ખંભાતમાં ગણેશ મહોત્સવને લઈને તંત્રની બેઠક, મંડળો માટે કડક સૂચનાઓ જાહેર

ખંભાતમાં ગણેશ મહોત્સવને લઈને તંત્રની બેઠક, મંડળો માટે કડક સૂચનાઓ જાહેર

ખંભાતમાં ગણેશ મહોત્સવને લઈને તંત્રની બેઠક, મંડળો માટે કડક સૂચનાઓ જાહેર


ગણેશ મહોત્સવ અને વિસર્જન પર્વને લઈને ખંભાતમાં વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે. ખંભાત તાલુકા પંચાયત કચેરી ખાતે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગે ગણેશ મંડળોના સંચાલકો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.

બેઠકમાં પ્રાંત અધિકારી કુંજલ શાહ, નાયબ પોલીસ અધિક્ષક એચ.બી. વાઘેલા, પોલીસ ઈન્સ્પેક્ટર પી.જે. બાંટવા, મામલતદાર જયદેવભાઈ વાંક અને તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં ગણેશ મંડળોના સંચાલકોએ પણ બેઠકમાં ભાગ લીધો હતો.

ગણેશ મહોત્સવ અને વિસર્જન શાંતિપૂર્ણ અને સુચારૂ રીતે સંપન્ન થાય તે માટે તંત્ર દ્વારા મંડળોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ ગણેશ પંડાલમાં CCTV કેમેરા ચાલુ રાખવા ફરજિયાત રહેશે. મૂર્તિ સ્થાપના અને વિસર્જન માટે જરૂરી પરવાનગી પણ સમયસર લેવાની રહેશે. અત્યાર સુધીમાં આ મામલે પોલીસ મથકે લગભગ 67 અરજીઓ આવી હોવાનું સામે આવ્યું છે.

વિસર્જન દરમિયાન ગણેશજીની મૂર્તિને નક્કી કરાયેલા રૂટ પરથી જ લઈ જવાની રહેશે અને વિસર્જનની પ્રક્રિયા પણ નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવાની રહેશે.

સાથે જ ડીજે વગાડવા માટે અગાઉથી મંજૂરી લેવી ફરજિયાત રહેશે અને સરકારના નિયમો મુજબ અવાજની મર્યાદાનું પાલન કરવું પડશે. કોઈની ધાર્મિક લાગણી દુભાય તેવા ગીતો અથવા વિવાદાસ્પદ સામગ્રી વગાડવા પર પણ તંત્રએ સ્પષ્ટ મનાઈ કરી છે.

બેઠકના અંતે અધિકારીઓએ ગણેશ મંડળોના સંચાલકોને અપીલ કરી હતી કે જિલ્લા કલેક્ટરના જાહેરનામા મુજબ નક્કી કરાયેલા માપદંડ પ્રમાણે જ ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવે.

ભક્તિ પણ રહેશે, ઉત્સવ પણ થશે... પરંતુ નિયમોના પાલન સાથે!

ખંભાતમાં બાપ્પાના મહોત્સવને લઈને તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.