ન્યૂકેસલ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણીને યુનાઇટેડ કિંગડમની ન્યૂકેસલ યુનિવર્સિટીમાં ‘પ્રોફેસર ઑફ પ્રેક્ટિસ ઇન સસ્ટેનેબિલિટી’ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઔદ્યોગિક ડીકાર્બોનાઇઝેશન, ગ્રીન એનર્જી અને વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે તેમના કાર્યને ધ્યાનમાં રાખીને આ જવાબદારી સોંપવામાં આવી હોવાનું જણાવાયું છે.
આ નવી ભૂમિકામાં અનંત અંબાણી વિદ્યાર્થીઓ સાથે ગ્રીન એનર્જી, સસ્ટેનેબિલિટી અને ઉદ્યોગ ક્ષેત્રમાં પર્યાવરણલક્ષી પરિવર્તન જેવા વિષયો અંગે પોતાના વ્યવહારુ અનુભવ અને વિચારો શેર કરશે.
શું હોય છે ‘પ્રોફેસર ઑફ પ્રેક્ટિસ’નું પદ?
‘પ્રોફેસર ઑફ પ્રેક્ટિસ’ સામાન્ય શૈક્ષણિક પદથી અલગ પ્રકારની ભૂમિકા છે. આ પદનો હેતુ ઉદ્યોગ, બિઝનેસ અને અન્ય વ્યવસાયિક ક્ષેત્રોમાં લાંબો અનુભવ ધરાવતા નિષ્ણાતોને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે જોડવાનો છે.
આ માટે પરંપરાગત શૈક્ષણિક કારકિર્દીની જેમ પીએચડી, સંશોધન પેપર અથવા પીઅર-રિવ્યૂ પ્રકાશનો ફરજિયાત હોતા નથી. નિષ્ણાતોના વ્યવહારુ જ્ઞાન અને ક્ષેત્રના અનુભવને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા પર આ ભૂમિકામાં ભાર મૂકવામાં આવે છે.
રિલાયન્સના ગ્રીન એનર્જી મિશનમાં અનંતની ભૂમિકા
અનંત અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એનર્જી ટ્રાન્ઝિશન સાથે જોડાયેલા પ્રોજેક્ટ્સમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. કંપનીના લાંબા ગાળાના લક્ષ્ય મુજબ 2035 સુધીમાં નેટ કાર્બન ઝીરો હાંસલ કરવા માટેના રોડમેપ સાથે પણ તેઓ જોડાયેલા છે.
ગુજરાતના જામનગરમાં આશરે 5,000 એકરમાં વિકસાવવામાં આવી રહેલા ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સ સાથે જોડાયેલા કામમાં પણ તેમનું નેતૃત્વ છે. આ પ્રોજેક્ટમાં સોલાર પીવી મેન્યુફેક્ચરિંગ, ગ્રીન હાઇડ્રોજન, ઇલેક્ટ્રોલાઇઝર, બેટરી સ્ટોરેજ અને ફ્યુઅલ સેલ સિસ્ટમ જેવી ટેક્નોલોજી સાથે જોડાયેલી ગીગા-ફેક્ટરીઓનો સમાવેશ થાય છે.
વન્યજીવ સંરક્ષણમાં પણ સક્રિય ભૂમિકા
સસ્ટેનેબિલિટી ઉપરાંત અનંત અંબાણી વન્યજીવ સંરક્ષણ સાથે જોડાયેલા વનતારા પ્રોજેક્ટમાં પણ સક્રિય છે. જામનગરમાં વિકસાવવામાં આવેલા આ વિશાળ સંરક્ષણ અને રેસ્ક્યૂ સેન્ટરમાં વિવિધ પ્રજાતિના જંગલી પ્રાણીઓના રેસ્ક્યૂ, સારવાર અને પુનર્વસન માટેની સુવિધાઓ ઉપલબ્ધ છે.
વનતારામાં હાથીઓ સહિત સિંહ, વાઘ, દીપડા, ગેંડા અને અન્ય સંકટગ્રસ્ત પ્રાણીઓ માટે સારવાર તથા પુનર્વસનની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં 650 બેડની મલ્ટી-સ્પેશિયાલિટી વાઇલ્ડલાઇફ હોસ્પિટલ સહિત અનેક વિશેષ સુવિધાઓ હોવાનો દાવો કરવામાં આવે છે.
ગ્રીન એનર્જીથી ઔદ્યોગિક વનીકરણ સુધી
જામનગરમાં ગ્રીન એનર્જી પહેલ સાથે ઔદ્યોગિક વનીકરણના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત એક કરોડથી વધુ વૃક્ષો વાવવાના કામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ તમામ પહેલોને ધ્યાનમાં રાખીને ન્યૂકેસલ યુનિવર્સિટીએ અનંત અંબાણીને સસ્ટેનેબિલિટી ક્ષેત્રે ‘પ્રોફેસર ઑફ પ્રેક્ટિસ’ તરીકે જોડ્યા છે. હવે તેઓ પોતાના ઉદ્યોગ અને પર્યાવરણ ક્ષેત્રના વ્યવહારુ અનુભવને શૈક્ષણિક ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ સાથે શેર કરશે.