Advertisement

કૃષિ ક્ષેત્રે ક્રાંતિ: ગુજરાત બજેટ 2026માં કૃષિને આધુનિક બનાવવા પર વિશેષ ભાર, ગૌસેવા અને પશુપાલન માટે પણ મોટી જાહેરાતો.

કૃષિ ક્ષેત્રે ક્રાંતિ: ગુજરાત બજેટ 2026માં કૃષિને આધુનિક બનાવવા પર વિશેષ ભાર, ગૌસેવા અને પશુપાલન માટે પણ મોટી જાહેરાતો.

 ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2026નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં ખેડૂતો, પશુપાલકો અને ગૌસેવાને કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યા છે. 'વાવણીથી વેચાણ સુધી' ખેડૂતોની પડખે રહેવાના સંકલ્પ સાથે સરકારે કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો માટે મોટી જાહેરાતો કરી છે. ખાસ કરીને સિંચાઈ સુવિધાઓના વિસ્તાર અને ગૌવંશના સંરક્ષણ માટે બજેટમાં માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે.


ખેડૂતો માટે આર્થિક કવચ અને ટેકાના ભાવ

• સરકારે ખેડૂતોને આર્થિક રીતે સધ્ધર બનાવવા માટે ₹11,000 કરોડથી વધુનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે, જેનો લાભ રાજ્યના 33 લાખ ખેડૂતોને મળશે.

• મગફળી, કપાસ અને સોયાબીન જેવા પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ₹18,000 કરોડ ચૂકવવામાં આવ્યા છે.

• ખેડૂતોને સસ્તું ધિરાણ મળી રહે તે માટે કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) વ્યાજ સહાય પેટે ₹1539 કરોડ ફાળવાયા છે.

સિંચાઈ: છેવાડાના ખેતર સુધી પહોંચશે નર્મદાના નીર


રાજ્યના જળ સંસાધનોના વ્યવસ્થાપન માટે કુલ ₹3043 કરોડની જોગવાઈ

• કચ્છ: સિંચાઈ સુવિધાઓ માટે ₹1333 કરોડ.

• ઉત્તર ગુજરાત: સુજલામ સુફલામ પાઈપલાઈન માટે ₹1237 કરોડ.

• સૌરાષ્ટ્ર: 'સૌની' (SAUNI) યોજનાના કામો માટે ₹473 કરોડ.

• નળકાંઠા: અમદાવાદના અંતરિયાળ ગામો માટે ₹958 કરોડના ખર્ચે બીજા તબક્કાની કામગીરી.


ગૌસેવા અને પશુપાલન: બાયો CNG પ્લાન્ટની નવી પહેલ

ગૌવંશના સંરક્ષણ માટે 'ગૌ માતા પોષણ યોજના' હેઠળ ₹500 કરોડની ફાળવણી કરી સરકારે ગૌપ્રેમ વ્યક્ત કર્યો છે. પશુપાલકોની આવક બમણી કરવાના હેતુથી રાજ્યના 4 ઝોનમાં સહકારી મંડળીઓ મારફતે બાયો CNG પ્લાન્ટ સ્થાપવાની નવીન યોજના જાહેર કરવામાં આવી છે.


ખેતીમાં આધુનિકીકરણ અને પ્રાકૃતિક ખેતી

ખેતીને સ્માર્ટ બનાવવા માટે ટેકનોલોજી અને યાંત્રિકીકરણ પર ભાર મૂકવામાં આવ્યો છે.

• ટ્રેક્ટર અને હાર્વેસ્ટર જેવા સાધનોની ખરીદીમાં સહાય માટે ₹1565 કરોડની જોગવાઈ.

• પ્રાકૃતિક ખેતીના બ્રાન્ડિંગ અને માર્કેટિંગ માટે ₹39 કરોડનો ખર્ચ કરાશે.

• ડાંગર અને તેલીબિયાં જેવા પાકોના સંશોધન માટે 6 નવા સેન્ટર ઓફ એક્સલન્સ ઊભા કરાશે.


બ્લુ ઈકોનોમી: મત્સ્યોદ્યોગનો વિકાસ

ગુજરાતના દરિયાકાંઠાના વિકાસ અને મત્સ્ય નિકાસ વધારવા માટે સરકારે ₹1340 કરોડ ફાળવ્યા છે, જેનાથી સ્ટોરેજ અને પ્રોસેસિંગ સુવિધાઓમાં વધારો થશે.


યોજના/ક્ષેત્ર અને ફાળવેલ બજેટ

• કૃષિ યાંત્રિકીકરણ સહાય: ₹1565 કરોડ

• કિસાન ક્રેડિટ કાર્ડ વ્યાજ સહાય: ₹1539 કરોડ

• સિંચાઈ યોજનાઓ (કુલ): ₹3043 કરોડ

• ગૌ માતા પોષણ યોજના: ₹500 કરોડ

• મત્સ્યોદ્યોગ વિકાસ: ₹1340 કરોડ


અન્ય જાહેરાતો

• મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના માટે ₹111 કરોડની જોગવાઇ.

• કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ ખેડૂતોને સહાય માટે ₹42 કરોડની જોગવાઇ.

• આદિજાતિ ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ આધારિત વાડી સહાય માટે ₹30 કરોડની જોગવાઇ. 

• સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમ હેઠળ ₹65 કરોડની જોગવાઇ.

• શ્રીઅન્ન(મિલેટ)ના વપરાશને પ્રોત્સાહન આપવા બાજરી, જુવાર, રાગી(નાગલી)ની ખરીદી પર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી લઘુત્તમ ટેકાના ભાવ ઉપરાંત ₹300 પ્રતિ ક્વિન્ટલ પ્રોત્સાહક બોનસની જોગવાઇ. 


Advertisement