્રે માનવઆશ્રમ ચોકડીથી તાવડિયા રોડ તરફ જતાં માર્ગ પર બની હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે CCTV ફૂટેજ કબજે કર્યા છે. સાથે જ ટેકનિકલ સર્વેલન્સ અને CDRના આધારે આરોપીઓની શોધખોળ તેજ કરવામાં આવી છે. ઘટના બાદ શહેરમાં પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પ્રયત્નો હાથ ધરાયા છે.

Advertisement