Advertisement

જસદણમાં કાળમુખું તળાવ: આલણ સાગરમાં ડૂબી જવાથી 4 માસૂમ બાળકોના મોત, એકસાથે નીકળેલી અંતિમ યાત્રામાં આખું ગામ હિબકે ચડ્યું

જસદણમાં કાળમુખું તળાવ: આલણ સાગરમાં ડૂબી જવાથી 4 માસૂમ બાળકોના મોત, એકસાથે નીકળેલી અંતિમ યાત્રામાં આખું ગામ હિબકે ચડ્યું

જસદણ: રાજકોટ જિલ્લાના જસદણ પંથકમાં લોકશાહીના પર્વની ઉજવણી વચ્ચે એક અત્યંત કરુણ અને દુઃખદ ઘટના સામે આવી છે. જસદણના આલણ સાગર તળાવમાં ન્હાવા પડેલા ચાર માસૂમ બાળકોના ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે. રમત-રમતમાં મોતને ભેટેલા આ ચારેય તરુણોની આજે એકસાથે અંતિમ યાત્રા નીકળતા સમગ્ર જસદણ પંથક શોકમાં ગરકાવ થઈ ગયો હતો અને હજારો લોકોની આંખો ભીની થઈ હતી.


ન્હાવા ગયા ને મોત મળ્યું: રાત્રે મળ્યા મૃતદેહ

મળતી માહિતી અનુસાર, ગત રોજ આ ચારેય બાળકો ઘર નજીક રમતા-રમતા આલણ સાગર તળાવે ન્હાવા માટે ગયા હતા. મોડી સાંજ સુધી બાળકો ઘરે પરત ન ફરતા પરિવારોએ શોધખોળ આદરી હતી. તળાવની પાળ પરથી બાળકોની સાયકલ અને કપડાં મળી આવતા કોઈ અઘટિત ઘટના બની હોવાની આશંકા સેવાઈ હતી. સ્થાનિક તરવૈયાઓ અને તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી ભારે જહેમત બાદ મોડી રાત્રે એક પછી એક ચારેય બાળકોના મૃતદેહ તળાવના ઊંડા પાણીમાંથી મળી આવ્યા હતા.


મૃતક બાળકોની વિગતો:


રાજવીરભાઈ સામતભાઈ રાઠોડ (ઉંમર 15 વર્ષ)

કિશન મનસુખભાઈ રાઠોડ (ઉંમર 15 વર્ષ)

રામુભાઈ ભાયાભાઈ રાઠોડ (ઉંમર 14 વર્ષ)

કાળુભાઈ ભરતભાઈ રાઠોડ (ઉંમર 10 વર્ષ)


મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ આપી સાંત્વના

આ ઘટનાની જાણ થતા જ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા શોકગ્રસ્ત પરિવારોની મુલાકાતે દોડી ગયા હતા. તેમણે શોકમાં ડૂબેલા પરિવારજનોને સાંત્વના આપી આ દુઃખની ઘડીમાં પડખે ઊભા રહેવાની ખાતરી આપી હતી. મંત્રીએ તાત્કાલિક ધોરણે સ્મશાન વિધિ અને અન્ય આકસ્મિક ખર્ચ માટે પ્રત્યેક મૃતક બાળકના પરિવારને ₹25,000 ની આર્થિક સહાય અર્પણ કરી હતી.


આજે જ્યારે આ ચારેય બાળકોની સ્મશાન યાત્રા નીકળી ત્યારે આખું જસદણ સ્તબ્ધ થઈ ગયું હતું. એક જ વિસ્તારના ચાર આશાસ્પદ બાળકોના અકાળે અવસાનથી પરિવારો પર જાણે આભ તૂટી પડ્યું છે.

Advertisement