Advertisement

LPG સિલિન્ડરના બુકિંગ નિયમોમાં ફેરફારની અફવા: 35 દિવસના વેઇટિંગની વાત ખોટી, મંત્રાલયે કરી મોટી સ્પષ્ટતા

LPG સિલિન્ડરના બુકિંગ નિયમોમાં ફેરફારની અફવા: 35 દિવસના વેઇટિંગની વાત ખોટી, મંત્રાલયે કરી મોટી સ્પષ્ટતા

નવી દિલ્હી: મિડલ ઈસ્ટમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવની અસર ભારતના રસોડા સુધી પહોંચી હોવાના સમાચારો વચ્ચે ગેસ સિલિન્ડરના બુકિંગને લઈ સોશિયલ મીડિયા પર અનેક અફવાઓ ફેલાઈ રહી છે. ખાસ કરીને LPG સિલિન્ડરના બુકિંગ માટેનો સમયગાળો વધારીને 25 થી 35 દિવસ કરવામાં આવ્યો હોવાના અહેવાલો વહેતા થયા હતા. જોકે, પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયે આ મામલે ત્વરિત સ્પષ્ટતા કરી આ તમામ અહેવાલોને ફગાવી દીધા છે.


શું હતી અફવા?

છેલ્લા કેટલાક દિવસોથી એવા સમાચાર વાયરલ થયા હતા કે ડબલ સિલિન્ડર (DBC) ધરાવતા ગ્રાહકો માટે હવે નવું બુકિંગ કરાવવાનો સમયગાળો બદલાઈ ગયો છે. અફવા મુજબ, ગ્રાહકોએ હવે 25 દિવસને બદલે 35 દિવસ સુધી રાહ જોવી પડશે. આ સમાચારને કારણે ગૃહિણીઓ અને સામાન્ય જનતામાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.


મંત્રાલયે શું કરી સ્પષ્ટતા?

પેટ્રોલિયમ મંત્રાલયે સત્તાવાર રીતે જણાવ્યું છે કે બુકિંગના નિયમોમાં આવો કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે:


શહેરી વિસ્તારોમાં: ગ્રાહકો અગાઉની જેમ જ 25 દિવસ બાદ નવું બુકિંગ કરાવી શકશે.


ગ્રામીણ વિસ્તારોમાં: બુકિંગ માટેનો સમયગાળો 45 દિવસ યથાવત રાખવામાં આવ્યો છે.


35 દિવસના ગેપની વાત તદ્દન પાયાવિહોણી અને ખોટી છે.


ગ્રાહકો માટે હેલ્પલાઇન નંબર:

સરકારે જનતાને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી માહિતી પર વિશ્વાસ ન કરવો. જો કોઈ ગ્રાહકને બુકિંગ સંબંધિત સમસ્યા હોય અથવા વધારે જાણકારી મેળવવી હોય, તો તેઓ સત્તાવાર હેલ્પલાઇન નંબર 1800-2333-555 પર સંપર્ક કરી શકે છે.

Advertisement