Advertisement

માધવપુર ઘેડનો મેળો બન્યો સાંસ્કૃતિક મહાકુંભ, ઉત્તરપૂર્વના 258 કલાકારોએ આપી અનોખી રજૂઆત

માધવપુર ઘેડનો મેળો બન્યો સાંસ્કૃતિક મહાકુંભ, ઉત્તરપૂર્વના 258 કલાકારોએ આપી અનોખી રજૂઆત


પોરબંદર તા.૩૦ માધવપુર ઘેડના મેળામાં એક અનોખો સાંસ્કૃતિક સંગમ રચાયો છે, ઉત્તર પૂર્વીય આઠ રાજ્યોના જુદા જુદા લોક નૃત્યનો સમન્વય સાધીને ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને મંચ પર તો ઉતાર્યો જ છે. સાથે જ ભગવાન શ્રીકૃષ્ણના લગ્ન પ્રસંગ સાથે જોડાયેલા રુકમણી હરણની ગાથાને આસામના અંકિયા ભાઓના લોકનૃત્ય માધ્યમથી બખૂબી રીતે પ્રસ્તુત કરી છે.


નોર્થ ઈસ્ટ ઝોન કલ્ચરલ સેન્ટર - -દીમાપુર સાથે જોડાયેલા અને સિનિયર આસિસ્ટન્ટ કોરિયોગ્રાફર શ્રી રાજેશ બોરાએ માધવપુર ઘેડના મેળાના સાંસ્કૃતિક પ્રસ્તુતિની વાત કરતા કહે છે કે, ઉત્તર પૂર્વીય રાજ્ય અરુણાચલ પ્રદેશના રાજકુમારી દેવી રુકમણીજી અને ભગવાન શ્રીકૃષ્ણના મિલનની આ પવિત્ર ભૂમિ પર ઉત્તરપૂર્વીય આઠેય રાજ્યોના લોક નૃત્યોનો સમન્વય સાધીને કુલ ૨૫૮ જેટલા કલાકારો સાથે ૫૦ મિનિટની એક ભવ્ય પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી છે, જે તેવી રુકમણી હરણ અને અષ્ટલક્ષ્મીના કેન્દ્રીય વિચાર સાથે લોક નૃત્યના માધ્યમથી રજૂ કરવામાં આવી છે. ખાસ આસામ રાજ્યના અંકિયા ભાઓના લોકનૃત્ય દ્વારા દેવી રુકમણીજીના હરણની સમગ્ર ગાથાને વણી લેવામાં આવી છે. ઉપરાંત દેવી રુકમણીજીને લક્ષ્મીજીનું સ્વરૂપ જ માનવામાં આવે છે. તેને કેન્દ્રમાં રાખી અષ્ટલક્ષ્મીના પ્રતિક રૂપ ઉત્તર પૂર્વીય આઠેય રાજ્યોના લોકનૃત્યો રજૂ કરવામાં આવ્યા છે.


આ પર્ફોમન્સમાં આસામના બિહુ, બોરો, સત્રિયા અને 'અંકિયા ભાઓના' (જેમાં રુક્મિણી હરણ દર્શાવાયું છે), ત્રિપુરાનું હોજાગીરી અને મમિતા નૃત્ય, અરુણાચલ પ્રદેશનું રેખામપાડા અને તાપૂ, સિક્કિમનું ઘાટુ અને સિંઘી છમ, મેઘાલય વાંગલા અને ખાસી નૃત્ય, મણિપુરનું લાઈ હરાઓબા અને પુંગ-ઢોલ ચોલોમ વગેરે લઈબદ્ધ રીતે દર્શાવવામાં આવ્યા છે.


તેમણે ગુજરાતના સાંસ્કૃતિક વારસાની વાત કરતા કહ્યું કે, ગુજરાતના ગરબા અને ગાયકી ખૂબ પ્રસિદ્ધ છે જ, વધુમાં તેમણે કહ્યું કે, ઉત્તર પૂર્વીયો રાજ્યોનું સંગીત પર્વતમાળા જેમ ઉંચી નીચી હોય તેમ હળવા લયવાળું છે. જ્યારે ગુજરાત રાજ્યનું સંગીત ઊંચા અવાજ સાથેનું હાય રેન્જ ઝડપીલય એટલે કે હાય ટેમ્પો વાળું છે. 


તેમણે જણાવ્યું હતું કે, દેવી રુકમણીજી અને ભગવાન શ્રીકૃષ્ણના લગ્ન પ્રસંગથી ઉત્તર પૂર્વીયો રાજ્ય અને ગુજરાત વચ્ચે એક સંબંધ સ્થાપિત થયેલો હતો, તેને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ માધવપુર ઘેડના મેળાથી ફરી ચેતનવંતો કર્યો છે. આ મેળાના માધ્યમથી એક ભારત, શ્રેષ્ઠ ભારતની નેમ ચરિતાર્થ થઈ રહી છે. સાથે જ દેશના ઉત્તર પૂર્વીય ભાગ અને પશ્ચિમને જોડવાનું કામ પણ સફળ રીતે થયું છે.


ભગવાન શ્રીકૃષ્ણ અને દેવી રુકમણીજીના લગ્ન પ્રસંગે યોજાતો માધવપુર ઘેડનો સાંસ્કૃતિક મહાકુંભ બનવાની સાથે એક ભારત શ્રેષ્ઠ ભારત નેમને ચરિતાર્થ કરી રહ્યો છે. આમ, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વના પરિણામે માધવપુર ઘેડનો મેળો રાષ્ટ્રીય મેળો બન્યો છે. સાથે જ અહીં ભારતની પૂર્વ પશ્ચિમની સંસ્કૃતિ ફરી અનુબંધ સ્થપાયો છે.

Advertisement