મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ખેડૂત અને પ્રજાહિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેમાં વારસાઈ જમીન સંબંધિત આંતરિક વ્યવહારો માટે જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીમાં મોટી રાહત આપવામાં આવી છે. હવે આવા કિસ્સાઓમાં માત્ર ₹300ની ટોકન સ્ટેમ્પ ડ્યુટી લાગુ કરવામાં આવશે, જેના કારણે ખેડૂતવર્ગને આર્થિક રાહત મળશે.
આ નિર્ણય ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958 હેઠળ રાજ્ય સરકારને મળેલી સત્તા આધારે લેવામાં આવ્યો છે. આ મુજબ, વારસદારો વચ્ચે હકક ઉઠાવવાના, નામ દાખલ કરવાના કે જમીન વહેંચણીના તમામ પ્રકારના લેખ પર માત્ર ₹300 સ્ટેમ્પ ડ્યુટી લેવામાં આવશે, ભલે તે સીધી લીટીના હોય કે આડી લીટીના વારસદારો હોય.
આ પગલાથી પરિવારના સભ્યો વચ્ચે મિલકત વહેંચણી વધુ સરળ બનશે અને કોર્ટ કેસ તથા વિવાદોમાં ઘટાડો થવાની શક્યતા છે. સાથે જ વધુ લોકો કાયદેસર રીતે દસ્તાવેજીકરણ તરફ વળશે, જેના કારણે જમીન સંબંધિત વ્યવહારોમાં પારદર્શિતા અને સ્પષ્ટતા વધશે.
ખાસ કરીને ખેડૂતો માટે આ નિર્ણય ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, કારણ કે વારસાઈ જમીનના વહેંચાણમાં આર્થિક ભાર ઓછો પડશે. આથી હકક પત્રક વધુ સ્પષ્ટ બનશે, ગેરસમજ ઘટશે અને સમગ્ર પ્રક્રિયા વધુ ઝડપી તથા સરળ બનશે, જે ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસને પણ પ્રોત્સાહન આપશે.