લદ્દાખ મુદ્દે સોનમ વાંગચુકની 2 ઓક્ટોબરની ડેડલાઇન, કહ્યું- નિર્ણય નહીં થાય તો ફરી આંદોલન

લદ્દાખ મુદ્દે સોનમ વાંગચુકની 2 ઓક્ટોબરની ડેડલાઇન, કહ્યું- નિર્ણય નહીં થાય તો ફરી આંદોલન

નવી દિલ્હી: લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવાની અને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવાની લાંબા સમયથી ચાલી રહેલી માગ ફરી ચર્ચામાં આવી છે. પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકે કેન્દ્ર સરકારને 2 ઓક્ટોબર સુધીનો સમય આપ્યો છે. તેમનું કહેવું છે કે લદ્દાખના મુખ્ય મુદ્દાઓ પર અત્યાર સુધી થયેલી પ્રગતિ પૂરતી નથી.

વાંગચુકે દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે જો 2 ઓક્ટોબર સુધી સરકાર તરફથી સ્પષ્ટ નિર્ણય નહીં આવે તો શાંતિપૂર્ણ વિરોધ અને આંદોલનનો માર્ગ અપનાવવાની ફરજ પડી શકે છે. તેમના નિવેદનો 24 સપ્ટેમ્બર 2025ના લેહમાં થયેલા હિંસક વિરોધની પ્રથમ વરસી બાદ આવ્યા છે. આ ઘટનામાં ચાર લોકોનાં મોત થયા હતા.

લેહ હિંસાની તપાસના રિપોર્ટ અંગે સવાલ

વાંગચુકે 2025ની લેહ હિંસાની તપાસ માટે રચાયેલા ન્યાયિક આયોગના રિપોર્ટને જાહેર કરવાની માગ કરી છે. તેમણે સવાલ ઉઠાવ્યો છે કે તપાસ પૂર્ણ થઈ હોય તો તેનો અહેવાલ જાહેર કેમ કરવામાં આવ્યો નથી અને હિંસા દરમિયાન થયેલી પોલીસ કાર્યવાહીની જવાબદારી અંગે શું કાર્યવાહી થઈ છે.

ગત વર્ષે થયેલા વિરોધ બાદ વાંગચુકની NSA હેઠળ અટકાયત કરવામાં આવી હતી અને તેમને જોધપુર લઈ જવાયા હતા. માર્ચ 2026માં તેમની મુક્તિ થઈ હતી.

કેન્દ્ર સાથે ચર્ચામાં આવ્યો Article 371(K)

લદ્દાખના મુદ્દે કેન્દ્ર સરકાર અને સ્થાનિક પ્રતિનિધિઓ વચ્ચે વાતચીત પણ ચાલી રહી છે. 9 સપ્ટેમ્બર 2026ની બેઠકમાં ગૃહ મંત્રાલય અને લેહ એપેક્સ બોડી તથા કારગિલ ડેમોક્રેટિક એલાયન્સના પ્રતિનિધિઓ વચ્ચે લદ્દાખ માટે બંધારણીય સુરક્ષા અને નવી શાસન વ્યવસ્થા અંગે ચર્ચા થઈ હતી.

આ ચર્ચામાં Article 371(K) હેઠળ લદ્દાખ માટે વિશેષ બંધારણીય જોગવાઈ અને સીધી ચૂંટાયેલી UT-સ્તરની સંસ્થાની રચનાનો પ્રસ્તાવ સામે આવ્યો છે. જોકે તેની સત્તાઓ અને માળખા અંગે અંતિમ નિર્ણય તથા સંપૂર્ણ ડ્રાફ્ટ હજી જાહેર થયો નથી.

Sixth Schedule કેમ માગવામાં આવી રહી છે?

લેહ એપેક્સ બોડી અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ સહિતના સ્થાનિક સંગઠનો લાંબા સમયથી લદ્દાખને છઠ્ઠી અનુસૂચિ હેઠળ લાવવાની માગ કરી રહ્યા છે.

આ માગ પાછળ મુખ્ય મુદ્દાઓમાં જમીન, રોજગાર, સંસ્કૃતિ, ભાષા, પર્યાવરણ અને સ્થાનિક શાસન સાથે જોડાયેલા અધિકારોનો સમાવેશ થાય છે. છઠ્ઠી અનુસૂચિ હેઠળ આવતાં વિસ્તારોમાં સ્વાયત્ત જિલ્લા પરિષદોને ચોક્કસ કાયદાકીય અને વહીવટી સત્તાઓ મળે છે.

હાલમાં કેન્દ્ર અને લદ્દાખના પ્રતિનિધિઓ વચ્ચે Article 371 હેઠળ લદ્દાખ માટે અલગ પ્રકારની બંધારણીય વ્યવસ્થા અંગે ચર્ચા ચાલી રહી છે. આ પ્રસ્તાવ છઠ્ઠી અનુસૂચિની માગથી અલગ મોડેલ હોઈ શકે છે.

લદ્દાખમાં રાજકીય સ્વાયત્તતાનો મુદ્દો

2019માં જમ્મુ-કાશ્મીરના પુનર્ગઠન બાદ લદ્દાખને વિધાનસભા વગરના કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો મળ્યો હતો. ત્યારથી સ્થાનિક સંગઠનો જમીન, નોકરી, પર્યાવરણ અને સાંસ્કૃતિક ઓળખને લગતી સુરક્ષાની માગ કરી રહ્યા છે.

તાજેતરની ચર્ચામાં કેન્દ્ર તરફથી લદ્દાખ માટે સીધી ચૂંટાયેલી UT-સ્તરની સંસ્થા બનાવવાનો વિચાર પણ સામે આવ્યો છે. આ સંસ્થાને જમીન, સંસ્કૃતિ, ભાષા, જંગલો અને કુદરતી સંસાધનો જેવા મુદ્દાઓ પર સત્તા આપવાની ચર્ચા થઈ રહી છે. જોકે અંતિમ માળખું અને સત્તાઓ અંગે વાતચીત હજુ ચાલુ છે.

હવે નજર 2 ઓક્ટોબર પર

એક તરફ લદ્દાખના સંગઠનો રાજ્યનો દરજ્જો અને છઠ્ઠી અનુસૂચિની માગ પર ભાર મૂકી રહ્યા છે, જ્યારે કેન્દ્ર સાથેની તાજેતરની વાતચીતમાં Article 371 હેઠળ વિશેષ વ્યવસ્થાનો વિકલ્પ ચર્ચામાં આવ્યો છે.

સોનમ વાંગચુકે હવે 2 ઓક્ટોબરની સમયમર્યાદા જાહેર કરી છે. તેથી આગામી દિવસોમાં કેન્દ્ર અને લદ્દાખના પ્રતિનિધિઓ વચ્ચેની વાતચીત અને સરકાર તરફથી લેવાતા નિર્ણય પર સૌની નજર રહેશે.