કેનેડાનું સપનું અધૂરું… —હત્યારો પકડાય ત્યાં સુધી અંતિમ સંસ્કાર નહીં!
સુરત જિલ્લાના માંડવી તાલુકાના ગોદાવાડી ગામમાં 25 વર્ષીય યુવતીની ઘાતકી હત્યાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.
પરિવાર પ્રવાસે ગયો હતો અને ઘરે એકલી રહેલી નિધિ પટેલની હત્યા કરી લૂંટ ચલાવવામાં આવી હતી.
પરિવાર 23 ઓગસ્ટની રાત્રે ડાકોરથી પરત ફરી રહ્યો હતો. રાત્રે 9:28 વાગ્યે પિતા વાસુદેવભાઈએ દીકરી નિધિ સાથે છેલ્લી વખત ફોન પર વાત કરી હતી. પરિવાર રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ ઘરે પહોંચ્યો ત્યારે દરવાજો અંદરથી બંધ હતો અને નિધિનો ફોન પણ બંધ આવતો હતો.
બારીમાંથી તપાસ કરતા ઘરમાં લાઇટ અને પંખો ચાલુ જોવા મળ્યા. પાછળનું બારણું આડું મળતાં પરિવારને શંકા ગઈ. ઘરમાં શોધખોળ કરતા ઉપરના માળે નિધિનો મૃતદેહ મળી આવ્યો.
પરિવારના જણાવ્યા મુજબ નિધિના મોઢા પર કોથળીઓ અને દોરી બાંધીને તેની હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ ઘરમાંથી રોકડ રકમ, નોટોનું બંડલ, ચેઇન, વીંટી અને સાંકળ સહિતની વસ્તુઓની લૂંટ કરવામાં આવી હતી.
નિધિ એન્જિનિયરિંગ પૂર્ણ કર્યા બાદ IELTSની તૈયારી કરતી હતી અને આગામી થોડા મહિનામાં કેનેડા જવાની તૈયારીમાં હતી. પરંતુ વિદેશ જઈને ઉજ્જવળ ભવિષ્ય બનાવવાનું તેનું સપનું અધૂરું રહી ગયું.
ઘટનામાં હવે એક મોટો સવાલ એ છે કે શું ખરેખર આ હત્યા માત્ર લૂંટના ઇરાદે કરવામાં આવી હતી? ઘટનાસ્થળની સ્થિતિને જોતા પોલીસ અન્ય શક્યતાઓની પણ તપાસ કરી રહી છે.
સુરત ગ્રામ્ય પોલીસની 8 ટીમો, LCB, FSL અને ડોગ સ્કવોડ તપાસમાં જોડાયા છે. પરિવારજનો અને નિધિના પરિચિતોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે.
પરિવારની એક જ માંગ છે—“જ્યાં સુધી હત્યારો નહીં પકડાય, ત્યાં સુધી નિધિના અંતિમ સંસ્કાર નહીં કરીએ.”
હવે પોલીસ માટે સૌથી મોટો પડકાર છે—નિધિનો હત્યારો કોણ અને હત્યા પાછળનું સાચું કારણ શું?